તંત્રીલેખ / સમાજમાં સગપણ સમસ્યાનું મુખ્ય કારણ દિકરીઓની અછત નથી પરંતુ નબળી અને સંકુચિત માનસિકતા છે


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

આપણા જ્ઞાતિ/સમાજમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે સગપણની સમસ્યાનું મુખ્ય કારણ છોકરા-છોકરીની સંખ્યામાં રહેલી અસમાનતા છે. ત્રણ-ચાર દાયકા પહેલાં દિકરીઓની છત હોવાને કારણે ઉભી થયેલ પરિસ્થિતિનાં ફળ સ્વરૂપે દિકરીને ભારરૂપ કે બોજ સમજીને ઘણી પાટીદાર સમાજોમાં દિકરીના જન્મને કોઈપણ પદ્ધતિથી અટકાવવા, જે અમાનવીય પ્રયત્નો થયા તેના પરિણામે દિકરા-દિકરીના પ્રમાણમાં જે અસમાનતા ઉભી થઈ તેનાં માઠાં પરિણામ આ સમાજો હાલમાં ભોગવી રહી છે. દિકરીને બોજ નહિ પરંતુ ભગવાનના આશીર્વાદ સમજતા આપણા સંસ્કારી અને ધાર્મિક સમાજમાં આવા કોઈ ખાસ અકુદરતી પ્રયત્નો ન થયા તેનાં ફળ સ્વરૂપે આપણી સમાજમાં આ તફાવત નહિવત છે. આ ઉપરાંત સગપણ કે લગ્ન માટે લાયક ઉંમર પ્રમાણે યુવક કરતાં યુવતીની ઉંમર સામાન્ય રીતે બે-ત્રણ વર્ષ નાની હોય છે. એટલે આ બે-ત્રણ વર્ષ નાની ઉંમરની દિકરીઓની સંખ્યા ઉમેરાતાં દિકરા-દિકરીની સંખ્યા લગભગ સમાન થઈ જાય છે. એટલે દિકરીઓની અછત છે તેથી કન્યા નથી મળતી એ વાતમાં કોઈ તથ્ય નથી. પરંતુ, વર્તમાન સગપણ સમસ્યા માટે નબળી અને સંકુચિત માનસિકતા જવાબદાર છે. દિકરી માટે યોગ્ય પાત્ર તરીકે અભ્યાસ અને પરિવારનું ખાનદાન જોવાને બદલે બીજાં પાસાંઓને બિનજરૂરી રીતે વધુ મહત્વ આપવાને કારણે

આ સમસ્યા વધુને વધુ વિકટ બનતી જાય છે. સોશીયલ મીડીયા અને ટી.વી.માં પ્રસારિત થતી સામાજિક સીરીયલોની ટી.આર.પી. વધારવા માટે કૌટુંબિક પરંપરાઓ કે લાગણીઓને કોરાણે મુકીને, વિકૃત માનસિકતા ધરાવતી થીમ આધારિત રજૂ કરાતા પ્રસંગો કે વિચારો અને સામાજિક મેળાવડામાં અપક્ચરા જ્ઞાન ધરાવતી મહિલા સુધારકો દ્વારા સ્ત્રી સમાનતા અને સ્ત્રી સશક્તિકરણના નામે થતાં વિકૃત પ્રવચનોને કારણે દિકરીઓ પોતાની સ્ત્રી સહજ લજ્જા-ઋજુતા કે લાગણીઓ ગુમાવતી જાય છે. અને,

