અન્ય સમાચાર / શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘની કારોબારી અને સામાન્ય સભાનો અહેવાલ


(૧) કેન્દ્રિય મહિલા સંઘની કારોબારી સભા :

મહિલા સંઘનાં પ્રમુખ શ્રીમતી રમિલાબેન રવાણીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મહિલા સંઘની કારોબારી સભા યોજાઈ હતી. સભાના પ્રારંભે મહામંત્રી શ્રીમતી કમળાબેન શંકરભાઈ હળપાણી દ્વારા સૌનું સ્વાગત અને ગત કારોબારી સભાની મીનીટસનું વાંચન મંત્રી શ્રીમતી હેમિકાબેન પોકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ખજાનચી શ્રીમતી ઉર્મિલાબેન ખેતાણી દ્વારા આવક-જાવકના હિસાબોની રજૂઆત અને આવેલ પત્રોનું વાંચન મંત્રી શ્રીમતી કવિતાબેન ધાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખશ્રી દ્વારા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી અને સર્વસંમતિથી નીચેના મુદ્દાઓ મંજુર કરવામાં આવ્યા.

(૧) આપણે સૌએ નિયમિતપણે જય લક્ષ્મીનારાયણ બોલવું અને બાળકોને પણ આ સંસ્કાર આપવા.

(૨) કેન્દ્રિય મહિલા સંઘની જેમ ઝોન કક્ષાએ યોજાતી કોઈપણ સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો કેન્દ્રિય મહિલા સંઘની આજીવન સભ્ય હોવી જોઈએ, દિકરીઓ કેદિકરાઓ ભાગ લેત્યારે તેમની માતા મહિલા સંઘના સભ્યહોવી આવશ્યક રહેશે.

(૩) કેન્દ્રિય મહિલા સંઘનું આજીવન સભ્યપદ સનાતની બહેનોને જ આપવામાં આવે.

(૪) દિકરીઓ મહિલા મંડળના કાર્યક્રમોમાં વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપે તે માટે સ્થાનિક મહિલા મંડળોએ વિશેષ પ્રયત્નો કરવા.

(૫) કેન્દ્રિય મહિલા સંઘના હોદ્દેદારોને સ્થાનિક સમાજ, ઝોનની બેઠક તથા મહિલા મંડળની બેઠકોમાં યોગ્ય સ્થાન આપવામાં આવે અને કારોબારી સભ્યોનું યથોચિત અભિવાદન કરવામાં આવે છે.

ત્યારબાદ ખુલ્લા મંચમાં બહેનોએ ખૂબ જ સુંદર અને ઉપયોગી વિચારોની આપ-લે કરી હતી. ઉપસ્થિત બહેનો દ્વારા પુછાયેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો મંચ પરથી આપવામાં આવ્યા.

બપોર પછીના સત્રમાં મહિલા સંઘનાં ૨૫ ઝોનના અહેવાલો ઝોન પ્રમુખો અને મંત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ ઓપન મંચમાં વિવિધ સામાજિક અને સંગઠનાત્મક વિષયો પર હકારાત્મક અને હેલ્ધી ચર્ચા થઈ હતી.

(૨) કેન્દ્રિય મહિલા સંઘની વાર્ષિક - સામાન્ય સભા :

કેન્દ્રિય મહિલા સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૭-૮-૨૦૨૬ ના રોજ મહિલા સંઘનાં પ્રમુખ શ્રીમતી રમિલાબેન ખેતસીભાઈ રવાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

સભાના પ્રારંભે મહામંત્રી શ્રીમતી કમળાબેન શંકરભાઈ હળપાણી દ્વારા ઉપસ્થિત મહેમાનો અને બહેનોનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.

શ્રી સમાજના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીને અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેવા જવાનું હોવાથી તેમના આશીર્વચનો સૌપ્રથમ લેવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્રિય સમાજના મહામંત્રી શ્રી અશોકભાઈ ભાવાણીએ નારીશક્તિને બીરદાવતાં જણાવ્યું કે સંગઠન આપણને વારસામાં મળ્યું છે અને સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના આપણામાં હોવી જોઈએ. સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તેનું સતત ચિંતન કરવું જરૂરી છે. મહિલાઓને મળેલા અધિકારોની સાથે તેમની જવાબદારીઓ પણ આવે છે. કુટુંબ અને ઘરની જવાબદારીની સાથે હવે સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારી પણ મહિલાઓએ નિભાવવાની છે.

