તંત્રીલેખ / છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલતા સ્વયંભૂ સામાજિક અભિયાનપ સમૂહ લગ્નોની ગઈ કાલ અને આજપ એક દષ્ટિપાતપ (તંત્રીલેખ, માર્ચ ૨૦૧૭)


વ્હાલાં વાયક ભાઈ-બહેનો,

સમગ્ર ભારત વર્ષના ખૂણે ખૂણે વસવાટ કરતાં આપ સૌ ભાઈ-બહેનોના
અદમ્ય સહયોગને કારણે “પાટીદાર સંદેશ”ની ૩૬મા વર્ષની યાત્રા પુરી થઈ
રહી છે, ગ્રાહક સંખ્યા ૨૨,૦૦૦નો આંક વટાવી ગઈ છે, તો, સમાચાર પત્રનો
પ્રીન્ટ ઓર્ડર ૨૩,૦૦૦ થવા આવ્યો છે ત્યારે, આપ સૌ પ્રત્યે અહોભાવ વ્યક્ત
કરીએ છીએ.

છેલ્લાં ૩૬ વર્ષની યાત્રા દરમ્યાન આપણે આ સ્થાનેથી આપણી સમાજની
રાષ્ટ્રીય કક્ષાની સમસ્યાઓ-પ્રાણ પ્રશ્નો જેવા કે સનાતન-સતપંથ વિવાદ કે
માંડવી હોસ્ટેલ વિવાદપ તો છેક છેવાડાના માનવી સુધી કોરી ખાતી સગપણની
સમસ્યા, લગ્ન થતાં પહેલાં જ છુટાછેડાનું વધતું જતું પ્રમાણ, કન્યા
કેળવણીની સરખામણીએ કુમારોમાં કેળવણીનો અભાવ, જેવી સમસ્યાઓ વિશે
આપણે અનેકવાર ચર્ચાઓ કરી છે. જો કે આ સમસ્યાઓના સમાધાનની અને નિરાકરણની જેમની સીધી જવાબદારી છે તે આપણી કેન્દ્રિય સમાજ, યુવાસંઘ અને
મહિલા સંઘ આ માટે કાર્યરત હશે જ, તેમ આપણે માની લઈએ. (કારણ કે આપણે તેનાથી વિશેષ કરી પણ શું શકીએ ?)

“પાટીદાર સંદેશ”ના ગત માસના અંકમાં આપણે ઉલ્લેખ કર્યો હતો તેમ ગત વસંત પંચમીના રોજ દેશના ૧૨ સ્થળોએ યોજાયેલા સમૂહ લગ્નોમાં ૧૪૮ નવયુગલો
જોડાયાં હતાં. તેના સમાચારની હકીક્ત પરથી આ તંત્રીલેખ લખવાની પ્રેરણા મળી છે. આપ સૌ જાણો છો તેમ છેલ્લા કેટલાય વર્ષોથી વણલખી પ્રણાલી મુજબ વસંત
પંચમીના રોજ મહદ્‌અંશે કચ્છની બહાર અને અખાત્રીજના રોજ કચ્છના જુદા જુદા ગામોમાં સમૂહ લગ્નોનાં આયોજનો થતાં આવ્યાં છે. અમારા મતે રાષ્ટ્રીય
કક્ષાએથી કોઈપણ પ્રકારના સીધા માર્ગદર્શન કે સંચાલન વગર દેશના જુદા જુદા ભાગોમાં આવેલ સ્થાપક સમાજો, કયાંય વિભાગીય સમાજો, તો કયાંક ઝોન
સમાજો દ્વારા પણ લગભગ સ્વયંભૂ રીતે સમૂહ લગ્નોના આયોજનો થતાં આવ્યાં છે.