પુરૂષ સમોવડી બનવાના સ્વપ્નામાં પોતાનું સ્ત્રીત્વ ધીરે ધીરે ગુમાવતી જાય છે. આ બદલાયેલી વિચારસરણીની આડ અસર સગપણ સમયે પાત્રની પસંદગીમાં દેખાઈ આવે છે. શહેરમાં વસતાં મા-બાપ દિકરીને ગામડાં કે નાના શહેરમાં આપવા તૈયાર નથી... કચ્છમાં વસતા મા-બાપ દિકરીને કચ્છ બહાર આપવા તૈયાર છે પરંતુ કચ્છના કોઈ ગામમાંથી વાત આવે તો ધરાર ના પાડી દે છે. આ મા-બાપ એવું નથી વિચારતાં કે જેમ તમે કચ્છના ગામમાં દિકરી આપવાની ના પાડો છો તેમ દરેક મા-બાપ વિચારશે તો તમારા દિકરાને વહુ કયાંથી મળશે ? શહેરની મોટી સમાજોમાં મા-બાપ દિકરીને નાના શહેર કે ટાઉનમાં સારો બિઝનેશ ધરાવતા અને સુખ-ચેનથી જીવન જીવતાં પરિવારોમાં પણ દિકરી પરણાવવા તૈયાર નથી થતાં. મોટા શહેરમાં બે-રૂમ રસોડાવાળાં મકાનમાં અનેક તકલીફો સાથે જીવન ગુજારતાં. પરિવાર કરતાં આવાં પરિવારો વધુ સુખી સંપન્ન હોય છે છતાં શહેરની ઝાકમઝોળ છોડવા દિકરી તૈયાર નથી થતી. એટલે ફક્ત સગપણ સમસ્યાના કારણે કચ્છ કે કંપાના કુદરતી વાતાવરણમાં સુખથી જીવતા કે નાના-મધ્યમ શહેરમાં સારો. બિઝનેશ અને વર્ચસ્વ ધરાવતાં પરિવારો લાચારીવશ શહેરમાં વસવા પ્રેરાય છે એ વરવી વાસ્તવિકતા છે, તેનો સ્વીકાર કરવો જ રહ્યો.

સગપણમાં આર્થિક પાસાંને પણ જરૂરિયાત કરતાં વધારે પડતું મહત્વ અપાવાને કારણે ગરીબ-મધ્યમ વર્ગના સંસ્કારી પરિવારોને દિકરાનું સગપણ જીવન-મરણનો પ્રશ્ન બની જાય છે. ના છુટકે આ પરિવારોને કોઈ માધ્યમ દ્વારા એમ.પી. કે યુ.પી.ની દિકરીઓ માટે લાચારીવશ પ્રયત્નો કરવા પડે છે, જે આપણા સમાજની કરૂણતા છે.

સમાજમાં શિક્ષણના વધતા જતા પ્રમાણને કારણે પણ સગપણ સમસ્યા વિકટ બની રહી છે. આપણો સમાજ બિઝનેશ-માઈન્ડેડ હોવાને કારણે સામાન્ય રીતે યુવાનો ગ્રેજ્યુએશનના અભ્યાસની સાથોસાથ પરિવારના વેપાર ઉદ્યોગમાં રસ લેતા હોય છે. એટલે જેવું ગ્રેજ્યુએશન પુરું થાય કે ફુલટાઈમ બિઝનેશમાં લાગી જાય છે. એટલે પરિવાર દ્વારા તેના સગપણ માટે પ્રયત્નો ચાલુ થઈ જાય છે. બીજી તરફ હાલમાં આપણા સમાજમાં દિકરીઓને વધુને વધુ ભણાવવાનો ક્રેઝ વધવાને કારણે દિકરી ગ્રેજ્યુએટ થઈ રહી હોય ત્યારે પણ યોગ્ય પરિવારના લાયક મુરતિયા માટે સગપણ માટે વાત આવે ત્યારે “હજુ અમારી દીકરી નાની છે... હજી ભણવાનું ચાલુ છે” જેવા જવાબો આપી સગપણની વાત ટાળવામાં આવે છે. ઘણી માતાઓ “આખી જિંદગી સાસરે જઈને ઢસરડો જ કરવાનો છે.. જેટલી મોડી પરણાવીએ એટલો મોડો ભાર દિકરી ઉપર પડે” જેવી અધુરી સમજ સાથે સગપણની વાત ઠેલતી જાય છે અને આમને આમ દિકરીઓની ઉંમર વધતી જાય છે...

