તંત્રીલેખ / સમાજ દ્વારા ઘડવામાં આવેલ નીતિ-નિયમોનું પાલન, સૌ પ્રથમ ટોચના હોદ્દેદારોથી થાય તો જ તે સામાન્ય જનો માટે અનુકરણીય અને પ્રેરણાદાયી બની રહેશે.


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

પશ્ચિમ કચ્છ ઝોન સમાજ, ઝોન મહિલા મંડળ અને યુવાસંઘ કચ્છ રીજીયનના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવેલ પત્રમાં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના રીતિ-નીતિ અંતર્ગત ઠરાવ નં. ૨૨નું ચુસ્તપણે પાલન કરવા સમાજનોને અપીલ કરવામાં આવી છે. ઠરાવ નં. ૨૨ અનુસાર ધામિક કે સામાજિક પ્રસંગો જેવા કે પરિવાર મિલન, સમૂહ લગ્ન, નાના મોટા પહેવારો, ધાર્મિક સંસ્થાઓ આયોજિત ઉત્સવો, સામાજિક કે ધાર્મિક મેળાવડાઓ, રમતગમત વિગેરેનાં આયોજનો કે કાર્યક્રમો સતપંથને માનતા લોકો સાથે કરવાનાં રહેશે નહિ. તેમાં જ્ઞાતિજનોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈને સહકાર આપવો કે ભાગ લેવાનો રહેશે નહિ, સતપંથ સમાજના લોકોની આગેવાનીમાં સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો કે સહયોગ આપવાનો રહેશે નહિ તેમજ આપણા સામાજિક કાર્યક્રમોમાં સતપંથ સમાજના લોકોને આમંત્રિત કરવાના રહેશે નહિ. આ ઠરાવના મુદ્દાઓની સાથે આ પત્ર દ્વારા સૌ સમાજ જનોને જાગૃત કરવામાં આવ્યા છે કે અમુક પ્રતિબંધિત ગૃપો દ્વારા ભેળસેળ કરવાની મેલી મુરાદથી અનેક કાર્યક્રમોનાં આયોજન થઈ રહ્યાં છે, જેવા કે કથા, રમતગમતના કાર્યક્રમો, જેમાં ભેળસેળવાળાં આયોજન કરી સનાતન સમાજને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. એટલે સૌએ સાવધાન રહેવાનું છે. આનો અર્થ એવો થાય છે કે કયાંકને કયાંક ઠરાવોનું ઉલ્લંઘન થાય છે એટલે આ પરિપત્ર બહાર પાડવો પડયો છે. આવો જ પરિપત્ર તા. ૨૭-૨-૨૦૨૬ના રોજ કેન્દ્રિય સમાજના અમદાવાદ ઝોનની ત્રણેય પાંખો દ્વારા તથા કેન્દ્રીય યુવા સંઘ દ્વારા પણ અલાયદા રીતે જ્ઞાતિજનો જોગ બહાર પાડવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે કે દેશભરમાં ઘણી જગ્યાએ આ ઠરાવોનું ઉલ્લઘન થતું હશે અને એટલે જ આ સંસ્થાઓ દ્વારા જ્ઞાતિજનોને ઠરાવોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.

એવી જ રીતે તા. ૫-૧-૨૦૨૬ના રોજ હિમંતનગર ખાતે યોજાયેલ કેન્દ્રિય સમાજની કારોબારી સભામાં લક્ષ્મીપર (નેત્રા) સમાજ દ્વારા દક્ષિણ ભારત ઝોન સમાજને લખવામાં આવેલ પત્રના અનુસંધાને દક્ષિણ ભારત ઝોન સમાજની નીતિ-રીતિ સામે કારોબારી સભ્યોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને હવે પછી કોઈ પણ ઝોન કે ઝોનના જ્વાબદાર હોદ્દેદારોની આવી નબળી નીતિ ન ચલાવી લેવા હોદ્દેદારોને અનુરોધ કર્યો હતો અને પ્રસ્તુત પત્ર પર આકરાં પગલાં લેવા હોદ્દેદારોને કારોબારી સભ્યોએ છુટો દોર આપ્યો હતો.

સમાજ દ્વારા નીતિનિયમો તો બનાવવામાં આવ્યા છે, અગાઉ અને ગત અધિવેશનમાં પણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સમાજમાં સંપ, શિસ્ત અને એકસુત્રતા જળવાઈ રહે અને આ નિયમોના પાલન થકી સભ્યો અને સમાજનો વિકાસ થાય. પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે નિયમોનું યથાયોગ્ય પાલન થાય. ક્યાંક એવું બને છે કે છેવાડાનાં ગામ કે અલિપ્ત સમાજનો કોઈ સભ્ય અજાણતામાં આવા ઠરાવનું ઉલ્લંઘન કરે તો તે માફી પાત્ર છે. કારણ કે કોઈ સામાન્ય સમાજ્જનના આ કૃત્યથી કોઈ મોટું આભ તુટી જતું નથી. પરંતુ મુળ મુદ્દો છે જ્યારે સમાજનાં ત્રિ-સ્તરીય માળખાંનો કોઈ ઉચ્ચ હોદ્દેદાર નિયમોની જાણકારી હોવા છતાં સરેઆમ આ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે કેમ કોઈ બોલતું નથી ? કે તેમની સામે કોઈ પગલાં કેમ લેવાતાં નથી એ આશ્ચર્ય છે.

