તંત્રીલેખ / કેન્દ્રીય નેતાગીરી સમાજના સામાન્ય વર્ગથી વિમુખ થઈ ગઈ છે


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

છેલ્લાં ચાર-પાંચ વર્ષથી અમદાવાદ હોસ્ટેલ નિર્માણનો મુદ્દો સતત ચર્ચામાં આવતો રહ્યો છે. કેન્દ્રિય સમાજ દ્વારા હોસ્ટેલ નિર્માણ અંગે કાર્યવાહક સમિતિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા સ્થળ અને જમીન અંગે વિસ્તૃત તપાસ કરી જરૂરી જમીન અને બાંધકામ અંગે ૩૦-૪૦ કરોડનો પ્રોજેકટ રજૂ કરાયો હતો. પરંતુ વડતાલ ખાતેની કેન્દ્રિય સમાજની કારોબારી મીટીંગમાં થયેલ રજૂઆત મુજબ અમદાવાદની આસપાસના કન્સ્ટ્રક્શન અને જમીનના બિઝનેશ સાથે સંકળાયેલ સભ્યોનું ગૃપ બનાવી ૧૫૦-૨૦૦ વીઘા જમીન ખરીદી તેમાંથી સમાજને પાંચ-સાત વીઘા જેટલી જમીન કિફાયતી ભાવે આપવાની ફોર્મ્યુલા રજૂ કરતાં આ ફોર્મ્યુલા મુજ્બ આગળ વધવાની મંજુરી આપવામાં આવી પરંતુ કોઈ પણ કારણસર એકાદ દોઢ વર્ષમાં સફળતા ના મળતાં ફરી પાછી જુની દરખાસ્ત ઉપર પરત ફરવું પડયું. પરંતુ આ સમયગાળામાં જમીનના ભાવ ઉંચકાઈ ગયા. ગયા વર્ષે હિમંતનગર ખાતેની કારોબારીની મીટીંગના આગળના દિવસે સમાજના ઉચ્ચ હોદ્દેદારો અને ઝોનલ હોદ્દેદારોની ખાસ સંયુક્ત મીટીંગ ફક્ત અમદાવાદ હોસ્ટેલ અંગે નિર્ણય લેવા બોલાવવામાં આવી હતી પરંતુ આ મીટીંગમાં ઝોનવાદ નેગેટીવ સ્વરૂપે સપાટી ઉપર આવતાં કોઈ નિર્ણય લઈ શકાયો નહિ. હિમંતનગરની કારોબારી મીટીંગ અને ગત ઓગસ્ટ મહિનામાં નખત્રાણા ખાતે કારોબારી અને જનરલ સભામાં આ અંગે ચર્ચાઓ થઈ પણ કમનસીબે કોઈ વાત ખીલે બંધાતી નથી એ આપણા સમાજની કમનસીબી છે. હિમંતનગર ખાતેની કારોબારી સમિતિમાં તો તે સમયે સાબરકાંઠા ઝોનના ઉત્સાહી પ્રમુખશ્રી રસિકભાઈ છાભૈયા અને અન્ય ચાર અગ્રણીઓએ રૂા. ૧૧-૧૧ લાખના દાનની જાહેરાત પણ કરી દીધી હતી.

અમદાવાદ-ગાંધીનગર હાલમાં મેડીક્લ, પેરા- મેડીક્લ, એન્જીનીયરીંગ, આકિર્ટકટ, ડિઝાઈન, ફેશન ટેક્નોલોજી જેવા ઉચ્ચ અભ્યાસ માટેનું મોટું હબ બની ગયું છે. આ ઉપરાંત સી.એ., સી.એસ., સી.એમ.એ. જેવા ઉચ્ચ પ્રોફેશનલ કોર્સ અને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. કે અન્ય ગર્વમેન્ટ નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોચીંગ ઈન્સ્ટીટ્યુટોને કારણે સમગ્ર ગુજરાત જ નહિ પરંતુ ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદ ભણવા આવે છે. એક અંદાજ અનુસાર આપણી જ્ઞાતિના ૭૫૦ થી ૮૦૦ વિદ્યાર્થીઓ હાલમાં અમદાવાદ- ગાંધીનગરમાં અભ્યાસ કરી રહ્યાં છે. એટલે અમદાવાદ ખાતે આપણા સમાજની હોસ્ટેલ હોય તે ઈચ્છનીય છે.