આમ પણ આપણા સમાજમાં ડોકટર, સીએ., એન્જીનિયર કે માસ્ટર ડિગ્રીવાળા ઉચ્ચ શિક્ષિત યુવાનોની સંખ્યા ઓછી છે અને સાથે એક હકિકત એ પણ છે કે આવા ઉચ્ચ શિક્ષિત યુવાનો કોઈ સંસ્કારી, સુખી સંપન્ન પરિવારની સામાન્ય ગ્રેજ્યુએટ કે એનાથી પણ ઓછી ભણેલ યુવતી માટે વાત આવે ત્યારે અભ્યાસ અંગે બાંધછોડ કરીને પણ સગપણ માટે તૈયાર થઈ જાય છે. પરંતુ તેનાથી વિપરિત ઉચ્ચ શિક્ષિત કે પ્રોફેશનલ કોર્સ કરેલ દિકરી તેના કરતાં ઓછા શિક્ષિત યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાવા સામાન્ય રીતે તૈયાર થતી નથી એ વરવી વાસ્તવિકતા છે. એક તો ઉચ્ચ અભ્યાસ કરવામાં ઉંમર વધી ગઈ હોય એટલે તેની ઉંમર અને ડિગ્રીને અનુરૂપ યોગ્ય મુરતિયો સમાજમાંથી મળવો અતિ મુશ્કેલ બની જાય છે. એક બાજુ સમાજમાં ૨૫-૨૭ વર્ષની ઉંમરવાળી શિક્ષિત દિકરીઓ મોટી સંખ્યામાં બાકી રહી જાય છે અને બીજી તરફ સામાન્ય મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોના દિકરાઓ મોટી સંખ્યામાં સગપણમાં બાકી રહી

ઘણાં મા-બાપો પોતાની ઉચ્ચ શિક્ષિત દિકરીને લાયક સમાજમાંથી યોગ્ય મુરતિયો મળતો નથી તેવાં બહાનાં હેઠળ અન્ય જ્ઞાતિમાં દિકરીને પરણાવવા તૈયાર થઈ જાય છે, એ ખરેખર દુ:ખદ બાબત છે. આવી દિકરી અને તેનાં મા-બાપોએ વિચારસરણી બદલાવાની જરૂર છે. ફક્ત યુનિવર્સિટીઓ દ્વારા અપાતા પ્રમાણપત્ર જ ડિગ્રી છે ? એક વિશાળ આંતર રાજ્ય કે આંતરરાષ્ટ્રીય લેવલે સફળ બિઝનેશ સંભાળતો કે પચાસ કે સો જેટલાં માણસોને રોજી-રોટી આપતી ઈન્ડસ્ટ્રીઝનું સફળ સંચાલન કરતો યુવાન ગ્રેજ્યુએટ હોય કે ન હોય તેમાં શું ફરક પડે ? વ્યક્તિની લાયકાત શું ફક્ત યુનિવર્સિટીઓ દ્વારા અપાતા કાગળના ટુકડાના પ્રમાણપત્રથી નક્કી થાય છે ? ભુતકાળમાં આપણા સમાજમાં યુવાનોની સરખામણીમાં યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ સાવ નહિવત હતું ત્યારે ડોકટર જેવા ડિગ્રીધારી યુવાનોએ અભણ કે નહિવત અભ્યાસ ધરાવતાં પાત્રો સાથે કોઈપણ જાતના ખચકાટ વિના લગ્નગ્રંથિથી જોડાઈને સમગ્ર જીવન સમજણપૂર્વક સુખમય પસાર કર્યાના ઘણા ઉદાહરણમાંથી પ્રેરણા લઈને આજની શિક્ષિત યુવતીઓએ અને તેના માતા-પિતાએ સગપણ માટેના માપદંડ બદલવાની જરૂર છે.

અંતે, એક સમય એવો હતો કે દિકરીના સગપણ માટે મોટાં સંયુક્ત કુટુંબનો આગ્રહ રાખતા. હવે સમય બદલાઈ ગયો છે. હાલમાં દિકરીના સગપણની વાત ચાલતી હોય ત્યારે દિકરી અને માતા દ્વારા સગપણમાં મધ્યસ્થી કરનાર સંબંધી પાસે મુરતિયાને કેટલા ભાઈ છે અને ઘરમાં કેટલા વડીલો છે એની માહિતી અચૂકપણે પુછાતી હોય છે... પરંતુ... પુછવાનો સંદર્ભ બદલાઈ ગયો છે. જો કે આ તબક્કે આપણે એ પણ વિચારવું જોઈએ કે આજે આપણે આપણી દિકરી માટે જે પ્રશ્ન પૂછી રહ્યાં છીએ તે આવતી કાલે આપણા દિકરાના સગપણ માટે પણ સામા પક્ષવાળાં આવો જ પ્રશ્ન પૂછશે ત્યારે...