આમ જોઈએ તો “પાટીદાર સંદેશ” સમાચાર પત્રની ૩૬ વર્ષ અગાઉ જ્યારે યાત્રા શરૂ થઈ ત્યારથી સમૂહ લગ્નની પ્રવૃત્તિને પણ ક્રમશઃ વેગ પ્રાપ્ત થયો છે અને
દેશની વધુને વધુ સમાજો જોડાતી ગઈ તે આ અભિયાનનું એક નોંધપાત્ર પાસું છે. સમૂહ લગ્નોત્સવના આયોજન પાછળનો મુળભુત હેતુ આપ સૌ જાણો છો. તેથી
તેનું પુનરાવર્તન કરતા નથી. સમાજનાં આર્થિક રીતે થોડાંક નબળાં અને જરૂરિયાતમંદ કુટુંબોને મદદરૂપ થવાના આશયથી અને આપણી સંઘ ભાવના/સમૂહ
ભાવના વધુ મજબુત બને તેવા શુભ આશયથી ગરીબી અને અમીરીના ભેદભાવ વિના સૌ જોડાય તે હેતુથી આ અભિયાન ભારતભરમાં આજ દિન સુધી ચાલતું રહ્યું
છે. તેમાં અત્યાર સુધી હજારો નવયુગલો જોડાઈ ચુક્યાં છે. તેના દ્વારા સમગ્ર સમાજને લાખો/કરોડો રૂપિયાની બચત થઈ છે. સાથોસાથ સગાં-સ્નેહીઓના કરોડો
માનવ કલાકોનો વ્યય થતો અટક્યો છે. તે આ પ્રવૃત્તિનું અમારા મતે હકારાત્મક પાસું ગણી શકાય. જો કે કયાંક કયાંક જ્ઞાતિજનોમાં એવો ગણગણાટ જોવા મળે
છે કે સમાજના અગ્રણીઓનાં સંતાનો સમૂહ લગ્નમાં જોડાતાં નથી. તો કેટલાંક મધ્યમ વર્ગીય સંપન્ન કુટુંબો એક તરફ સમૂહ લગ્નનો લાભ લે છે અને બીજી તરફ
ઘેર જઈને ભવ્ય રીતે રીસેપ્શન/સત્કાર સમારંભનું આયોજન કરે છે, જેથી તેની ભાવના/હેતુ જળવાતો નથી. પરંતુ અમારા મતે આવા કુટુંબોની સંખ્યા બહુ નજીવી
હોય છે. જ્યારે સમૂહ લગ્નના સથવારે તેમાં જોડાયેલા જરૂરિયાતમંદ લોકોની સંખ્યા બહુ મોટી હોય છે. આ તેમના માટે આશીર્વાદરૂપ છે. સાથોસાથ છેલ્લા કેટલાક
વર્ષોથી સમૂહ લગ્નમાં જોડાયેલ કનન્‍્યાઓ/દિકરીઓને આર્થિક રીતે મદદરૂપ થનાર દાતાઓ/ભામાશાઓની સંખ્યા પણ વધતી જાય છે. અમારા મતે આ બીરદાવવા
લાયક છે.

સમૂહ લગ્ન વિશે આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે અખાત્રીજના રોજ કચ્છના વિવિધ ગામોમાં અને વસંત પંચમીના રોજ કચ્છ બહાર યોજાતાં સમૂહ લગ્નો વિશે
નવી પેઢીને વિશેષ જાણકારી મળી રહે તે હેતુસર થોડી વિગતો આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે આપ સૌને ગમશે.

કચ્છમાં યોજાતાં સમૂહ લગ્નો

સૌ પ્રથમ આપણે “પાટીદાર સંદેશ”ના કારોબારી સભ્ય અને કેન્દ્રિય સમાજના પૂર્વ મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ ભગતે કચ્છમાં યોજાતા સમૂહ લગ્નો વિશે સંબંધિત
સામાજિક અગ્રણીઓ પાસેથી મેળવેલ માહિતી ખૂબ જ સુંદર રીતે સંકલિત કરી છે, તે અક્ષરશઃ તેમના જ શબ્દોમાં જોઈએ.