અમદાવાદને એક બીજા દૃષ્ટિકોણથી જોવાની પણ જરૂર છે. આપણા વતન કચ્છ જવાના રસ્તામાં આવતું અમદાવાદ વિમાન અને રેલમાર્ગથી એટલી બધી કનેક્ટીવીટી ધરાવે છે કે ભારતના કોઈપણ ખૂણામાંથી અમદાવાદ આવવું ઝડપી, સરળ અને સુગમ બની ગયું છે. જો આ સ્થાન ખાતે આપણા સમાજનું વહીવટીય કાર્યાલય અને જરૂરી સગવડ ધરાવતા સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવે તો આપણી તમામ સામાજિક પ્રવૃત્તિઓનું સંચાલન વધુ અસરકારક બનતાં સમાજ વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થઈ શકે તેમ છે. આ વહીવટીય કાર્યાલય સતત ધબકતું રહે અને સમગ્ર ભારતમાંથી સામાજિક કાર્ય માટે આવતા હોદ્દેદારો માટે ભોજન-રોકાણ જેવી જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તે માટે આ સમાજ ભવનની સાથે સાથે જરૂરિયાત મુજબની હોસ્ટેલ નિર્માણ કરી શકાય તેવા દૃષ્ટિકોણથી આ આયોજન કરવાની જરૂરિયાત छे.

શું ૩૦-૪૦ કરોડનું ફંડ એકત્ર કરવું એ આપણી વિશાળ જ્ઞાતિ સમાજ માટે અશક્ય છે ? જ્વાબ છે ના. જે જ્ઞાતિ સમાજની ૧૦૦ ઉપરાંત ગામોની આપણી નાની-મોટી સમાજો, કચ્છ બહારની સેંકડો સમાજો અને ઝોન સમાજો પાસે એકથી પાંચ કરોડનાં ફંડો જમા થયેલાં પડ્યાં હોય, મંદિર કે સમાજ્વાડી નિર્માણ માટે હાકલ પડતાં ગણતરીના સમયમાં પાંચ-દસ કરોડનું દાન નોંધાઈ જતું હોય, મંદિરની પ્રતિષ્ઠા કે ઉત્સવ-ઉજ્વણી હોય કે ગોત્ર પરિવારના કાર્યક્રમ માટે લાખો-કરોડોના ચડાવાઓ માત્ર ગણત્રીની મીનીટોમાં લેવાતા હોય ત્યાં હોસ્ટેલના પ્રોજેકટ માટે ફંડ એક્ત્ર કરવામાં તક્લીફ પડે ખરી ?

ભૂતકાળમાં આપણો સમાજ એટલો બધો આર્થિક મજબુત નહોતો પરંતુ સમાજ માટે કરી છુટવાની ભાવના મજબુત હતી. જે તે સમયના વડીલ આગેવાનો ઝોળી લઈને સમાજ્જનો પાસે રૂબરૂ જઈને ફાળો ભેગો કરવાની તાકાત હતી. સમાજ માટે હાથ લાંબો કરવામાં એમને શરમ નહોતી આવતી. તેમની ઉચ્ચ સમાજ ભાવના અને કર્તવ્ય નિષ્ઠા જ એમની તાકાત હતી. આજે નખત્રાણા, ભૂજ, વાંઢાય કે માંડવી ખાતેનાં સમાજ-સંકુલો કે છાત્રાલયો જેના માટે આપણા ભાષણોમાં ગૌરવ લઈએ છીએ તે આ વડીલોની મહેનત અને દૂરંદેશી નીતિને આભારી છે.

હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હાલમાં સમાજના ઉચ્ચ હોદ્દેદારો પાસે આ તાકાત કે તૈયારી દેખાતી નથી. આ તાકાત સમાજ વિકાસનાં કાર્યો કરવાથી આવે છે, માત્ર ભાષણો કરવાથી નહિ. વર્તમાન સમયમાં આપણા સમાજમાં જે વિકાસ કે પ્રવૃત્તિઓ દેખાય છે તે ઘટક સમાજો, સ્થાનિક યુવા મંડળો કે ઝોન સમાજ દ્વારા યોજાતાં સમૂહ લગ્નની પ્રવૃત્તિઓને આભારી છે. સમાજ્જનો માટે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરતી, YSK જેવી બહુમુલ્ય યોજના અને યુવા સંઘના રીજીયનો દ્વારા યોજાતા અવનવા કાર્યક્રમોના આયોજનોને કારણે સમાજ હંમેશાં ધબક્તો રહ્યો છે. આમાં કેન્દ્રિય સમાજની કોઈ ભૂમિકા નજરે ચડતી નથી.