કેન્દ્રિય સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભાવાણીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે ખાનદાની અને ખુમારી જોવી હોય તો પાટીદાર સમાજમાં જોવા મળે. તેમણે સમજાવ્યું કે આદર્શ સમાજનું નિર્માણ કરવું હોય તો આપણી પરંપરા, સંસ્કાર અને ખાનદાનીની જાળવવી જરૂરી છે.

એજન્ડા મુજબ ગત સામાન્ય સભાની મીનીટસ બુકનું વાંચન મંત્રી શ્રીમતી રંજનબેન ભાવાણી દ્વારા કરવામાં આવ્યું. ખજાનચી શ્રીમતી ઉર્મિલાબેન ખેતાણી દ્વારા નાણાંકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રિય યુવાસંઘના મહામંત્રી શ્રી મહેશભાઈએ યુવાસંઘ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું કે આ યોજનાઓના લાભ અને સંદેશ ઘર સુધી પહોંચાડવામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

કેન્દ્રિય યુવાસંઘના પ્રમુખ શ્રી જગદીશભાઈ લીંબાણીએ સમાજનું ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર માતૃશક્તિને નતમસ્તક વંદન કર્યું. બાળકને સંસ્કારી બનાવવાની અદ્ભુત કળા માતાઓમાં રહેલી છે તેમ જણાવી તેમણે મહિલા સંઘના કાર્યને અભિનંદન પાઠવ્યા.

કેન્દ્રસ્થાન લક્ષ્મીનારાયણ સંસ્થાન તરફથી માત્ર બે વર્ષના સમયગાળામાં મહિલા સંઘ દ્વારા ૩૨૫થી વધુ સત્સંગ મંડળો શરૂ કરવા બદલ અભિનંદન પત્ર પ્રાપ્ત થયું હતું. આ અભિનંદન પત્રનું વાંચન મંત્રી શ્રીમતી કવિતાબેન ધાનાણી દ્વારા કરવામાં આવ્યું. બાળ સંસ્કાર કેન્દ્રની સંચાલિકા બહેનોનું શાબ્દિક સ્વાગત કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું.

ઉપપ્રમુખ શ્રીમતી અનુરાધાબેન સેંઘાણીએ અંધશ્રદ્ધા અંગે માર્ગદર્શન આપતાં કુળદેવી, ઈષ્ટદેવ અને સુરધન દેવ પ્રત્યેની શ્રદ્ધા તથા સનાતન સંસ્કારોને જાળવવાનો સંદેશ આપ્યો હતો.

ઓપન મંચમાં સર્વ શ્રીમતી નીરૂબેન માવાણી (નાશિક), હર્ષાબેન પોકાર, રેખાબેન પાંચાણી, મણીબેન ભાવાણી, જ્યોતિબેન સેંઘાણી, પ્રિયાબેન રામાણી, પ્રભાબેન પોકાર, પ્રેમિલાબેન ધનાણી, કાંતાબેન સાંખલા, વિજયાબેન લીંબાણી અને વર્ષાબેન ભીમાણીએ પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યા હતાં.

માજી પ્રમુખ શ્રીમતી જશોદાબેન નાકરાણીએ જણાવ્યું કે સગપણની સમસ્યા આપણા સમાજ સામેનો મહત્વનો પ્રશ્ન છે. પરસ્પર સમજણ અને થોડું જતું કરવાની ભાવનાથી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

પ્રમુખ શ્રીમતી રમિલાબેન રવાણીએ કારોબારી સભામાં સર્વસંમતિથી મંજુર કરાયેલા મુદ્દાઓનું વાંચન કર્યું અને વિવિધ ઝોનમાં થઈ રહેલી સુંદર કામગીરીને બીરદાવી હતી. તેમણે દિકરીઓને ભણાવવાની સાથે તેમના ભવિષ્ય અંગે સમયસર યોગ્ય નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મુકયો તેમજ પરિવાર, વડીલો અને બાળકો પ્રત્યેની જવાબદારીઓને પ્રથમ સ્થાન આપવાની અપીલ કરી, ધાર્મિક ક્ષેત્રે પણ સંકુચિત વાડા ન ઉભા કરતાં સૌને જોડતી સનાતન ભાવના જાળવવાનો સંદેશ આપ્યો.

આભારવિધિ મંત્રી શ્રીમતી હેમિકાબેન પોકાર દ્વારા કરવામાં આવી હતી.

હોદ્દેદારોની બેઠક, કારોબારી સભા તથા વાર્ષિક સામાન્ય સભા આ ત્રણેય કાર્યક્રમોનું સુંદર, સુવ્યવસ્થિત અને સફળ સંચાલન કેન્દ્રિય મહિલા સંઘનાં મહામંત્રી શ્રીમતી કમળાબેન શંકરભાઈ હળપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.