વ્હાલાં વાચક ભાઈ-બહેનો,
ઈન્દિરા માઈના વિવાદાસ્પદ કાર્યક્રમોને કારણે જ્ઞાતિનાં ઘણાં પરિવારોમાં અશાંતિ અને ક્લેશની આગ લાગવા લાગી છે. ઘણાં પરિવારો તુટવાની કગાર પર છે. ઘરના વડીલોને અસહા માનસિક યાતનાઓ સહન કરવાની પરિસ્થિતિનું નિર્માણ થતું જોઈ ભીવંડી સમાજ દ્વારા એક વિશેષ ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી. જ્યાં આવાં પીડિત પરિવારોએ હાજર રહી આપવીતી જણાવી હતી. એટલું જ નહીં માઈના અનુયાયી બહેનોના માવતર અને મોસાળ પક્ષ તરફથી પણ વિનંતી કરવામાં આવી હતી કે સમાજ આ બાબતમાં પગલાં ભરે.
તેના અનુસંધાને કેન્દ્રિય સમાજ દ્વારા લંબાણ ચર્ચાના અંતે થોડા સમય અગાઉ આવા કાર્યક્રમો નહિ કરવા પત્ર મોકલવામાં આવ્યો હતો. ભીવંડી સમાજે પણ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે સમાજમાં ઈન્દિરા માઈનો કોઈ કાર્યક્રમ થવો જોઈએ નહિ અને કોઈ સભ્યએ આવા કાર્યક્રમોમાં સહભાગી થવું નહિ. આમ છતાં ગયા માર્ચ મહિનામાં ઈન્દિરા માઈ અને તેના સહયોગીઓએ કોઈના ઘેર છુપી રીતે કાર્યક્રમ ગોઠવતાં સમાજની ધીરજ ખુટી હતી કે જે કાર્યક્રમોથી જ્ઞાતિના પરિવારો તુટતાં હોય અને અશાંતિ ફેલાતીહોય તો તેવા કાર્યક્રમ જ શા માટે કરવા જોઈએ ? જ્ઞાતિજનોએ શા માટે ભાગ લેવો જોઈએ ? આ કાર્યક્રમને અટકાવવા ભીવંડી સમાજના આગેવાનો અને સમાજજનોએ તે સ્થળ ઉપર જઈ શાંતિપૂર્ણ રીતે, કાળઝાળ ગરમીમાં પાંચ કલાક સુધી ધરણાં કરી આ કાર્યક્રમમાં આવતા લોકોને સમજાવીને-વિનંતી કરીને પાછાં વાવ્યાં હતાં ત્યારે પણ ઈન્દિરા માઈ અને તેમના પતિનું વર્તન જરાપણ સકારાત્મક નહોતું જણાયું.