આથી ૨૨-૨૩ વર્ષ પહેલાં કેન્દ્રિય સમાજના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા ભારતભરમાં પથરાયેલ નાની-મોટી સમાજોને એક્બીજા સાથે સાંકળવા માટે ઝોન પ્રથાની શરૂઆત કરવામાં આવી. તેના ફળસ્વરૂપે ફક્ત નખત્રાણા વિધાર્થી ભવન ખાતેના કાર્યાલયમાં સંકોચાઈ ગયેલા આપણા સમાજમાં નવચેતનનો સંચાર થયો. પરિણામે નાની મોટી સમાજો પોતે ગૌરવશાળી કેન્દ્રિય સમાજનું એક અંગ છે એવી લાગણી અનુભવવા લાગી. સમાજ સાચા અર્થમાં અખિલ ભારતીય સમાજ બની ગયો. એક એવાં સુગ્રથિત ત્રિ-સ્તરીય માળખાનું નિર્માણ થયું કે કેન્દ્રિય લેવલે લેવાયેલ નિર્ણયો ઝોનલ માળખાં દ્વારા ઘટક સમાજ સુધી બહુ જ સરળતાથી પહોંચતા થયા. બીજી તરફ ભારતની નાનામાં નાની કે છેવાડાની સમાજના પ્રશ્નો કે વિચારો છેક કેન્દ્રિય સમાજ સુધી પહોંચતા થયા. આખો સમાજ જાણે કે વાઈબ્રન્ટ મોડમાં આવતો ગયો. એટલું જ નહિ સામાન્ય જન પણ સમાજ વિકાસનો એક જાગૃત પ્રહરી બનતો ગયો.

છેલ્લાં થોડાંક વર્ષોથી આ ઝોન પ્રથાનો દૂરૂપયોગ થવા લાગ્યો છે, જે યોગ્ય નથી. જ્યારે જ્યારે ફંડ ભેગું કરવા માટે ઝોન માળખાનો ઉપયોગ થવા લાગ્યો છે. આપણા એક ઉમેદવારને વિધાનસભાની ચુંટણી લડવા ઉભા કરવામાં આવ્યા હોય કે ભૂજ ખાતેની જમીન સંપાદન માટે ફંડની જરૂર પડી ત્યારે કેન્દ્રિય સમાજ દ્વારા દરેક ઝોનને ફંડ એકત્ર કરવા ટાર્ગેટ આપી કેન્દ્રિય નેતાઓએ પોતાની જવાબદારી પુરી કરી દીધી. ઝોન સમાજોએ પોતાની ઘટક સમાજો ટાર્ગેટ ફાળવી દીધાં. બિચારી ઘટક સમાજોના હોદ્દેદારોએ પોતાના સમાજના સભ્યોને સમજાવી-દબાણ કરી ફંડ એકત્ર કરી ઝોન સમાજને અને ઝોન સમાજે કેન્દ્રિય સમાજને મોકલી આપ્યું અને વગર મહેનતે યશ મેળવી લીધો કેન્દ્રિય હોદ્દેદારોએ. આમ એક્બીજાને ખો દેવાની ગેમ હાલમાં ચાલી રહી છે. બીજી તરફ ઘટક સમાજ તરફથી મળેલ સુચનો કે રજૂઆતો ઝોન પ્રતિનિધિ દ્વારા કેન્દ્રિય સમાજની કારોબારીમાં રજૂ કરવા યોગ્ય તક પણ આપવામાં આવતી નથી. અડધા દિવસની જનરલ મીટીંગમાં તો ફક્ત એજન્ડા પ્રમાણેની ફોર્માલીટી જ શક્ય બને છે. સમાજની આર્થિક જરૂરિયાતોને હંમેશાં પુરી પાડનાર સામાન્ય સભ્યને કોઈ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તેની રજૂઆત કરવાનો કોઈ અધિકાર જ નથી ? શું ઝોન પ્રથા ફંડ ભેગું કરવા માટે જ ચલાવવામાં આવે છે ? રૂા. ૨૫૦/-ની દિવાળી બોણીના ઉઘરાણાં માટે ઘટક સમાજના હોદ્દેદારોને કેટલા પ્રયત્નો કરવા પડતા હોય છે તેની જાણ કેન્દ્રિય નેતાગીરીને છે ખરી ? ખરેખર તો કેન્દ્રિય નેતાગીરીએ આત્મ ચિંતન કરવાની જરૂર છે કે કચ્છની સ્થાનિક કે બહારની સમાજોને કે ગોત્ર-પરિવારોને મંદિર કે ભવન નિર્માણ કે પ્રાણ પ્રતિષ્ઠા કે ઉત્સવ ઉજવણી માટે ફંડ એકઠું કરવામાં કયારેય તકલીફ પડતી નથી કે ચડાવા લેવા પડાપડી થતી હોય છે તો પછી કેન્દ્રિય સમાજના આયોજનોમાં ફાળા લખાવવામાં સમાજ્જનો ખાસ ઉત્સાહ કેમ બતાવતા નથી એ બહુ જ વિચારણીય મુદ્દો છે અને તે માટે આત્મ ચિંતન કરવાનો સમય હવે આવી ગયો છે.

