વ્હાલાં વાચક ભાઈ-બહેનો,
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી દીધી છે. આપણા માદરે વતન કચ્છમાં પણ સારો વરસાદ થવાના સમાચારે આપણા મન/હૃદયને ભર્યું ભર્યું બનાવી દીધું છે. હવે... ચાલુ થઈ જશે વતન તરફની વાટ પકડવાની દોડ. ગામે-ગામ નાની મોટી મીટીંગો, ધામિક કે પારીવારિક અને સામાજિક ઉજવણીઓ અને પરંપરા મુજબના સાતમ-આઠમના તહેવારોની ઉજવણીમાં દૂરસુદુરથી ભાગ લેવા ટ્રેનો કે ફલાઈટો દ્વારા અને ગુજરાત કે નજીકનાં રાજ્યોમાંથી મોટર કાર દ્વારા સૌ વતનની વાટ પકડી લેશે. જેનો જન્મ જ કચ્છમાં થયો હશે એવા કચ્છી માડુને વતનની ભૂમિ પર પગ મુક્વામાં જે રોમાંચ થતો હશે તેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. છેલ્લાં થોડાંક વર્ષથી યુવાન પેઢી પણ કચ્છમાં જવા માટે થનગનતી દેખાય છે. ગામે-ગામ મંદિરના રજત જયંતિ કે સુવર્ણ જયંતિના ઉત્સવની ઉજવણી કે થઈ રહેલાં પરિવાર મિલનોને કારણે આ યુવા પેઢીનું કચ્છ તરફનું આકર્ષણ દિવસે ને દિવસે વધતું જાય છે, એ આપણા સમાજના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. બીજી બાજુ ધરતીકંપ બાદ સરકાર દ્વારા કચ્છમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલેપન્ટ કરવામાં આવ્યું અને કચ્છના પ્રાચીન-ઐતિહાસિક વારસો ધરાવતાં સ્થળોને વિકસાવી કચ્છને ટુરિઝમનું ક્ષેત્રે વૈશ્વિક ઓળખ આપવાના સકારાત્મક પ્રયત્નોને કારણે આજે કચ્છ ટુરિઝમ હબ બની ગયું છે એટલે આજની યુવા પેઢી કચ્છ તરફ વધુ આકર્ષાઈ છે તે પણ હકીક્ત છે.
થોડાંક વર્ષોથી કચ્છમાં વરસાદ પણ પ્રમાણમાં વધુ સારો અને નિયમિત પડવા લાગ્યો છે. તેથી કચ્છની ખેતી વધારે સમૃધ્ધ બનવા લાગી છે. સારા વરસાદને કારણે પાણીનાં સ્તર પણ ઉંચા આવ્યાં છે એટલે ખેડુતો દ્વારા કરવામાં આવતા બોર સફળ થવા લાગ્યા છે. સરકાર દ્વારા ડુંગરની તળેટીમાં બોર બનાવવા માટે જરૂરી જમીનો લીઝ ઉપર આપવામાં આવે છે, જ્યાં કરવામાં આવતા બોરમાં સારું અને વિપુલ પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. ઉપરાંત પદ્મ શ્રી સવજીભાઈ ધોળકીયા (સુરત) અને કચ્છ જલધારા ટ્રસ્ટના અમુલ્ય સહયોગથી ગામેગામ ડેમ અને તળાવોને ઉંડા અને મોટાં બનાવવામાં આવી રહ્યાં છે. જેનાથી જળ સંગ્રહ શક્તિમાં વધારો થતાં ખેડુતોને સિંચાઈનો વધુ લાભ મળી રહ્યો છે એટલે નબળી થતી જતી ખેતીને પુન:જીવન મળ્યું છે. ખેડુતો ખેતીમાં આધુનિક્તા લાવવા માટે વધુ જાગૃત બનતા જાય છે એટલે સખત મહેનત સાથે આધુનિકતા ઉમેરાતાં, ખેતી વધારે ઉપજાઉ બનતાં નફાકારક બનતી જાય છે. ખેડુતો પરંપરાગત ખેતીની સાથે સાથે બાગાયતી ખેતી તરફ વળવા લાગ્યા છે તેમાં ઘણા વિસ્તારમાં ખેડુતોને સારી સફળતા મળી છે. કચ્છની કેસર કેરી, ઈઝરાયેલી ખારેક જેવાં ખેત ઉત્પાદનોએ સ્વાદ અને ગુણવત્તા શોખીન માટે હૃદયમાં માનભેર સ્થાન મેળવ્યું છે.