“આપણી જ્ઞાતિની લગ્ન પ્રથામાં ડોકીયું કરશું તો જણાશે કે ૮૦ થી ૯૦ વર્ષ પહેલાં બાળલગ્નનું પ્રમાણ વિશેષ હતું. જ્યારે બાર વર્ષે સમૂહમાં એકી સાથે
નાના-મોટા દરેક ભાઈ-બહેનનાં લગ્ન એક જ દિવસે યોજાતાં. લગ્ન બાદ ઉંમર લાયક થાય ત્યારે કન્યાને આણું વળાવતાં.

ધાર્મિક સંતો અને સુધારાવાદી વડીલોના પ્રયત્નોથી બાળલગ્ન પ્રથા બંધ થઈ. જ્ઞાતિમાં ધાર્મિકતા, શિક્ષણ અને સંગઠન માળખું સુચારૂ કરવા પ.પૂ. ઓધવરામજી
મહારાજે પ્રચાર-પ્રસાર અને પ્રવાસ યોજ્યા. ફળશ્રુતિરૂપે ૬૦ વર્ષ પહેલાં ઉંમરલાયક વર-કન્યા માટે વાંઢાય ખાતે સમૂહલગ્નનું આયોજન થયું. શરૂઆતમાં પ્રાયોગિક
રીતે ચાલ્યા બાદ છેલ્લાં ૪૦ વર્ષથી વાંઢાય ખાતે મા ઉમિયાના સાનિધ્યમાં યોજાતાં સમૂહ લગ્નનો રેકડ સંસ્થા પાસે ઉપલબ્ધ છે.

શ્રી ઉમિયા માતાજી વાંઢાય પ્રેરિત દેશલપર-વાંઢાય વિસ્તારનાં ગામોના સહયોગથી નિયમિત સમૂહ લગ્નનું આયોજન અખાત્રીજ ઉપર થઈ રહ્યું છે. કચ્છમાં
સંખ્યાની દૃષ્ટિએ પણ આગળ રહેતા વાંઢાયમાં વર્ષ ૧૯૮૮માં ૧૦૨ જોડલાંઓ સમૂહ લગ્નમાં જોડાયેલ. જ્યારે ચાલુ વર્ષે મા ઉમિયાની સ્થાપનાને ૭૪ વર્ષ થઈ રહ્યાં
છે ત્યારે ૧૦૦ ઉપરાંત ફોર્મ વિતરણ કરાયેલ. જેમાંથી ૭૪ જોડલાંને મંજુરી આપવામાં આવેલ છે. સમયાનુસાર નિયમોમાં ફેરફાર અંગે વાત કરતાં સમૂહ લગ્ન
આયોજન સમિતિના મહામંત્રી શ્રી રમેશભાઈ પોકાર (ભૂજ)વાળાએ જણાવેલ કે સમૂહ લગ્નમાં જોડાનાર યુગલ જો ત્રણ વર્ષમાં છુટાછેડા મેળવશે તો સંપૂર્ણ ભેટ અને
ખર્ચ વસુલ કરવામાં આવશે. તદ્‌ઉપરાંત સમૂહ લગ્નમાં જોડાનાર પોતાના ઘેર આગળ કે પાછળ ભોજન સમારંભ યોજી શકશે નહિ.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ આયોજિત રવાપર ખાતે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. વર્ષ ૧૯૮૧-૮૨માં ૩૭ વર્ષ પહેલાં દયાપર
ખાતે સમૂહ લગ્નની શરૂઆત કર્યા બાદ બીજા વર્ષે દોલતપર, નેત્રા બાદ રવાપર ખાતે હવે સમૂહ લગ્ન યોજાય છે, જેમાં કેન્દ્રિય સમાજ સાથે સંકળાયેલ
સંપ્રદાયોનાં નવદંપતીને સમૂહ લગ્નમાં સામેલ કરવામાં આવે છે. સંસ્થાના મહામંત્રી શ્રી હરિભાઈ ભગત (મોરબી)એ જણાવેલ કે જ્ઞાતિમાં સંગઠન, સંપત્તિ અને
સમયના બચાવ માટે અમો પ્રયત્નશીલ રહીએ છીએ.