ધાર્મિક કે સામાજિક મેળાવડામાં પ્રતિબંધિત ગૃપના નેતાઓ સાથે મંચ ઉપર સ્થાન લેવું કે ફોટા પડાવવાં એ હવે સામાન્ય બની ગયું છે. છતાં કેન્દ્રિય હોદ્દેદારો કેમ મૌન રહે છે એજ સમજાતું નથી. શું સામાન્ય સમાજ્જનોને ખુશ કરવા કે વાહ વાહી મેળવવા કે અમે અમારા સમયગાળામાં કડક નિયમો કે કાયદા બનાવ્યા એવું પુરવાર કરવા જ આવા નિયમો બનાવવામાં આવે છે ? શું આવા નિયમો ઘડવાથી જ બધું સુધરી જશે ? છેક ટોચના હોદ્દેદારોથી આનું અમલીકરણ થશે તો અને તો જ સુધારા આવશે એ હકીક્ત સ્વીકારવાની જરૂર છે. કેન્દ્રિય સમાજના, Whatsapp ગૃપમાં માત્ર થોડાક જ સમાજપ્રેમીઓ જીવ બાળે છે... પણ ટોચના કોઈ પણ હોદ્દેદાર એમાં પ્રતિભાવ આપવાથી પણ દૂર રહે છે તે યોગ્ય નથી. કેન્દ્રિય કે ઝોનના હોદ્દેદારોએ આવા પ્રતિબંધિત ગૃપના આગેવાનો સાથે પ્રયત્નપૂર્વક અંતર રાખવાની જરૂર છે તો જ સામાન્ય જન પણ તેનું અનુકરણ ચોક્કસ કરશે.

એક હકીકત છે કે કોઈપણ સમાજ જ્યારે કોઈ નીતિ નિયમો ઘડે છે ત્યારે સમાજનો સામાન્ય જન તેનો પૂરી વફાદારીપૂર્વક પાલન કરે છે. જેના કારણે તેમના લગ્ન પ્રસંગ કે મામેરાં પ્રસંગ પણ બગડયાના દાખલા બન્યા છે. કારણ કે યુદ્ધમાં હંમેશાં સરહદ પર લડતા નિર્દોષ સૈનિકોની જ ખુવારી થાય છે એ કડવું સત્ય છે.

સર્વોદય નેતા શ્રી જયપ્રકાશ નારાયણનું એક પ્રખ્યાત વાક્ય છે... “ક્રાંતિ જન આંદોલનથી થાય છે, નહિ કે કાયદા બનાવવાથી”. એવું લાગી રહ્યું છે કે આપણા સામાજિક નેતાઓ આપણા આ સામાજિક પ્રશ્નને જન આંદોલનમાં ફેરવવામાં ક્યાંક નિષ્ફળ ગયા છે કે ઉણા ઉતર્યા છે. એટલે ફક્ત નિયમો બનાવી સંતોષ માન્યો છે. સમાજનો કે નેતાઓમાં આ નિયમોનું સ્વયંભૂ ચુસ્તપણે પાલન કદાચ એટલે નથી થતું કે આવા નિયમો બનાવવામાં ફક્ત અમુક ચોક્કસ વર્ગને જ રસ હોય અને તેમના વર્ચસ્વથી કાયદેસરતા તપાસ્યા વિના આવા નિયમો ઘડવામાં આવ્યા હોય છે. જે હોય તે પરંતુ ચુસ્તતા સાથે અમલ કરવામાં આવશે તો જ સફળતા મળશે એ હકીકત છે.

સાથે સાથે એક બીજાં પાસા ઉપર નજર નાખવી પણ જરૂરી છે. ભારતભરની વૈદિક સમાજ રચનાનું આદ્યઘટક જાતિ છે, વ્યક્તિ નહિ. જાતિ એટલે આનુવંશિક (નૈસર્ગિક) ગુણો પર આધારિત સમૂહ. સમાજ રચનાનો મૂળ ઘટક વ્યક્તિ નથી પરંતુ ચોક્કસ સમૂહ હોવાને કારણે આવા સમાજોમાં વ્યક્તિગત પસંદગીને કોઈ સ્થાન કે મહત્વ હોતું નથી. સંભવ છે કે વ્યક્તિગત પસંદગીવાળા મર્યાદિત સંખ્યાવાળા સભ્યોએ વિશાળ વર્ગ માટે પોતાની પસંદગીનો વિચાર છોડી દેવો પણ પડે... પોતાના હક્કનો ભોગ આપવો જ પડે છે. ભલે તે સમાજ પ્રાચીન હોય કે અર્વાચીન, અમેરિકાનો હોય કે ભારતનો. બહુજન સમાજના હિત માટે આવા અલ્પસંખ્યક સભ્યોએ એક યા બીજી રીતે સહન કરવું પડે છે તો અને તો જ સમાજ વ્યવસ્થા સ્થાયી રીતે ટકી રહે છે.

ટુંકમાં સમાજના નીતિ નિયમોનું પાલન થાય તે સૌ કોઈ ઈચ્છે છે અમે પણ. પરંતુ આપણી રાષ્ટ્ર વ્યાપી સમાજમાં Ground લેવલે પરિસ્થિતિ ક્યાંક કયાંક વિપરીત દેખાઈ રહી છે. ઉપર જણાવ્યું તેમ થોડાક મિત્રો સમાજ માટે જીવ બાળે છે પણ જ્યાં સુધી 'ટોચના' હોદ્દેદારોના આખા સમૂહની 'ઈચ્છા શક્તિ' અને તેમના દ્વારા અનુકરણ નહીં જોવા મળે ત્યાં સુધી આમ જ ચાલ્યા કરવાનું...

પરમ કૃપાળુ સૌને સદ્દબુદ્ધિ આપે એજ અભ્યર્થના.

સમાજ દ્વારા ઘડવામાં આવેલ નીતિ-નિયમોનું પાલન, સૌ પ્રથમ ટોચના હોદ્દેદારોથી થાય તો જ તે સામાન્ય જનો માટે અનુકરણીય અને પ્રેરણાદાયી બની રહેશે.