કચ્છમાં ખેતી કરતાં પરિવારો માટે તો સારા દિવસો આવ્યા જ છે તેની સાથે સાથે ઘણાં પરિવારો કચ્છમાં આવી નવેસરથી ખેતી કરવા લાગ્યાં છે. ભારતભરમાં ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલ વિશાળ પરિવાર પૈકી એકાદ નાનું કુટુંબ કચ્છ ખાતે જરૂરિયાત મુજબ રોકાઈને ખેતી કરે તો પરિવારની જમીન અને અન્ય મિલ્કતોની પણ સાર-સંભાળ રાખી શકાય. ગુજરાત કે અન્ય રાજ્યોમાં વિકસાવેલ વેપાર-ધંધા ચાલુ રાખીને પણ પરિવારના અમુક સભ્યો દ્વારા ખેતી થઈ શકે છે. જરૂર પડે ત્યાં ભળતી ભાયાત કે સગાં-સંબંધી કે અન્ય સમાન વિચારસરણી ધરાવતી વ્યક્તિ સાથે ગૃપ બનાવીને જ્વાબદારીઓની યોગ્ય વહેંચણી કરી જેમ વેપાર-ધંધા કરીએ છીએ તેવા ધંધાકીય અભિગમ સાથે ગૃપ બનાવીને ભાગીદારી કરી સમૂહ ખેતી પણ કરી શકાય છે.
જે પરિવારોને ખેતીમાં રસ ન હોય તેમના માટે પણ વિકસતા જતા કચ્છમાં આર્થિક ઉપાર્જનની અનેકવિધ પ્રવૃત્તિઓની વિપુલ સંભાવનાઓ છે. કચ્છની ખેત પેદાશો એમાં ખાસ કરીને બાગાયતી પેદાશોને માર્કેટીંગની ચેઈન બનાવીને અન્ય પ્રદેશો કે રાજ્યો કે વિદેશમાં પણ વેપાર કરી શકાય છે. આપને ખ્યાલ હશે જ કે કચ્છની કેરી, દાડમ કે ખારેક દરરોજ મુંદ્રાથી દુબઈ માર્કેટમાં જાય છે. કચ્છમાં મગફળીના પાકનું સારા પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી ઓઈલ મીલના નાના-મોટા પ્લાન્ટનું પણ વિચારી શકાય છે. સૌરાષ્ટ્રના કોઈ તેલ મિલરના સહયોગથી આ લાઈનમાં આગળ વધી શકાય છે. કચ્છની જમીન મગફળીના પાકને માફક આવે છે. તેના ગુણધર્મો જોતાં આ જમીન બટાકાના પાક ને પણ માફક આવી શકે છે. એટલે આ ક્ષેત્રમાં સાબરકાંઠામાં બટાકાની ખેતી કરતા મોટા ખેડુતોનું માર્ગદર્શન અને સહકાર મળી શકે છે. જો કચ્છમાં બટાકાનું ઉત્પાદન માફક આવે તો કોલ્ડ સ્ટોરેજનો બિઝનેસ પણ થઈ શકે છે. જો કચ્છમાં કોલ્ડ સ્ટોરેજ બનવા લાગે તો કચ્છનાં બાગાયતી ઉત્પાદનોને લાંબો સમય સંગ્રહી રાખવામાં પણ ઉપયોગી થઈ શકે છે.
જેમ જેમ ખેતીનો વ્યાપ અને વિવિધતા વધતી જાય તેમ તેમ ખેતીને મદદરૂપ યંત્ર સામગ્રી ઉત્પાદનને વેગ મળતો જાય અને એમાંય આધુનિક ટેક્નોલોજી સાથેની યંત્ર સામગ્રીના ઉત્પાદનનો ઉદ્યોગ વિકસાવી શકાય તેમ છે.
કચ્છમાં વધતી જતી ટુરિઝમ પ્રવૃત્તિની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી હોટલો, ગેસ્ટ હાઉસો, ફુડ પોઈન્ટ, ફન પોઈન્ટ, રીસોર્ટ નિર્માણ ક્ષેત્રે વિશાળ તકો ઉપલબ્ધ બની શકે છે. ટુરિઝમ પ્રવૃત્તિ માટે ટ્રાન્સપોર્ટની જરૂરી સવલતો વ્યવસાયિક ધોરણે પુરી પાડવાનો એક મોટો બિઝનેસ વિકસવાની પુરી તક રહેલ છે.
અમુક ગૃપને ખનીજ ક્ષેત્રમાં રસ હોય તો કચ્છના પેટાળમાં રહેલ વિવિધ કિમંતી ખનીજોની ખાણ માટે લીઝ લઈ માઈનીંગ ક્ષેત્રે પણ આગળ વધી શકાય છે. વિકાસને કારણે વધતી જતી વસ્તી અને ટુરિઝમને કારણે ડેવલપ કરવાં પડતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં પણ વિશાળ શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છમાં પશુપાલનનું પ્રમાણ વધુ હોવાથી કેટલ ફુડ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે પણ આયોજનપૂર્વક પ્રવેશી શકાય છે.