શ્રી લખપત તાલુકા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ચાલુ વર્ષે ર૭મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. લખપત તાલુકામાં સમૂહ લગ્ન અંગે વાત કરતાં
સંસ્થાના માજી પ્રમુખ શ્રી જશવંતભાઈ સાંખલા (ઘડુલી)એ જણાવેલ કે અમો અખાત્રીજે સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ભારતમાંથી તાલુકાજનો કચ્છમાં એકત્ર થઈએ
છીએ. છેલ્લાં ૨૬ વર્ષથી એક પણ છુટક લગ્ન તાલુકામાં થયેલ નથી. સંગઠનની ભાવના દર્શાવતો લખપત તાલુકો શરૂઆતમાં જ્ઞાતિ માટે આદર્શરૂપ બન્યો હતો.
શ્રી કોટડા (જ.) પાટીદાર યુવક મંડળના સુવર્ણ જ્યંતિ પ્રસંગે ફળશ્રુતિરૂપે સમૂહ લગ્નનું આયોજન શરૂ કરવામાં આવ્યું. જે ચાલુ વર્ષે ૨૪મા વર્ષમાં પ્રવેશશે.
કોટડાના સ્થાનિક ઉપરાંત અન્ય ગામના વર-કન્યાને પણ સામેલ કરવામાં આવે છે. સ્થાનિક યુવક મંડળ, સમાજ અને મહિલા મંડળના સંયુક્ત રીતે આયોજન
થાય છે.

નખત્રાણા પાટીદાર સમૂહ લગ્ન સમિતિ સ્થાનિક ત્રણે સમાજમાંથી બનાવવામાં આવેલ છે. સ્થાપક પૈકીના શ્રી પ્રવિણભાઈ કેસરાણી (નખત્રાણા) પ્રતિનિધિ શ્રી
“પાટીદાર સંદેશ”એ જણાવેલ કે શરૂઆતમાં યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું. જે બાદમાં સમાજો સાથે જોડાઈને કાર્ય સંભાળે છે. વર્ષ
૧૯૯૪માં સર્વોચ્ય ૪૫ની સંખ્યા સુધી લગ્ન યોજાયેલ. ચાલુ વર્ષે ર૪મો સમૂહ લગ્ન યોજાશે.

શ્રી ઉમિયા માતાજી અને ગૌસેવાના સાનિધ્ય મથલમાં ૯મા વર્ષે અત્યાર સુધીમાં ૧૬ની સંખ્યા નોંધાઈ ગયેલ છે. મથલ, નેત્રા વિસ્તારના ૨૪ ગામોના ગૃપ દ્વારા
આયોજન થઈ રહ્યું છે. મથલ ગૌસેવા કેન્દ્ર સાથે શરૂઆતથી જ સંકળાયેલા શ્રી મોહનભાઈ ખીમજી લીંબાણી (ભૂજ) વિશેષ માહિતી આપતાં જણાવેલ કે સંગઠન
ભાવનાથી સંકળાયેલા સૌ લાગણીથી ભાગ લઈ રહ્યા છે. સૌને સંતોષ છે.

શ્રી વિરાણી મોટી પાટીદાર સમાજ દ્વારા ચાલુ વર્ષે ર૭મા સમૂહ લગ્નનું આયોજન થવાનું છે. સમૂહ લગ્નો અંગે વાત કરતાં વિરાણી મોટીના પ્રમુખ શ્રી અબજીભાઈ
વિશ્રામ પટેલ (મુંબઈ) એ જણાવેલ કે વિરાણી મોટી, કોટડા (જ.) અને નખત્રણામાં સમૂહ લગ્નોમાં સંખ્યામાં ઘટાડો નોંધાય છે તો ભવિષ્ય માટે ત્રણે ગામોએ સાથે
મળી વિચારવાની જરૂર છે.

વિથોણ ખાતે સંત શ્રી ખેતાબાપા સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નોનું આયોજન ભૂકંપ બાદ શરૂ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે ૧૬મા સમૂહ લગ્નમાં અત્યાર
સુધીમાં ૧૪ની નોંધણી થયેલ છે. શ્રી શાંતિલાલ નાયાણી (વિથોણ) અને શ્રી શાંતિભાઈ લીંબાણી (પ્રતિનિધિ “પાટીદાર સંદેશ”)એ માહિતી આપતાં જણાવેલ કે થોડા
ઘટાડા સાથે એવરેજ સંખ્યા જળવાઈ રહી છે. અત્યારે વિથોણ અને આણંદસર માટે જ આયોજન થાય છે. ભવિષ્યમાં અન્ય ગામો માટે વિચારાશે.

