વ્હાલાં વાચક ભાઈ-બહેનો,
હાલમાં લગ્નની સિઝન પુરબહારમાં ચાલી રહી છે. એક બાજુ વૈભવી લગ્નો, જેમાં... સોશીયલ મીડીયા કે અન્ય કોઈની નક્લ કરીને કે દેખાદેખીમાં... પધારનાર મહેમાનોની અનુકુળતા હોય કે ના હોય તેની પરવા કર્યા વિના... નવા-નવા પ્રસંગો ઉમેરી ઉમેરીને... દરરોજ એક-એક પ્રસંગ ઉજ્વતા રહીને લગ્ન-પ્રસંગને ત્રણ-ચાર કે પાંચ દિવસના લાંબા બનાવીને... લાખો-કરોડો રૂપિયા ખર્ચીને પ્રસંગ ઉજવતા પરિવારોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. હવે તો ઈવેન્ટ મેનેજમેન્ટના પ્રોફેશનલ માણસોની સુચના પ્રમાણે... એ કહે તે પ્રમાણે આપણે હસવાનું... હાવ-ભાવ કરવાના... તેઓ કહે ત્યાં અને તે રીતે આપણે અને આપણાં મહેમાનોને બેસવાનું... ચાલવાનું વિગેરે વિગેરે.. ફક્ત પેમેન્ટ જ આપણે કરવાનું. આપણે ક્યાં જઈ રહ્યાં છીએ એ જ સમજાતું નથી ?
બીજી તરફ આવા માહોલની વચ્ચે પણ... ભવ્યતા કે વૈભવથી સ્હેજ પણ ચલિત થયા વિના... વસંત પંચમીના રોજ ભારતભરની ૧૩ સમાજો દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ૧૦૯ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં એટલે કે ૨૧૮ કુટુંબોએ તેમનાં સંતાનોને સાદગીથી... સમાજની છાયા નીચે પરણાવીને અનોખો રાહ ચીંધ્યો છે... લાખો રૂપિયાનો બિન-જરૂરી ખર્ચ અને માનવ કલાકોની બચત કરી છે. એ પરિવારોને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે તેમ છે.
એકી સાથે બે પ્રવાહ સમાજમાં સમાંતર રીતે વહી રહ્યા છે... લોકશાહીમાં દરેક માતા-પિતાને પોતાનાં સંતાનોને પોતાની રીતે પરણાવવાનો સંપૂર્ણ અધિકાર છે. સામાજિક ધારા-ધોરણો કે કાયાદા બનાવી વૈભવી કે ખર્ચાળ લગ્નો અટકાવવાના પ્રયત્નો આ મુક્ત અને આધુનિક યુગમાં સફળ થાય કે વિવાદરૂપ બને એ પણ પ્રશ્નાર્થ છે. હા, કોઈપણ સમાજ સામાજિક મૂલ્યો અને ગરિમાને અનુરૂપ જ પ્રસંગો ઉજવાય તેવી આચાર-સંહિતા ઘડી સમાજના સભ્યો તેને અનુસરે એવો આગ્રહ ચોક્કસ રાખી શકે છે. ભગવાને આપ્યું છે તો વાપરે છે એમાં કોઈને વાંધો ન હોઈ શકે... કોઈએ વાંધો લેવો પણ ન જોઈએ કે ટીકા પણ ન કરવી જોઈએ. મુકેશ અંબાણી પરિવાર પોતાના દિકરા અનંતના લગ્નમાં કરોડો રૂપિયા વાપરે તેના ઉપર કોમેન્ટ કરવાની જરૂર નથી. કારણ કે માહિતી પ્રમાણે આ પરિવારે પોતાની વાર્ષિક કમાણીનો એક નાનકડો હિસ્સો જ લગ્નમાં ખર્ચો હતો. પરિવારનો દિકરો પરણતો હોય ત્યારે સામાન્ય પરિવારમાં જે ઉત્સાહ-ઉમંગ હોય તેમ દુનિયાનું સૌથી ધનાઢ્ય કુટુંબ હોવા છતાં ગરિમાપૂર્ણ વસ્ત્ર-પરિધાન અને સંસ્કારીતાનાં બધાં જ મૂલ્યો સાચવીને દરેક પ્રસંગો કે સ્ટેજ પરર્ફોમન્સ દ્વારા આનંદની અભિવ્યક્તિ કરનાર પરિવાર તરફ સન્માનીય લાગણી થવાના બદલે તેમણે બિન-જરૂરી કરોડો ખર્ચી નાખ્યા એવી ટીકા કરનારને તેમની નેગેટીવ મનોવૃતિમાંથી બહાર નીકળવાની જરૂર છે. કોઈને પણ મૂલવવાની આપણી દ્રષ્ટિમાં જ ક્યાંક ખામી છે એમ સમજીને બદલવાની જરૂર છે.