સમાજના સાભ્યોની માંગ હતી કે હવે કેન્દ્રિય સમાજ દરમ્યાનગીરી કરી યોગ્ય પગલાં લે. આથી કેન્દ્રિય સમાજના વિઝન અને સનાતન જાગરણ મંચ દ્વારા જ્ઞાતિજનો જોગ એક લેખિત સંદેશો તા. ૧૫-૩-૨૦૨૬ના પત્ર પાઠવીને જ્ઞાતિમાં શ્રદ્ધા અને ભક્તિનાં ઓઠાં હેઠળ ભયાનક વૈચારિક ભ્રષ્ટાચાર કરતા પાખંડી સંતોની શિબિરમાં જોડાવા કે દાન આપવા ઉપર પ્રતિબંધ લાદી આવા કાર્યક્રમોમાં ન જોડાવા જાહેર અપીલ કરી હોવા છતાં એપ્રિલ મહિનામાં તિચલ ખાતે કોઈ ખાનગી જગ્યાએ ઈન્દિરા માઈની સત્સંગ શિબિરના આયોજનની માહિતી મળતાં બીલીમોરા, બારડોલી, વલસાડ જેવી દક્ષિણ ગુજરાતની નજીકની જાગૃત સમાજો દ્વારા આ સ્થળ ઉપર ધરણાં કરી આ કાર્યક્રમને શાંતિપૂર્વક અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ધરણાં દરમ્યાન હાજર વડીલો અને માતાઓ સમક્ષ એક આપણી જ યુવાન શિબિરાર્થી મહિલા જાહેર થયેલ વીડીયોમાં જે રીતે દલીલો કસ્તી જોવા મળેલ તે જોઈને તેનો વાણી-વિલાસ અને વર્તન સૌને વિચારતાં કરી દે તેમ છે. શું શિબિરમાં આવા જ સંસ્કાર આપવામાં આવતા હશે ? આવી શિબિરોમાં યુવાન શિબિરાર્થીઓનું કેટલી હદે બ્રેઈનવૉશ કરી નાખવામાં આવે છે તે સમજવા માટે આ ઉદાહરણ પર્યાપ્ત છે. કેન્દ્રિય સમાજ દ્વારા આવા કાર્યક્રમોમાં જોડાવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં આપણાં સમાજનો, ખાસ કરીને યુવાન મહિલાઓ (દીકરીઓ તથા પુત્રવધુઓ) દ્વારા આવી શિબિરમાં હાજર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે તે મુદ્દો ઘણું મનોમંચનમાંગી લે તેમ છે.
છેલ્લાં થોડાંક વર્ષોથી આપણા સમાજમાં ઘણા બધા આધ્યાત્મિક ગુરુઓ અને ગુરુમા ઓ બિલાડીની ટોપની જેમ ફુટી નીકળ્યાં છે. આધ્યાત્મિકતાને મનોરંજન અને વશીકરણનું સાધન બનાવી આવા બની બેઠેલા ગુરુઓએ આપણા ઘર-ઘરની પવિત્રતા ઉપર હુમલો કર્યો છે. સમાજના મધ્યમ અને સુખી સંપન્ન વર્ગની મહિલાઓને આધ્યાત્મિક્તાના નામે ગુમરાહ કરી, જે ગૃહ લક્ષ્મી ઘરને સ્વર્ગ બનાવતી હતી તેમને આત્મા-પરમાત્માની ગુંચવણભરી જાળમાં ફસાવી પોતાના પરિવાર સામે જ ઉભી કરી દેવામાં આવે છે. આ જાળમાં ફસાયેલ અનુયાગીઓ પોતાનાં જ સ્વજનોને અજ્ઞાની ગણવા લાગી જાય છે. પરિવારોમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદો પાછળ પણ આવાં જ પાખંડી પ્રવચનો જવાબદાર છે. ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ કે કુળદેવી મા ઉમિયાને છોડીને, જીવતા-જાગતા માણસની પૂજા કરવી કે આરતી ઉતારવી તેનાથી મોટું પતન શું હોઈ શકે ? સાચો સનાતની ગુરુ તો શિષ્યને શાસ્ત્રો અને પરમાત્માની ઉપાસના તરફ વાળે, નહિ કે પોતાની પૂજા કરાવે.
આવા પાખંડીઓ બહુ જ ચાલાક હોય છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા વેબીનાર અને હાઈટેક શિબિરોની માયાજાળમાં ફસાવી યુવાધનને ગેરમાર્ગે દોરીને તર્કહીન ચમત્કારો, ભભૂતિ કે મંત્રેલા પાણીથી રોગ મટાડવા જેવી અંધશ્રદ્ધા તરફ ધકેલી દેવાય છે. અલગ અલગ ગુરુઓ કે કથાકારો મનઘડીત રીતે પૂજા, પ્રાર્થના, કર્મકાંડ કે ઉપાસનાની અવનવી પદ્ધતિઓ આપે છે, એટલે આપણું મુળભુત અધ્યાત્મ પણ બદલાઈ ગયું છે. જેના કારણે કથાઓ અને સપ્તાહોમાં ભારે ભીડ ઉમટે છે પણ નૈતિકતા અને સંસ્કારો લુપ્ત થતા જાય છે. જે ચિંતાનો વિષય છે.