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ગઢશીશા વિસ્તાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચાલુ વર્ષે ૧૧મો સમૂહ લગ્ન યોજાશે. શરૂઆતી વર્ષોમાં પપ જેટલાં આંકડે પહોંચેલ
સંખ્યામાં હાલે ૧૪ જેટલાં નોંધાયેલ છે. વિશેષ માહિતી આપતાં શ્રી સુરેશભાઈ ચૌહાણ (ભૂજ) (“પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ)એ જણાવેલ કે સંખ્યામાં થોડો ઘટાડો
નોંધાયો છે. વાંઢાયની જેમ ૩ વર્ષમાં લગ્ન વિચ્છેદના બનાવમાં ભેટ/ખર્ય પરત મેળવવાની વિચારણા ચાલુમાં છે. વધુમાં જણાવેલ કે સમૂહ લગ્નોનાં દાન-ભેટ સહિત
એકરૂપતા લાવવામાં આવે તો દરેક જગ્યાએ સફળતાનો ગ્રાફ વધી શકે છે.

શ્રી કંઠી વિસ્તાર લક્ષ્મીનારાયણ ભગવાન સમૂહ લગ્ન સમિતિના માધ્યમથી છઠ્ઠ વર્ષે પણ સમૂહ લગ્ન યોજાશે. શરૂઆતમાં ૭૫ના આંકડે પહોંચેલ લગ્નોની સંખ્યામાં
ઓટ આવેલ દેખાય છે. આ અંગે માંડવી વિસ્તારના શ્રી મણીલાલભાઈ પટેલ (ઉપપ્રમુખશ્રી, કેન્દ્રિય સમાજ) દ્વારા જણાવવામાં આવેલ કે સંગઠન, સમય અને
નાણાંની બચતના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલ સમૂહ લગ્નમાં ઘરમાં બાળકોની ઘટતી સંખ્યા, આર્થિક સદ્ધરતાની નજરે એકાદ લગ્ન ઘેર જ કરવાની
મનોદશા સંખ્યાના ઘટાડા માટે સ્પષ્ટ દેખાય છે. તદ્‌ઉપરાંત અગાઉ માત્ર ઉનાળામાં લગ્નો યોજાતાં જ્યારે અત્યારે કચ્છ બહારની જેમ કચ્છમાં પણ દિવાળી બાદ
લગ્નો શરૂ થઈ જાય છે. બદલાઈ રહેલા સમયની અસર દેખાય છે.

શ્રી નેત્રા (માતાજીના) સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચાલુ વર્ષે ૨૮મા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. શરૂઆતમાં અન્ય ગામો પણ સામેલ રહેતા સંખ્યા વધારે
રહેતી હતી. હાલમાં થોડો ઘટાડો હોવાનું આગેવાન શ્રી પુરૂષોત્તમભાઈ રવાણીએ જણાવેલ.

કચ્છમાં થોડા સમય માટે રસલીયામાં સમૂહ લગ્ન ચાલુ થયેલ પરંતુ પાછળથી અન્ય સંસ્થામાં જોડાઈ જતાં હાલમાં બંધ છે. જ્યારે કોટડા (ઉગમણા) ખાતે પણ
ત્રણેક વર્ષ જેવા સમય માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ. ત્યાં પણ હાલે સમૂહ લગ્ન બંધ છે અને વાંઢાય ખાતે જોડાય છે.

