અન્ય સમાચાર / સંનિષ્ઠ-ધાર્મિક અને સામાજિક અગ્રણી શ્રી રવિલાલ કેસરા રામજીયાણીની વસમી વિદાય


તા. ૧૨-૯-૨૦૨૬ શનિવારના ૮૧ વર્ષનું દીર્ઘ, સાર્થક જીવન જીવી શ્રી રવિલાલભાઈએ આ નશ્વર દુનિયા પરથી વિદાય લીધી. પરંતુ એમણે કરેલા કાર્યો અને સેવાને સમાજ અને અનેકવિધ સંસ્થાઓ કદી વિસ્મૃત નહિ કરી શકે... આ ખોટ પુરાશે નહિ. તેમના અવસાનથી પરિવાર, સ્નેહીજનો, સગાં-સંબંધીઓ, સમસ્ત સમાજ, રામજીયાણી પરિવારએ મોભપ્રેમાળ, સરળ સેવાભાવી, દાનવીર, કર્તવ્યપરાયણ, વ્યવહાર કુશળ, માર્ગદર્શક, સહાયક સંનિષ્ઠ છત્ર ગુમાવ્યું છે. આ પ્રતીતિ મીડીયા માધ્યમોના શોક સંદેશાઓમાં પણ પ્રસારિત થઈ રહી છે.

શ્રી રવિલાલભાઈએ પ્રાથમિક શિક્ષણ દેશલપર (વાંઢાય)માં પ્રાપ્ત કર્યું. સંઘર્ષમય પરિસ્થિતિ, બચરબાળ પરિવારમાં મોભી દિકરો, તેથી બાળપણમાં જ પિતાશ્રી કેસરાબાપા સાથે મુંબઈ જૂના માણેકલાલ એસ્ટેટની ચાલીમાં રહી કડિયા કામ કર્યું. સતત સંઘર્ષ, પરિશ્રમ, નિષ્ઠા, સંસ્કારો અને માત-પિતા તેમજ ગુરૂ શ્રી ઓધવરામ બાપાના આશીર્વાદ સાથે જીવન જીવ્યા અને અનેક લોકોના સહાયક બન્યા. દેશવાસીઓ માટે મુંબઈમાં રોટલો અને ઓટલો સાથે હૂંક અને સહારો તેમજ આધાર સ્તંભ બન્યા. પિતાજીના વારસાનું વહન કરવાની સાથે સાથે ત્રણ નાના ભાઈઓનું જતન, પોષણ, શિક્ષણ સાથે જીવન વિકાસમાં ખૂબ પરિશ્રમમય મહત્વની કડીરૂપ રહ્યા. ભાઈઓ વચ્ચે પરસ્પર પ્રેમ, સહયોગ અને પરિવારના બાળકોના વ્હાલસોયા વડીલની ભૂમિકા ભજવી પ્રેમ આદર્શની અમૂલ્ય ધરોહર બની રહ્યા. સંત શ્રી ઓધવરામ મહારાજ અને પ.પૂ. ગુરૂદેવ વાલરામ મહારાજ, ૫.પૂ. કરસનદાસજી મહારાજ, સેવારામજી મહારાજ પ્રત્યે અત્યંત અખુટ શ્રદ્ધા હતી. પ.પૂ. હરિદાસજી મહારાજ સાથે અંતરનો રાજીપો. હતો. આમ તેઓ હરિદ્વાર કચ્છી લાલ રામેશ્વર આશ્રમ, વાંઢાયમાં ઉમિયા માતાજી સંસ્થાન, ઈશ્વર આશ્રમ, સાધના કુટીર, સમાધિ સ્થળ, શ્રી રામ મંદિર, સંસ્કારધામ વિગેરેમાં અનેકવિધ સેવા, દાન તથા પદ પર રહી સાચા અર્થમાં માર્ગદર્શક, સહાયક અને સેવક રહ્યા. દેશલપર ગામ, મુંબઈ કચ્છી ટ્રસ્ટ ફંડ, મુંબઈ દેશલપર સમાજ, કેન્દ્રિય સમાજ, રામજીયાણી પરિવાર વિગેરે અનેકવિધ સંસ્થાઓમાં તેમની સેવાની નોંધ લેવાઈ છે અને તેના પદાધિકારી તરીકે પણ સેવાઓની નોંધ લેવાય છે. ધાર્મિક સંસ્થાઓમાં દાનવીર ભામાશા રૂપે માર્બલ ગ્રેનાઈટની તકતી પર નામ કોતરાયેલ છે. તેનાથી વધારે ગુપ્ત દાનથી લોકોના હૃદયમાં આ વ્યક્તિ કોતરાઈ ગયો છે. ઓછું શિક્ષણ પણ ભારે કોઠાસૂઝ, વ્યવહારિક સુઝબુઝ, વ્યવહાર કુશળતા, નિર્ણય અને નિપૂર્ણતા, નીડર, નિસ્વાર્થ, નિરાભિમાની, સસ્મિત વંદન અને કયારેય પણ અહંકાર, હુંપદ નહિ એવી એમની વ્યક્તિગત તસ્વીર હતી. આ ગુણ જ એમના જીવનની મહાનતા અને સિદ્ધિ હતી.

રામજીયાણી પરિવારમાં બે વખત અને બબ્બે ટર્મના પ્રમુખ સ્થાને રહી પરિવારની અનન્ય સેવા પ્રદાન કરી છે. આ લખનાર સાથે પણ તેમનો અનોખો નાતો સ્નેહ સંબંધ અને સાથે રહીને કાર્યવાહન કરેલછે. પરિવારનો જાણે મોભતુટયો હોય એવું લાગે છે. તેમના વિલયથી એક સુંદર, સરળ, સાદગીપૂર્ણ, નિરાભિમાની, દાનવીર દાતા, સંસ્કારી માર્ગદર્શન અને સંસ્મરણોનો અમુલ્ય ખજાનો રામજીયાણી પરિવારે જાણે લુંટાવી દીધો છે...! તેમની સાથે વિલય પામ્યો છે. દરેક દ્રષ્ટિકોણથી તેમના સંસ્મરણો યાદો ઉભર્યા કરે છે. સમાજ, પરિવાર પ્રત્યેની તેમનીનિષ્ઠા-પ્રેરણા સદાય જીવંત રહેશે. તેમની યાદ ક્યારેય અસ્ત નહિ પામે...ચિરંજીવી બની સદાય પરિવાર સાથે રહેશે.

તેમના સ્વ પરિવાર પર આવી પડેલ વિપદા, અપૂર્ણિય ખોટ અનેવિયોગ સહન કરવાની પરમ કૃપાળુ પરમેશ્વર શક્તિ પ્રદાન કરે, મા ઉમિયા ધૈર્ય અને શાશ્વત શાંતિ અર્પે, સદ્દગુરૂ મોક્ષ માર્ગ પ્રદાન કરે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના સહ સંવેદના, શબ્દાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. રામજીયાણી પરિવારના આ અનોખા આધાર સ્તંભને નત મસ્તક નમન કરીએ છીએ.

(સદગત રવિલાલભાઈ “પાટીદાર સંદેશ”ના અનન્ય ચાહક અને શુભેચ્છક રહ્યા હતા. “પાટીદાર સંદેશ" પરિવાર સદગતને ભાવભીની શ્રધ્ધાંજલિ સાથે પરમાત્મા એમના આત્માને તેમની સમીપ વાસ કરાવે તેવી પ્રાર્થના કરે છે.-તંત્રીઓ)