આજના સુધરેલા જમાનામાં ફેમીલી ડોકટરની જેમ ફેમીલી ગુરુઓ રાખવાની ફેશન થઈ ગઈ છે. ઘણાં પરિવારો તો આને “સ્ટેટસ સિમ્બોલ” ગણે છે. આવા ગુરુઓના અનુયાયીઓમાં પુરુષ વર્ગ ઓછો હોય છેતે પણ હકીકત છે. સામાન્ય રીતે મધ્યમ કે સુખી વર્ગના પરિવારોનો પુરુષવર્ગ બિઝનેશ-ધંધામાં પ્રવૃત્ત હોવાને કારણે મની પાસે આવો સમય હોતો નથી. જ્યારે આવાં પરિવારોમાં ઘરના કામ માટે કામવાળીઓ લેવાને કારણે ઘરની યુવાન મહિલાઓને સંતાન થોડાંક મોટાં થઈ ગયા પછી રસોઈ બનાવવા સિવાય કોઈ જવાબદારી હોતી નથી. બાળકો એમના અભ્યાસમાં લાગેલાં હોય છે, પુરુષવર્ગ બિઝનેશમાં પ્રવૃત્ત હોય અને ઘરનાં વડીલોને ગણકારવાનો રિવાજ હવે થોડો-થોડો ઘટતો જાય છે, એટલે સામાન્ય રીતે સ્ત્રીઓ માટે ઘરે સમય જ સમય હોય છે. એટલે ક્યાંક સોશ્યલ મીડીયા, ફેસબુક કે ઈન્સ્ટામાં જોડાઈ આખો દિવસ મોબાઈલમાં લાગ્યાં રહે છે. અથવા તો કોઈ સામાજિક કે કૌટુંબિક કાર્યક્રમ દરમ્યાન બીજી મહિલાઓના સંપર્કમાં આવી ધીરે ધીરે આવી કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જાણે-અજારવે જોડાઈ જાય છે. એકવાર આવી પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય એટલે અત્યારના પ્રોફેશનલ ગુરુ કે ગુરુમાઓ હળવેકથી મનમાં એવું ઠસાવી દે છે કે તેમના દ્વારા આપવામાં આવતું જ્ઞાન જ સાચું છે અને આ જ સાચી આધ્યાત્મિકતા છે. મહિલાઓના વિચારો ધીમે ધીમે બદલાતા જાય છે. ધીરે ધીરે કુટુંબ પરિવાર, સ્વજનો અને સગાં-વ્હાલાં તેની સાધનામાં નડતરરૂપ લાગવા માંડે છે... એટલે આવી બહેનો શિબિરો ભરી-ભરીને સ્નેહીજનોથી દૂર થતી જાય છે... સંબંધ કાપતી જાય છે. એનામાં એટલી ગુરુતાગ્રંથિ આવી જાય છે કે તેનાં સ્વજનો તેને તુચ્છ લાગવા માંડે છે. પોતાના પતિ કે વડીલોને પગે ન લાગનાર સ્ત્રીઓ ગુરુઓને પગે લાગવા પડાપડી કરે છે. તેને આધ્યાત્મિક ગુરુ સિવાય કોઈ દેખાતું જ નથી. આવી સ્ત્રીઓ આધ્યાત્મિકતા માર્ગથી દૂર હટીને વ્યક્તિ પૂજાના માર્ગે ખેંચાઈ જાય છે. ભગવાનના બદલે ગુરુના નામનું રટણ અને તેની પૂજા તેની પ્રવૃત્તિ બની જાય છે. પરિણામે ઘરનાં બાળકો, પતિ કે વૃદ્ધ સસરાની ચિંતા કર્યા વગર, કોઈની પરવાનગીની પરવા કર્યા વિના,ઉંચા ચાર્જ ભરીને શિબિરો એટેન્ડ કરવાની આદત પડી જાય છે. ઘરના વડીલો કે પતિ દ્વારા ક્યાંક રોકવામાં આવે તો ગુરુ દ્વારા આપવામાં આવેલ પોપટીયા જ્ઞાન દ્વારા આત્માના કલ્યાણની નિરર્થંક દલીલો કરવામાં આવે છે. કહેવત છે ને “અધુરો ઘડો વધારે છલકાય".