કચ્છમાં સમૂહ લગ્નોની તવારીખ જોતાં છેલ્લાં ૬૦ વર્ષથી વિવિધ જગ્યાએ નાના-મોટા સ્વરૂપે આયોજન થઈ રહ્યા છે. સામાજિક સંગઠન, નાણાં અને સમયની
બચતના ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા આયોજનો માટે જ્ઞાતિ દ્વારા પણ ધારાધોરણમાં સમૂહ લગ્નનો મુદ્દો સામેલ કરવામાં આવેલ છે અને કેન્દ્રિય સમાજ પણ
વિવિધ જગ્યાએ પ્રોત્સાહક હાજરી પુરાવે છે. રવાપર ખાતેના સમૂહ લગ્નો સાથે જ “પાટીદાર સંદેશ” પણ પ્રચાર-પ્રસારના માધ્યમથી સામેલ થયું. જેના કારણે
પાછળથી વિવિધ સ્થળે સફળ સમૂહ લગ્નોના આયોજન થવા લાગ્યાં. કચ્છ ઉપરાંત સાબરકાંઠા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામિલનાડુ જેવા અનેક સ્થળોએ
જ્ઞાતિજનો ઉમળકાથી જોડાવા લાગ્યા. સમૂહ લગ્નોની સફળતામાં ચાર ચાંદ લગાવ્યા દાતાશ્રીઓએ અને સમૂહ લગ્ન આયોજન સમિતિઓએ.

કચ્છમાં યોજાતાં સમૂહ લગ્નોમાં છેલ્લાં થોડા સમયથી અનેક કારણોસર ઓટ આવી રહી હોય તેમ દેખાય છે. કચ્છનાં વિવિધ સેન્ટરોના અહેવાલોમાં પણ કયાંક
ક્યાંક કારણો દેખાય છે. તો વર્તમાન સમયાનુસાર પરિવર્તન પણ અમલમાં આવી રહ્યું છે. સમૂહ લગ્નનો ઉમદા આદર્શ કયાંક ખોવાય નહીં અને જ્ઞાતિની ઉમદા
પરંપરા જળવાઈ રહે એ માટે આયોજન સમિતિઓએ સાથે મળી વિચાર મંથન કરવા અને વધારે જુસ્સાથી આગળ વધવાની જરૂરિયાત દેખાઈ રહી છે.”

કચ્છ બહાર યોજાતાં સમૂહ લગ્નો

સુજ્ઞ વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

કચ્છ બહાર યોજાતા સમૂહ લગ્નો અંગે અમારી સ્મૃતિ મુજબ જુદાં જુદાં સ્થળોએ ફોનથી મેળવેલ માહિતી આપ સૌ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે. જો તેમાં
કોઈ હકીકત દોષ હોય તો કૃપયા અમારા ધ્યાને લાવશો. અમારી પાસે ઉપલબ્ધ માહિતી મુજબ કચ્છ બહાર લગભગ આશરે ૨૦થી વધુ સ્થળોએ સમૂહ લગ્નો
યોજાતા હોવાનો અંદાજ છે, જેમાં સૌ પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત ૨૮ એપ્રિલ, ૧૯૮૩ના રોજ સાત નવયુગલો સાથે મહાનગરી મુંબઇમાં થયેલ.

(૧) મુંબઈથી “પાટીદાર સંદેશ”ના ઉપપ્રમુખ અને વડીલ શ્રી નારાયણભાઈ ભગતે આપેલ માહિતી મુજબ પ્રથમ સમૂહ લગ્નમાં “પાટીદાર સંદેશ”ના મુંબઈ સ્થિત
પ્રતિનિધિ શ્રી હિંમતભાઈ માકાણી પણ લગ્નગ્રંથિથી જોડાયેલા અને હાલના “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી યોગેશભાઈ રામાણી તત્કાલીન પાટીદાર યુવક
મંડળના મંત્રી હતા. અત્યાર સુધી મુંબઈ ખાતે યોજાયેલ ૫૮ સમૂહ લગ્નોત્સવમાં કુલ ૧૧૯૪ નવયુગલો જોડાઈ ચુક્યાં છે, જે વિકમજનક સિદ્ધિ અમારા મતે ગણી
શકાય. મુરબ્બી શ્રી નારાયણબાપાના જણાવ્યા મુજબ સમૂહ લગ્નોત્સવનો સુવર્ણ જ્યંતિ મહોત્સવ તા. ૨૦-૧-૨૦૧૦ના રોજ ઉજવાયો હતો.

