વ્હાલાં વાચક ભાઈ-બહેનો,
શાસ્ત્રો અનુસાર દરેક મનુષ્યને જીવનમાં કરેલાં શુભ-અશુભ કર્મ અવશ્ય ભોગવવાં જ પડે છે. અમુક કર્મ આ જીવન દરમ્યાન જ ફળ આપે છે, તો અમુક જમા રહેલાં સંચિત કર્મ પાકતાં જાય તેમ ફળ આપતાં રહે છે. કર્મ ભોગવતાં ભોગવતાં જીવન પુરૂં થઈ જાય અને મૃત્યુ આવે તો પણ ભોગવવાનાં બાકી રહેલાં કર્મ આગળના જન્મમાં સાથે આવે છે તેને પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે. આ પ્રારબ્ધના આધારે ભવિષ્યમાં મનુષ્યનો જન્મ ક્યાં થશે, ક્યા સ્વરૂપે થશે, ત્યાં કેટલું આયુષ્ય મળશે અને કેવાં સુખ-દુ:ખ ભોગવવાં પડશે તે નક્કી થતું હોય છે. એટલે દરેક મનુષ્ય પ્રારબ્ધ લઈને આવે છે અને કર્મને સાથે લઈને જાય છે. આપણું મુળભુત અધ્યાત્મ છે કે શરીર નાશવંત છે આત્મા અજરા-અમર છે.
નિયતિ અનુસાર મનુષ્યના જીવનમાં ચડતી-પડતી અચુક આવતી જ હોય છે. ચડતીના સમયે છકી જવાની કે પડતીના સમયે નિરાશ થવાની જરૂર નથી. નબળા સમયમાં મનુષ્યે જગતનિયંતા તરફની શ્રદ્ધા જાળવી રાખી સ્વસ્થ ચિત્તે સમય પસાર કરવાને બદલે, કોઈ ભ્રામક પ્રચાર કે લોભ-લાલચમાં આવી દુઃખ દૂર કરવાના ટુંકા રસ્તાઓ તરફ ફંટાઈ જાય છે એ કમનસીબી છે. જો કોઈ શારીરિક દુ:ખ હોય તો આપણા પ્રાચીન અને આધુનિક મેડીક્લ સાયન્સ પાસે તેના ઉપાયો ઉપલબ્ધ છે. પરંતુ તેના બદલે આજની ૨૧મી સદીના વિજ્ઞાન યુગમાં તદ્દન અવૈજ્ઞાનિક, બનાવટી કે તાંત્રિક ઉપાયો સ્વીકારવા એના જેવી કોઈ મુર્ખતા અમને તો દેખાતી નથી.
આપ સૌ જાણતા જ હશો કે આથી ૨૨-૨૩ વર્ષ પહેલાં રાજસ્થાનના રાજસમન્દ જિલ્લાના સહજાડા ખાતે અખંડ પ્રજ્વલિત ધૂણા અંગે એવો પ્રચાર કરવામાં આવતો હતો કે આ ધૂણાની ફરતે અમુક પ્રદક્ષિણા ફરવાથી ભૂત-પ્રેત-વળગાડ તો દૂર થઈ જાય છે, એટલું જ નહીં કોઈપણ શારીરિક રોગ પણ મટી જાય છે. આ પ્રચાર એટલો પ્રભાવશાળી હતો કે કચ્છ, સાબરકાંઠા ઉપરાંત સમગ્ર ગુજરાત જ નહિ પણ ગુજરાત બહારના રાજ્યોમાંથી આપણા સમાજનાં પરિવારો ગાડીઓ, બસો અને ટ્રકો ભરાઈ-ભરાઈ ત્યાં જ્વા લાગ્યાં અને સુચના પ્રમાણે આઠ-દસ દિવસ ત્યાં રોકાતાં પણ ખરાં. પરિવારના સ્ત્રી પાત્રને વળગાડ હોય તો તેને દૂર કરવા આવતાં. પરિવારજનો પોતાના જ ઘરની ગૃહ લક્ષ્મીને છુટા વાળ કરાવી પાગલ જેવી હાલતમાં ધૂણા ફરતી પ્રદક્ષિણા કરાવતા અને પાછળ ચાલતાં-ચાલતાં રેતીની ઝીણી કાંકરીઓ તે નિર્દોષ-લાચાર અબળા ઉપર ફેકતાં. એના જેવું વરવું દૃશ્ય કોઈ હોઈ શકે ખરું ? ખરેખર, વળગાડ તો તે સ્ત્રીને નહીં પણ તેનાં પરિવારજનોને છે, બુદ્ધિનું અને સંસ્કારનું દેવાળું ફૂંકવાનો... માત્ર પ્રદક્ષિણા ફરવાથી કેન્સર કે કિડની ફેઈલ જેવા રોગો મટી શકે ખરા ? છતાંય આપણા સમાજનાં પરિવારોથી સહજાડા ઉભરાતું હતું તે પણ હકીકત છે. “પાટીદાર સંદેશ”ની ટીમે સંપૂર્ણ તૈયારી અને જોખમ સાથે રૂબરૂ મુલાકાત લઈ સત્યતા તપાસીને મુખપત્રમાં જરૂરી પુરાવા અને ફોટા સાથે બે પાનાં ભરી અહેવાલ છાપી પર્દાફાશ કર્યો ત્યારે આ બધું ધીમે ધીમે અટકયું.