ભૂતકાળમાં કચ્છની પરિસ્થિતિને કારણે આપણું વતન મજબુરી વશ છોડીને બહાર ધંધાર્થે જવું પડયું હતું તે પરિસ્થિતિમાં જડમૂળથી બદલાવ આવી ગયો છે, જે અભાવ અને અછત એ આપણને વતન છોડવા લાચાર કર્યા હતા તેમાં નોંધપાત્ર સુધારો હમણાં દેખાઈ રહ્યો છે. આધુનિક સમયમાં કચ્છમાં ખેતી કરતા ખેડુત પરિવારની સ્ત્રીઓને ખેતરે જવાની કે ચારાની ભારી માથે ઉપાડવાની કે ઢોરાં પાળવાની કે માથે હેલ લઈ ગાઉ છેટે કૂવામાંથી પાણી સીંચી ઘરે લાવવાનો જમાનો હવે વિદાય લઈ ગયો છે. કચ્છમાં રહેતાં પરિવારો પણ તમામ આધુનિક સુવિધાઓ સાથેનાં સુસજ્જ મકાનમાં સુખ-ચેનથી રહે છે. કચ્છમાં હવે બધું જ ઉપલબ્ધ છે, જે બહાર શહેરોમાં ઉપલબ્ધ છે. કદાચ રૂપિયા ખર્ચીને પણ કચ્છનું પ્રદૂષણ રહિત વાતાવરણ આપણે કયાંય ઉભું કરી શકવાના નથી. હવે કચ્છને જુદા દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. આપણું વતન તો છે જ પરંતુ સાથોસાથ બિઝનેસ માટે વિપુલ તકો ધરાવતું અને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પગલાં માંડતું કચ્છ છે એટલે આ વિઝનને આત્મસાત કરી એકદમ ધંધાકીય અભિગમ-પ્રોફેશનલ એપ્રોચથી આગળ વધવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કે અન્ય રાજ્યોમાં ઘણા પરિવારો ઉદ્યોગ-ધંધા ક્ષેત્રે અલગ-અલગ કારણોસર આર્થિક સંકટમાં આવી જવાના સમાચાર મળતા રહ્યા છે. આવાં પરિવારો વતનમાં પરત આવી પોતીકી ખેતી કે ઓછી મૂડી રોકાણ વાળા કોઈ નાના બિઝનેશ દ્વારા જીવનની બીજી ઈનીંગની શરૂઆત કરી શકે છે. માતૃભૂમિના ખોળામાં આવાં પરિવારોને હૂંફ અને આશીર્વાદ ચોક્કસ મળશે એવો વિશ્વાસ અને શ્રધ્ધા છે.
છેલ્લે....
કેન્દ્રિય યુવા સંઘના એક રીજીયન દ્વારા આયોજિત એક કાર્યક્રમનો વીડીયો વાયરલ થવાથી થોડોક ઉહાપોહ થયો છે. સમાજના અમુક શુભ ચિંતકો દ્વારા તેની સામે તીખી પ્રતિક્રિયા આપીને ચિંતા વ્યક્ત કરાઈ છે કે આવા કાર્યક્રમોના આયોજનથી આપણી સંસ્કૃતિનું પતન થઈ જશે...!!
આ અંગે અમારે આદર સાથે જણાવવું છે કે આપણી સંસ્કૃતિના પાયા એટલા નબળા નથી કે આવા એકાદ કાર્યક્રમના આયોજન કે વીડીયોના કારણે તે હચમચી જાય. હા... યુવા મિત્રોએ પણ દરેક કાર્યક્રમોનું આયોજન આપણી સંસ્કૃતિ અને સંસ્કારોની ગરિમા જળવાઈ રહે તે દૃષ્ટિએ જ કરવું અત્યંત આવશ્યક છે એ વાત એટલી જ મહત્વની પણ છે.
પણ ખરેખર તો આપણી સૌની ચિંતા એ હકીકત પ્રત્યે હોવી જોઈએ કે આપણી ઉચ્ચ સંસ્થાઓમાં હોદ્દા મેળવવા અને પછી તે હોદ્દા ઉપર ટકી રહેવા માટે જે પ્રકારે રાજકીય કાવાદાવા વાળી પ્રવૃત્તિઓ થતી રહે છે તે આપણી સામાજિક ગરિમા અને અસ્મિતા માટે જરાય શોભાસ્પદ નથી. આથી આ અંગે ચિંતન અને મંથન કરવાની જરૂર અમને તો લાગે છે. એવું જ આપણી ત્રણેય ઉચ્ચ સંસ્થાઓ વચ્ચે સુમેળ અને ઐક્ય હોવા અંગેનો મુદ્દો પણ ચિંતા કરાવે છે... આ અંગે ક્યારેક ફરીથી વિગતે ચર્ચા કરીશું.
અસ્તુ.