(૨) નાગપુરથી “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી રસિકભાઈ ચોપડાના અહેવાલ મુજબ સમગ્ર મધ્ય ભારતમાં સમૂહ લગ્નોત્સવના આયોજનથી અનોખી
છાપ/સુવાસ ઉભી કરનાર સમૂહ લગ્નોત્સવના આયોજનમાં છેલ્લાં ૩૨ વર્ષમાં

કુલ ૬૮૪ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાઈ ચુક્યા છે. તેમના જણાવ્યા મુજબ સને ૧૯૮૭માં પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ફક્ત એક જ નવદંપતી જોડાયેલ તો પણ હિંમત
હાર્યા વિના આગળના વર્ષોમાં આ આયોજન ચાલુ રાખવામાં આવેલ, જે ખૂબ જ ભવ્યતા સાથે સફળતાને વરેલ છે.

(૩) રાયપુરથી “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી અર્જુનભાઈ ધનાણીના અહેવાલ મુજબ સને ૧૯૯૧માં રાયપુર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવની શરૂઆત થઈ.
અત્યાર સુધી ૨પ સમૂહ લગ્નોત્સવો કુલ ૧૮૯ નવયુગલો જોડાઈ ચુકેલ છે.

(૪) ત્રિયનગોડ (.દ્ર.)થી “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ રંગાણીના અહેવાલ મુજબ દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા પ્રથમ
સમૂહ લગ્નોત્સવ તા. ૨૪-૧-૧૯૯૬માં ત્રિચિનાપલ્લી ખાતે યોજાયેલ. અત્યાર સુધીમાં ૨૨ સમૂહ લગ્નોત્સવમાં કુલ ૨૮૨ નવયુગલો જોડાઈ ચુકેલ છે. “પાટીદાર
સંદેશ”ના આ પ્રતિનિધિ સમૂહ લગ્ન સમિતિમાં છેલ્લાં ૨૨ વર્ષથી સેવારત છે અને હાલમાં સહમંત્રી છે.

(૫) નાસિકથી “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ નાકરાણીના અહેવાલ મુજબ ૧૯૯૮માં આ અભિયાનની શરૂઆત થઈ. છેલ્લાં ૨૦ વર્ષમાં કુલ ૧૯૨
નવયુગલો તેમાં જોડાઈ ચુકેલ છે.

(૬) ધનસુરાથી “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી અશોકભાઈના અહેવાલ મુજબ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ધનસુરા (ગુજરાત) દ્વારા અત્યાર સુધી
યોજાયેલ ૧૯ સમૂહ લગ્નોત્સવોમાં કુલ ૬૫૯ નવયુગલો તેમાં જોડાઈ ચુકેલ છે. ૧૯૯૯થી શરૂઆત થઈ છે.

(૭) નડીયાદથી “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી વિપુલભાઈ મૈયાતના અહેવાલ મુજબ ત્યાં ૨૦૦૧માં શરૂઆત થઈ અને અત્યાર સુધી ૧૭ સમૂહ લગ્નોત્સવોમાં
કુલ ૫૧૦ નવયુગલો તેમાં જોડાઈ ચુકેલ છે.

(૮) “પાટીદાર સંદેશ”ના ઉપપ્રમુખ ડૉ. અમૃતભાઈ આર. પટેલના અહેવાલ મુજબ ગાંધીનગર-મહેસાણા જિલ્લા સમાજ દ્વારા આયોજિત ૧૬ સમૂહ લગ્નોત્સવોમાં
૩૪૦ નવયુગલો જોડાઈ ચુક્યાં છે. તા. ૧૭-૨-૨૦૦૨ના શરૂઆતના વર્ષમાં ૧૮ નવયુગલો જોડાયેલ.

