તંત્રીલેખ / આપણી પારંપરિક સંસ્કૃતિ અને સભ્યતા ધીમે ધીમે વિસરાતી જઈ રહી છે


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

વિશ્વ ફલક ઉપર નજર નાખતાં જણાય છે કે સમગ્ર વિશ્વ ઉપર વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લંબાતું જાય છે, એટલું જ વધુ આક્ર્મક અને ભયાનક બનતું જાય છે. બીજી બાજુ અમેરિકા અને ઈઝરાયેલ સામે ઈરાન અડીખમ રહી યુદ્ધ લડી રહ્યું છે. હોર્મુઝ સમુદ્ધ માર્ગના વિવાદને કારણે વૈશ્વિક વેપાર ઉપર ગંભીર આડ અસર પડી રહી છે. ફક્ત શાસકોના અહમ અને ઘમંડના કારણે આ યુદ્ધ ખેલાઈ રહ્યાં છે તે હકીકત છે.

યુદ્ધ તો માનવ સર્જિત આફત છે. પરંતુ છેલ્લાં થોડાંક વર્ષોથી સમગ્ર પૃથ્વી પર ક્યાંકને ક્યાંક કુદરતની આફતો સર્જાઈ રહી છે. કુદરતના મૂળ સ્વરૂપને, માનવજાત પોતાની સુખ સગવડ વધારવા માટે, અવનવી શોધખોળ અને ટેક્નોલોજી દ્વારા આડેધડ નિકંદન કરી રહી છે. તેના ફળસ્વરૂપે પૃથ્વીના વાતાવરણમાં આડઅસર થવાને કારણે ઋતુચક્ર ખોરવાઈ જવાથી ધરતીકંપો, ચક્રવાત, વાવાઝોડાં, અતિવર્ષા, દુષ્કાળ જેવી અવનવી આફતો વધુને વધુ વિકરાળ સ્વરૂપે આવતી રહે છે. પૃથ્વીના પટલ ઉપર વધતા જતા ઉદ્યોગો, કેમિકલ અને ઝેરી પદાર્થોના વધતા જતા ઉપયોગ, યુદ્ધમાં વપરાતા શસ્ત્ર-સરંજામ-ગોળા-બારુદને કારણે ઉભી થતી ગ્લોબલ વૉર્મિંગથી રેગીસ્તાનમાં પણ પુર આવવા લાગ્યાં છે. આ વર્ષે યુરોપના દેશોમાં પડેલી અસહ્ય ગરમી અને હાલમાં નેપાળમાં આવેલ વિનાશક પુર આની આડઅસરો છે.

ભારત દેશ પણ આનાથી અલિપ્ત રહી શકે તેમ નથી. આઝાદીનાં અમુક વર્ષો બાદ વર્લ્ડ ગ્લોબલાઈઝેશનની અસર અને આધુનિક ભારતના નિર્માણ માટે જે આયોજનો થવાં લાગ્યાં તેમાં ક્યાંકને ક્યાંક પ્રકૃતિનું પૂજન કરનારી આપણી પ્રાચીન સંસ્કૃતિ ધીમે ધીમે વિસરાવા લાગી. યુરોપની ભૌતિક સુખ-સગવડવાળી લાઈફ સ્ટાઈલથી આપણે એટલા બધા અંજાઈ ગયા કે આ જરૂરિયાતોને પહોંચી વળવા આપણે પણ કુદરતી સંશાધનોની બેરહમીપૂર્વક દૂરૂપયોગ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહિ આપણી ભૌતિક જરૂરિયાતો એટલી અમર્યાદ રીતે વધતી જાય છે કે તેનું ઉત્પાદન આપણા દેશમાં પર્યાપ્ત માત્રામાં ન કરી શક્તાં આપણે બહારના દેશો ઉપર આધારિત થઈ જવું પડયું છે. હાલના હોર્મુઝ ખાડી સંકટ સમયે પેટ્રોલિયમ પેદાશોની જે અછત ઉભી થઈ તેણે પુરવાર કરી દીધું કે આપણી આત્મ નિર્ભરતાની વાતો માત્ર પોકળ દાવાઓ છે.