સમાજના સામાન્ય-મધ્યમ વર્ગ માટે અસહા પીંડાદાયક વ્યસન, સગપણ, છુટાછેડા, અંધશ્રદ્ધા જેવી સમસ્યાઓ તરફ આંખ આડા કાન કરી ફક્તને ફક્ત સાંપ્રદાયિક મુદ્દા ઉપર અટકી જ્વાને કારણે સમાજનો વિકાસ રૂંધાઈ ગયો છે. સાંપ્રદાયિક મુદ્દાના અતિરેકને કારણે પ્રારંભિક તબક્કે આ મિશનને ટેકો આપનારો એક મોટો વર્ગ સમાજની હાલની કાર્યપદ્ધતિથી અલિપ્ત/વિમુખ બનતો જાય છે. ભલે આ વર્ગ જાહેરમાં આવીને કે ખુલીને વિરોધ ન કરતો હોય પરંતુ તેમની નારાજગીને કારણે તેમનું ઈન્વોલ્વમેન્ટ કેન્દ્રિય સમાજ સાથે ઘટતું જાય છે એ એક હકીક્ત છે.

આપણે ગયા અધિવેશનમાં ઠરાવ કરીને જ્યારે સતપંથીઓ માટે દરવાજા બંધ કરી દીધા છે અને તેની મોટા પાયે જાહેરાત પણ કરી દીધી છે ત્યારે હવે ઠેરઠેર સનાતની સંમેલનોનાં મોટાપાયે આયોજન કરવાની વાત સામાન્ય લોકોને ગળે ઉતરતી નથી. ખરેખર તો આપણી ટોચની નેતાગીરીની શક્તિ અને ધ્યાન સમાજની પાયાની અને સામાન્ય જનને સ્પર્શતી સગપણ જેવી સમસ્યાઓના ઉકેલ તરફ જવું જોઈએ... જે દુર્ભાગ્યે થતું નથી.

હાલમાં નખત્રાણા ખાતેના કેન્દ્રિય વડામથક ખાતે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના ખાતમુહુર્ત પ્રસંગે કે સમાજની જનરલ મીટીંગમાં સમાજજનોની સાવ પાંખી હાજરી ઘણું બધું કહી જાય છે. એવું લાગે છે કે હાલમાં આપણો સમાજ જે વિચારસરણી સાથે ચાલી રહ્યો છે તેની સાથે સમાજના બહુમતી વર્ગની સહમતી નથી. એવું પણ લાગી રહ્યું છે કે કેન્દ્રિય નેતાગીરી સમાજના સામાન્ય-પાયાના વર્ગથી વિમુખ થતી જાય છે, એટલે સામાન્ય જનની લાગણીઓ તેમને સમજાતી નથી અથવા તો અમુક વર્ગના દબાણ હેઠળ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આપણી ત્રણેય કેન્દ્રીય સંસ્થાના રાષ્ટ્રીય કક્ષાના હેદ્દેદારોની સંખ્યા જ ૪૦૦+ થવા જાય છે, ઝોનલ હોદ્દેદારો અલગ. તેની સામે ફક્ત ૨૦૦-૨૫૦ની પાંખી હાજરીનું કારણ પણ શોધવાની જરૂર છે. ફક્ત મંચ ઉપર મોટા અવાજે ભાષણ કરવાથી તમે બહુ મોટા કે અસરકારક બની જતા નથી, હા. એટલું ખરૂં કે સામેથી કોઈ બોલતું નથી એટલે તમે જ સાચા છો એવો આત્મ સંતોષ લઈ શકો છો.

જે હોય તે પરંતુ સમાજના સામાન્યજનની આશાઓ-આકાંક્ષાઓ ધ્યાનમાં લઈ, સમાજ વિકાસના પથ પર હંમેશાં અગ્રેસર રહે એવી સૌ સમાજ્જનોની અપેક્ષા છે.

આપણી પારંપરિક સંસ્કૃતિ અને સભ્યતા ધીમે ધીમે વિસરાતી જઈ રહી છે