ધીમે ધીમે પરિવારો તુટતાં જાય છે. પતિ-પત્ની વચ્ચે મતભેદ વધતા જાય છે. બાળકોનું ઘડતર કોણ કરશે તે પ્રશ્ન ચિહ્ન બની જાય છે. ઘરના વડીલોને નિઃસહાય બની મૂક પ્રેક્ષક બન્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
આવી સ્ત્રીઓએ સમજવાની જરૂર છે કે અધ્યાત્મ કે જ્ઞાન મેળવવા ક્યાંય ભટકવાની જરૂર નથી. એક ગૃહિશી તરીકેના ફરજ પાલનની સાથે સાથે ઘેર બેઠાં શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેની પૂજા-અર્ચના જ પર્યાપ્ત છે. ઘેર રહીને આપણા ધાર્મિક ગ્રંથો અને ભક્ત કવિઓ દ્વારા રચાયેલાં પ્રાર્થના-ભજનો જ અધ્યાત્મનો સાચો માર્ગ છે. શિષ્ટ વાંચન દરેક વ્યક્તિને જીવન જીવવાનું માર્ગદર્શન આપતું જ રહે છે. એક હકીકત છે કે “જેને ઘરમાં શાંતિ નથી મળતી તેને દુનિયાના કોઈ ખૂણે શાંતિ નહિ જ મળે".
સાથે સાથે આવા પાખંડી ગુરુઓના રવાડે ચઢવાનોભયસ્થાનોનો પણ વિચાર કરવો જરૂરી છે. છાશવારે ન્યુઝ પેપરોમાં પાખંડી ગુરુઓનાં કારસ્તાનોના સમાચાર આવતા જ હોય છે. જો આપણે તેમાંથી પણ કોઈ બોધપાઠ નહિ લઈએ તો આપણા જેવા કોઈ મુર્ખ નથી. કોઈ કાયદો કે રિવાજો કોઈને પતનના માર્ગે જતા રોકી શકતા નથી, આપણે જ સમજપૂર્વક કોઈના દોરવાયા વિના શુદ્ધ-સાત્વિક સનાતની માર્ગની પસંદગી કરવી જોઈએ. એમાં જ સૌનું કલ્યાણ છે.
અને છેલ્લે... પ્રસિદ્ધ લેખક અને વિચારક શ્રી ગુણવંત શાહનું એક વાક્ય મહિલાઓએ ખાસ ગાંઠે બાંધવા જેવું છે...
"આશ્રમના અજવાળાં કરતાં ગામડાના ફળીયાનું અંધારું સ્ત્રીઓ માટે વધારે સલામત છે"
વ્હાલાં વાચક ભાઈ-બહેનો,
અમે તો સમાજના જાગૃત પ્રહરી તરીકે આપ સૌનું દયાન દોરીને અમારો અખબારી ધર્મ અદા કરીએ છીએ, પણ રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્રિય મહિલા સંઘ, દરેક ઝોનની મહિલા પાંખ અને ગામે ગામ આવેલાં મહિલા મંડળોએ આવા મુદ્દા હાથમાં લેવા જોઈએ. અન્યથા નારી શક્તિ માટે રચાયેલાં આવાં સંગઠનોની જરૂર જ જણાતી નથી.