પ્રકૃતિ પૂજન અને સંસ્કૃતિનો પૂજક ભારત દેશ ધીરે ધીરે પ્રકૃતિનો સંહારક બનતો જઈ રહ્યો છે. પ્રકૃતિ પૂજનના બદલે દંભી ધાર્મિકતા અને આડંબર ભારતીય સંસ્કૃતિમાં ઓતપ્રોત થઈ ગયાં છે. એક બાજુ ધાર્મિક ઉત્સવો, ધાર્મિક પૂજાઓ, ધાર્મિક મેળાઓ, નાના-મોટા યજ્ઞો જેવા ધાર્મિક મેળાવડાઓનો વ્યાપ પહેલાંના જમાના કરતાં હાલમાં ખૂબ વધારો થતો રહ્યો છે તો બીજુ બાજુ આપણા સ્વાર્થ માટે પ્રકૃતિનું શોષણ પણ દિવસેને દિવસે વધતું જાય છે. એક બાજુ આપણે નદીના સ્નાનને બહુ જ પવિત્ર માનીએ છીએ અને પવિત્ર નદીઓની નિયમિત આરતી-પૂજાઓ કરીએ છીએ અને બીજી બાજુ નદીઓમાં ગંદગી ફેલાવવામાં કે દૂષિત પાણી કે કચરાને ઠાલવવામાં જરા પણ ક્ષોભઅનુભવતા નથી. સંસ્કૃતિનાં પવિત્ર યાત્રાધામોને પર્યટન બનાવવાના ચક્કરમાં ત્યાંની ભૌગોલિક સ્થિતિમાં એટલો ખોટો સુધારો કરવામાં આવે છે કે તીર્થસ્થાનની મૂળ પવિત્રતા જ ખત્મ થઈ જાય છે. શું આ પવિત્ર સ્થાનો કે નદીઓ આપણે જ્યારે પૂજા-અર્ચન કરીએ એટલો સમય જ પૂજ્ય બની રહે છે ? બાદમાં આ જ સ્થળોને દૂષિત કરવામાં આપણે ક્યાંય પાછું વળીને જોતા પણ નથી. આપણાં શાસ્ત્રો અનુસર કર્મ અને ધર્મનું એક સાથે આચરણ થવું જોઈએ અને આપણા કર્મમાં હંમેશાં ધર્મ જોડાયેલો રહેવો જોઈએ એ જ આપણું મુખ્ય અધ્યાત્મ છે કે જે ભુલાઈ ગયું છે.

વધતી જતી ધાર્મિકતાની સાથે સાથે ગુન્હાખોરી અને પાપનું પ્રમાણ પણ આંચકાજનક રીતે વધી રહ્યું છે. સંસ્કૃતિ માટે શરમજનક કહેવાય એવાં દૂષણોને કારણે સામાન્ય માણસને શાંતિથી જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. વધતા જતા ભ્રષ્ટાચારને કારણે સરકાર કે સરકારી કાયદા કે તેનું ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. ક્યાંક તો ધાર્મિકતાના આંચળા હેઠળ ગુન્હાખોરી વધારે મજબુત બની જાય છે. તે બહુ જ વિચારવા જેવી બાબત છે. ભવિષ્ય અંગે અત્યારે કહી શકાય નહિ પરંતુ હાલમાં ધાર્મિકતા સુરાજ્ય સ્થાપવામાં નિષ્ફળ ગઈ છે તે હકીકત છે.

આપણો સમાજ પણ આમાં બાકાત નથી. આપણા સમાજમાં પણ આપણી સનાતની સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક કાર્યક્રમોનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જાય છે. કચ્છનાં ગામોમાં મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, દર વર્ષે યોજાતા પાટોત્સવ, રજત જયંતિ, સુવર્ણ જયંતિ મહોત્સવ ઉપરાંત કથાઓ અને નાના મોટા યજ્ઞ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સતત રીતે ચાલતા જ હોય છે. આપણી આવકનો સારો એવો હિસ્સો આવા ધાર્મિક કાર્યક્રમોમાં વપરાતો હોય છે. બહુ જ સારી વાત છે. લક્ષ્મી સદ્માર્ગે, સત્કાર્યોમાં વપરાય તે તો આવકારદાયક છે પરંતુ તેની ગુણાત્મક અસર સમાજ ઉપર થતી નથી તે પણ વિચારવા જેવું છે. સમાજમાં પ્રસરેલાં દૂષણો ઘટવાને બદલ દિવસેને દિવસે વધતાં જાય છે. જેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યો કરતાં વધુ દારૂ પિવાય છે. એ વાત સ્વીકારવી પડે છે. તે જ રીતે આપણી સમાજમાં હવે દારૂના વ્યસનને હવે વ્યસન કહેવાનું બંધ કરી દેવું પડે તેમ છે. હવે તો દારૂ નહિ પીનારો વર્ગ જ લઘુમતીમાં આવી ગયો છે તે હકીકત છે. આપણી જ્ઞાતિની કોઈ સમાજ આમાં બાકાત નથી. વધુ પડતા વ્યસનને કારણે યુવાનોમાં લીવર ખરાબ થઈ જવાના કિસ્સા હવે વધી રહ્યા છે, જે બહુ જ ગંભીર બાબત છે. વ્યસનને કારણે બિઝનેશ-ધંધામાં ધ્યાન ઘટતાં ઘણાં પરિવારોની આર્થિક સ્થિતિ દયાજનક બની જાય છે. ધંધાકીય ખોટને કારણે ઘર-મિલ્કત વેચી નાખવી પડે તેવી સ્થિતિ નિર્માણ થવાથી પરિવાર અને ખાસ કરીને મહિલાઓ અને બાળકો ઉપર તેની શું અસર પડશે તે વિચાર જ હચમચાવી દે છે.