ખેર... છોડો... આ તો થઈ સમાજની ઘરે ઘરે વ્યાપી ગયેલી માનસિક્તાની વાત, પરંતુ આપણી ગૌરવશાળી સમાજની રાષ્ટ્રીય કક્ષાની કારોબારીમાં સમાજનું હિત વિચારનારા ૩૦૦+ હોદ્દેદારો છે. અવાર-નવાર સમારંભોમાં તેના ટોચના નેતાઓ માન-સન્માન સ્વીકારતા દૃશ્યમાન થાય છે પરંતુ આ સન્માનનીય અને ઉચ્ચ હોદ્દો શોભાવતા વડીલો એ ત્રણ-ત્રણ વર્ષના તેમના કાર્યકાળના ૧૦૯૫ દિવસો પૈકી ક્યારેય, સમાજમાં ઘરે-ઘરે સ્પર્શતી આ સમસ્યા વિશે જાહેરમાં ચિંતન / મંથન / ચર્ચા કરી હોય તેવું તમે ક્યાંય જોયું / સાંભળ્યું છે ? જો હા તો જણાવજો તો આનંદ થશે.

અને હવે, થોડુંક અમારા વિશે...

“પાટીદાર સંદેશ” પિસ્તાલીસ વર્ષ પૂર્ણ કરી છેતાલીસમા વર્ષનું પ્રથમ પુષ્પ આપના હાથમાં મુકવા જઈ રહ્યું છે ત્યારે...

સંસ્થાની શરૂઆતમાં આ મુખપત્રનું લવાજમ માત્ર ૧૦૦/-રૂપિયા હતું, જે હાલમાં રૂા. ૧,૦૦૦/- છે. મુખપત્રના કુલ ૨૩,૩૨૫+ આજીવન ગ્રાહકોને દર માસે નિયમિત રીતે અંક મોક્લવામાં આવે છે. દર મહિને પ્રસિદ્ધ થતા એક અંક્ની પોસ્ટીંગ ખર્ચ સાથેની પડતર અંદાજિત રૂા. ૩૦/- જેટલી થાય છે. છતાં સમાજના શુભેચ્છકો અને જાહેરાત દાતાઓના અવિરત સહયોગથી આ મિશન છેલ્લાં ૪૫ વર્ષથી અવિરત ચાલે છે, તેના આપ સૌ સાક્ષી રહ્યાં છો.

ગત વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં ૫૫૩ નાની-મોટી જાહેરાત અને ૧૬૩ જેટલી શ્રદ્ધાંજલિ એમ કુલ મળીને ૭૧૬ આઈટમ છાપવા માટે સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા આપ સૌ સમાજ્જનો

પાસેથી, આ મુખપત્રમાં છાપવા માટે મળતાં સંસ્થાને કુલ ૯૦.૧૩ લાખની આવક થવા પામી છે.

તેમાં નોંધપાત્ર બાબત એ પણ છે કે વર્ષ દરમ્યાન જે નાની-મોટી ૭૧૬ આઈટમ જાહેરાત-શ્રદ્ધાંજલિ સ્વરૂપે મળી તે તમામનાં પેમેન્ટ પણ મળી ગયાં છે. એક પણ જાહેરાત /શ્રધ્ધાંજલિનું પેમેન્ટ બાકી નથી તો, વર્ષ દરમ્યાન કોઈપણ માંડવાળ કરવાનો તો સવાલ જ ઉભો થયો નથી. સતત ૪૫મા વર્ષે પણ આ સંચાલક સંસ્થાના સભ્યોની ચોકસાઈ, નિષ્ઠા અને જાગૃતતાને કારણે આ શક્ય બનેલ છે. તો તમામ જાહેરાત દાતાઓ અને શ્રદ્ધાંજલિ મોકલનાર સ્વજનોનો આ મુખપત્રનાં આર્થિક પાસાંને મજબુત કરવામાં નિરંતર ફાળો મળતો રહ્યો છે. તે સૌ અભિનંદનના અધિકારી છે. આગામી વર્ષોમાં પણ આવો જ સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા છે.

હાલના તબક્કે બસ આટલું જ, ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાની કૃપા નિરંતર આપણા સૌ ઉપર વરસતી રહે એ જ પ્રાર્થાના.

સમાજ દ્વારા ઘડવામાં આવેલ નીતિ-નિયમોનું પાલન, સૌ પ્રથમ ટોચના હોદ્દેદારોથી થાય તો જ તે સામાન્ય જનો માટે અનુકરણીય અને પ્રેરણાદાયી બની રહેશે.