એક સહજાડા અટક્યું પરંતુ સમાજ્જનોની માન્યતામાં કોઈ સુધારો નથી દેખાતો. છેલ્લાં વીસેક વર્ષથી અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં એક માતાજી પ્રગટ થયાં છે અને એની ઝપેટમાં આપણા સમાજના માત્ર અમદાવાદના નહિ પરંતુ ગુજરાત અને ગુજરાત બહારનાં ઘણાં પરિવારો આવી જઈ બરબાદ પણ થયાં છે. તદ્દન નવી નકોર સાડીઓ પાથરી-પાથરીને, આગળ નાચ- ગાન કરતાં-કરતાં માતાજીનાં પોતાના ઘરે પગલાં પડાવતી બહેનોને કઈ ઉપમા આપવી ? પોતાના ઘેર માતાજી રાત્રિ-રોકાણ કરે તે પ્રસંગની ઉજવણીમાં હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખવામાં ગૌરવ અનુભવતાં પરિવારોને કયા ઉપનામથી નવાજવાં ? સોનાના દાગીના અને રૂપિયાનાં ભરેલાં વજનદાર કવરની ભેટો મેળવી આ બહેન/માતાજી સામાન્ય નોકરી કરતાં કરતાં વિમાનોમાં ઉડવા લાગ્યાં છે. ખરેખર... ચમત્કાર જ છે ને ?
દક્ષિણ ગુજરાતમાં કરણ નજીકના એક ગામમાં અગાઉ જીપ ડ્રાઈવર તરીકે કામ કરનાર એક ભાઈ દ્વારા ઉભા કરાયેલા સ્થાનકમાં રવિવારના દિવસે છેક મુંબઈ સુધીની ઘણી ગાડીઓ ખડકાઈ જાય છે. તો કેટલાક સેવાભાવી ભાઈઓ ઘરના ધંધા-રોજગાર છોડી ત્યાં સેવા આપવામાં ગૌરવ અનુભવે છે. શું આ ગામ ફરવા લાયક સ્થળ કે પીકનીક પોઈન્ટ છે ?