(૯) હૈદ્રાબાદથી “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી કાંતિભાઈ ગોરાણીના અહેવાલ મુજબ હૈદ્રાબાદ અને સિકન્દ્રાબાદ ખાતે દર વર્ષે વારાફરતી સમૂહ લગ્નોત્સવનું
આયોજન કરવામાં આવે છે. જે મુજબ સિકન્દ્રાબાદ ખાતે ૧૯૯૦થી ૨૦૧૫ દરમ્યાન ૮૭ નવયુગલો અને હૈદ્રાબાદ ખાતે ૧૯૯૫ થી ૨૦૧૬ દરમ્યાન ૧૨૦ નવયુગલો
જોડાયાં છે. જો કે તેમના જણાવ્યા મુજબ હવેથી ગમે તે કારણોસર સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર નવયુગલોની સંખ્યા ઘટતી જાય છે, તે હકીકત છે.

(૧૦) “પાટીદાર સંદેશ”ના ઝોનલ કો-ઓર્ડીનેટર શ્રી મણિભાઈ પટેલ “વિલાપ'ના અહેવાલ મુજબ કેન્દ્રિય સમાજના અમદાવાદ ઝોન આયોજિત સમૂહ
લગ્નોત્સવની શરૂઆત સને ૨૦૧૧માં થઈ છે. કંઈક અંશે ભવ્યતાથી યોજાતા આ સમૂહ લગ્નોત્સવમાં ૬ વર્ષમાં કુલ ૧૩૩ નવયુગલો જોડાઇ ચુક્યાં છે.

(૧૧) “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી પ્રહલાદભાઈ પોકારના અહેવાલ

મુજબ પંચમહાલ-ગોધરા-દાહોદ સમાજ દ્વારા ગત વર્ષે સમૂહ લગ્નની શરૂઆત થઈ છે.

(૧૨) “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી (ડૉ.) આર.એસ. પટેલના અહેવાલ મુજબ કેન્દ્રિય સમાજના સાબરકાંઠા ઝોન દ્વારા પણ ગત વર્ષે સમૂહ લગ્નની
શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં પ્રથમ વર્ષે ૧૪ અને બીજા વર્ષે ૫૧ નવયુગલો જોડાયેલ.

(૧૩) સુરતથી “પાટીદાર સંદેશ”ના કારોબારી સભ્ય શ્રી (ડૉ.) સુધીર પટેલ (સ્.ક-.)ના અહેવાલ મુજબ દક્ષિણ ગુજરાત કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સને
૧૯૯૫થી ચાલતા અભિયાનમાં ૨૨ વર્ષમાં પપ૪ નવયુગલો જોડાઈ ચૂક્યાં છે.

(૧૪) નિયામતપુર (ઉ.મ.)થી “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ શ્રી મણિલાલભાઈ ના અહેવાલ મુજબ આસાનસોલ સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન સમારોહ સને ૨૦૦૩માં
ફક્ત ૧ નવયુગલ સાથે શરૂ થયેલ ત્યારબાદ ૨૦૦૫માં ૪, ૨૦૦૬માં ૩, ૨૦૦૯માં ૪, ૨૦૧૦માં ૩ અને છેલ્લે ૨૦૧૧માં છઠ્ઠ સમૂહ લગ્નોત્સવમાં ૨ નવયુગલો જોડાયેલ.
ઉપરોક્ત વિગતોમાં હકીકત દોષ જણાય તો અમારું ધ્યાન દોરવા વિનંતી છે. ઉપરાંત સમૂહ લગ્નોત્સવોના આયોજનને પણ હવે ઠીક ઠીક સમયગાળો પસાર થયો
છે. આયોજક સંસ્થાઓ, સંચાલક સંસ્થાઓ, કાર્યકરોની પણ નવી પેઢી આવી ગઈ છે ત્યારે કયાંક કયાંક સમૂહ લગ્નોત્સવની કાર્ય રીતિમાં પણ ફેરફાર થયેલ
જોવા મળે છે. કયાંક સંખ્યા ઘટતી જાય છે. આવા સંજોગોમાં વિચારશીલ વાચકો તેમના મુક્ત મંતવ્યો રજૂ કરશે તો તેને ક્રમશ: સ્થાન આપવામાં આવશે.