ભલે સિઝન પુરતો મર્યાદિત હોય પરંતુ જુગાર રમવાનો શોખ પણ દર વર્ષે વધતો જાય છે. કયાંક સમાજની મહિલાઓ પણ આ શોખના રવાડે ચડવાના સમાચાર ચોંકાવી દે તેવા છે. આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્માના જન્મના પર્વની ઉજવણી આવા દૂષણ સાથે કરવાની ? આનંદને વ્યક્ત કરવા અન્ય પ્રવૃત્તિ છે જ નહિ?

એક સમય એવો હતો કે આપણા સમાજ સાથે વેપાર-ધંધાથી જોડાયેલ અન્ય સમાજના વેપારીઓ કચ્છી પટેલને આપેલા રૂપિયાને બેંકમાં મુકેલી ડિપોઝીટ જેટલા સલામત સમજતા. કચ્છી પટેલના દિકરાને લાખો રૂપિયાનો માલ ઉધાર આપતાં ખચકાતા નહિ. પરંતુ કમનસીબે હવે એવું રહ્યું નથી. આપણી સમાજના અમુક યુવાન ઉદ્યોગપતિઓનાં વર્તનને કારણે આપણી આ શાખ ખરડાઈ ગઈ છે. જે ભવિષ્ય માટે બહુ જ નુકસાનકારક છે, ચિંતાજનક પણ.

ક્યાંક એવું બની રહ્યું છે કે પોતાના સામાજિક હોદ્દાને કારણે ઉભી થયેલ ઈમેજનો દૂરૂપયોગ કરી સમાજના અન્ય સભ્યોને ઈમ્પ્રેસ કરી તેમને જોડીને ગૃપ બનાવીને મિલ્કતો કે બિઝનેશમાં સામુહિક રોકાણ કરાવ્યા બાદ આગળ જતાં જોડાનાર સભ્યોને હિસાબો ન આપવા, થયેલ નફામાં યોગ્ય હિસ્સો ન આપવો કે ક્યાંક તો તેમને રોકેલ મુડીને પરત આપવામાં ઠાગાકૈયાં કરવાના કે આખી મુડી ઓળવી જવાની ઘટનાઓ પણ બનવા માંડી છે. તમામ કારોબાર અને માહિતી મુખ્ય વ્યક્તિ પાસે હોવાથી જોડાયેલ સભ્યને લાચારીવશ જતું કરવું પડતું હોય છે. કમનસીબી તો એ છે કે આવા બેશરમ સામાજિક આગેવાનો સામે કોઈ પગલાં પણ લેવાતાં નથી અને સમાજમાં ઉચ્ચ હોદ્દેદાર પણ બની જાય છે.

વધતા જતા દંભ અને આડંબરને કારણે ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યક્રમો એવા યંત્રવત અને જડ પ્રક્રિયા બની ગયા છે કે તેની અસર માનવજીવન ઉપર સાવ નહિવત અથવા તો સ્મશાન-વૈરાગ્ય જેટલી જ થતી જાય છે. આ વિધિ-વિધાન મનુષ્યના આંતરમન કે હૃદય સુધી પહોંચી જ શક્તાં નથી ફક્ત એક કાર્યક્રમ બની અટકી જાય છે. આપણી સામાજિક સંસ્થાઓ પણ આવા ધામિક કે આધ્યાત્મિક કાર્યક્રમોને એક રૂટિન પ્રક્રિયાના ભાગ સ્વરૂપે કે પોતાના કાર્યકાળમાં નિભાવવી પડતી ફરજના ભાગરૂપે જ ઉજવે છે એટલે તેની સકારાત્મક અસર સમાજ ઉપર થતી નથી.

છેલ્લે... એક તત્વ ચિંતકે લખેલ એક સુંદર વાક્ય...

"માણસ ધર્મ માટે વાદ-વિવાદ કરે છે, ઝઘડા કરે છે, યુદ્ધો લડે છે... પરંતુ... ધર્મ કહે છે તેમ જીવતો નથી.”

વ્હાલાં, વાચક ભાઈ-બહેનો,

અમે તો અખબારી ધર્મ અનુસાર માત્ર વેદના વ્યક્ત કરી શકીએ છીએ. આમાં વિચારવું આપણે સૌએ છે.

આપણી પારંપરિક સંસ્કૃતિ અને સભ્યતા ધીમે ધીમે વિસરાતી જઈ રહી છે