છેલ્લાં આઠ-નવ વર્ષથી કચ્છમાં સામખિયાળી નજીકના એક હનુમાનજી મંદિરના મહંતશ્રી દ્વારા એવી ગેરંટી આપવામાં આવે છે કે કોઈની સગાઈ ન થતી હોય, સંતાન પ્રાપ્તિના પ્રશ્નો હોય, ધંધો ચાલતો ન હોય કે નોકરી મળતી ન હોય તો અહીં આવી શ્રીફળ સાથે હનુમાનજીને લેખિત અરજી કરે અને અમુક શનિવાર ભરવાની મનોકામના કરવામાં આવશે તો ચોક્કસ તમારી માંગણી પૂર્ણ થશે. કુંડળી પણ જોવામાં આવે છે અને વિધિ પણ કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કોઈ દેવ સ્થાનના દર્શને જવું એ ચોક્કસ આદર્શરૂપ છે પરંતુ કોઈ ચોક્કસ સ્વાર્થની પૂર્તતા માટે મંદિર જવું-આવવું તેને સ્વાર્થ કહેવો કે શ્રદ્ધા કહેવી એ પ્રશ્ન છે. હાલમાં તો જે ભક્તની ઈચ્છા પુરી થાય છે તેને મહંતશ્રી હનુમાનજીની કૃપા ગણાવે છે. પરંતુ એ ક્યારે મહંતની કૃપા બની જશે તેનું કાંઈ નક્કી નહિ. જેમ બધે થતું આવ્યું છે તેમ થોડા સમયમાં ભક્તો જ મહંતશ્રીને ભગવાન હનુમાનજી કરતાં મહાન બનાવી દેશે કારણ કે આપણને વ્યક્તિપૂજાની આદત પડી ગઈ છે.
આવાં તો ઘણાં સ્થાનકો છે, જ્યાં ચમત્કાર અને પરચાઓની કહાનીઓ ઉભી કરી દેવામાં આવે છે. દુ:ખની વાત એ છે કે જેમ ડુબતો માણસ તણખલું પકડે એ કહેવત અનુસાર દુ:ખી વ્યક્તિ સહેલાઈથી ભોળવાઈ જતો હોય છે અને “કાગનું બેસવું અને ડાળનું પડવું" અનુસાર અમુક સમયે અમુક વાતો યોગાનુયોગ સાચી પડે છે તેને સોશીયલ મીડીયા દ્વારા હાઈલાઈટ કરી એટલો બધો પ્રચાર કરવામાં આવે છે કે સામાન્ય-સરળ વ્યક્તિ તેની જાળમાં આવી જાય છે. ખરેખર સત્ય તો સ્વયં પ્રકાશિત છે. તેને પ્રચારની કોઈ જરૂર જ નથી. આપણો સમાજ એટલો સરળ છે કે કોઈપણ ઘટના કે માહિતીના મૂળ/તળ સુધી પહોંચી સચ્ચાઈ તપાસવાની આદત નથી એટલે બહુ જ સરળતાથી છળ-પટ કે દંભ ભરેલી વાર્તાઓ માની લઈને આગળ વધારવાના સાધન બની જઈએ છીએ.
અંધશ્રદ્ધા, ભુવા અને જ્યોતિષોનાં પુછાણાંને કારણે ભાઈ-ભાઈ વચ્ચે કે પરિવારોમાં એકબીજા તરફ વ્હેમનાં બીજ રોપાતાં સંબંધો વણસી જાય છે એની આડઅસર ઉદ્યોગ-ધંધા અને લગ્ન પ્રસંગોની ઉજવણીમાં થતી જ હોય છે. એક બાજુ વૈજ્ઞાનિકો એક-એક સેકન્ડની ગણતરી સાથે છેક ચંદ્રની સપાટી ઉપર યાન ઉતારવામાં સફળ થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ આપણે ભૂત-ભુવા કે અંધશ્રદ્ધાના અંધકારમાં ખોવાઈ ગયાં છીએ. ખરેખર, આપણને તો આધુનિક યુગમાં જીવવાનો જ અધિકાર નથી.
આપણે એ કદી ન ભુલીએ આપણે સૌ મા ઉમિયાનાં સંતાન છીએ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આપણા ઈષ્ટદેવ છે, ઈશ્વરી તત્વો તરફની શ્રદ્ધા જ મનુષ્યને મજબુત બનાવે છે જ્યારે અંધશ્રદ્ધા ડરપોક અને ભીરુ બનાવે છે એ હકીકત છે. આપણે મહેનતમાં માનીએ છીએ... ચમત્કારમાં નહિ. અમારું મસ્તક શ્રદ્ધાપૂર્વક દેવ-સ્થાનોમાં ઝુકે છે... પાંખડી આગળ નહીં... કારણ કે આપણે સૌ મુળભુત રીતે ધરતી પુત્રો છીએ.
પરમ કૃપાળુ પરમાત્મા સૌને સદબુદ્ધિ અને સન્મતિ આપે તેવી પ્રાર્થના સાથે...