સામાન્ય રીતે આપણી સમાજમાં પણ આવું જ બને છે. પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવાની આર્થિક સ્થિતિ ધરાવતાં કુટુંબો વૈભવી લગ્નો કરે ત્યારે તેના ઉપર ટીકા કરવાને બદલે ખુશ થવાની જરૂર છે. જો આમંત્રણ હોય તો લગ્નમાં મન-મુકીને મહાલવાની તક ચુકશો નહિ. આર્થિક મજબુત પરિવાર પ્રસંગો સાદાઈથી કરે તો “તેઓ સાવ કંજુસ હોવાની” કે “આના હાથમાંથી પૈસો છુટે જ નહીં” એવી કોમેન્ટ કરનારા આપણે જ છીએ. આવી જ રીતે સામાજિક આગેવાનો જાહેર મંચ ઉપર સમૂહ લગ્ન વિશે પ્રચાર-પ્રસાર કરતા હોય અને એવું પણ બને કે તેમનાં સંતાનો કે પૌત્ર-પૌત્રીનાં લગ્ન સમૂહલગ્નમાં ન કરે ત્યારે પણ ટીકા કરવાની જરૂર નથી. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે. સામાજિક મેળાવડામાં મંચ પર બેઠેલા આગેવાનો માટે “પોતે સમૂહ લગ્નમાં જોડાતા નથી અને બીજાને શિખામણ આપે છે પછી સમૂહ લગ્નોમાં સંખ્યા કયાંથી થાય ?” જેવાં અપમાનજનક વાક્યો વાપરી વડીલોને શરમજનક હાલતમાં મુકી દેવામાં આવે છે. તે જરા પણ યોગ્ય નથી. “Charity begins from home” વાક્ય દરેક સંદર્ભમાં યોગ્ય હોતું નથી. આર્થિક સ્થિતિ મજબુત પરિવારોનાં આર્થિક યોગદાનના કારણે જ જરૂરિયાતમંદ પરિવારોના સંતાનો માટે સમૂહ લગ્નનાં આયોજન શક્ય બને છે તે પણ હકીકત છે.
પોતાના દિકરી-દિકરાના પ્રસંગ માટે તો સૌ કોઈ રૂપિયા ખર્ચે પરંતુ સમાજના જરૂરિયાતમંદ પરિવારના સંતાનો માટે આર્થિક યોગદાન આપવું એ મહાનતા છે. પોતાની દિકરીને સોને મઢવાની ખ્વાઈશ તો દરેક બાપ રાખતો હોય છે પરંતુ પરાઈ દિકરીના લગ્નમાં સુવર્ણદાન આપનાર દાનવીરને આગ્રહ કરવો કે તમે પણ તમારી દિકરીને સમૂહ લગ્નમાં જ પરણાવવી જોઈએ એ વાત જ વાહિયાત છે. જો કોઈ આદર્શવાદી દાનવીર પરિવાર કે સામાજિક મોભી પરિવાર સમૂહ લગ્નમાં જોડાય તો તે સોનામાં સુગંધ ભળે પરંતુ આવાં પરિવારો જોડાતાં નથી એવા ખોટા દાખલા આપી પોતે પોતાનો અહમ સંતોષવા કે વટ પાડવા આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવા છતાં ઘરે ખર્ચાળ પ્રસંગ કરી દેવાના ભાર નીચે ડુબી જાય છે એ વાત ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે.
ઘણીવાર એવું બને છે કે પરિવારનો પુરૂષ વર્ગ પોતાની આર્થિક સ્થિતિ સમજતો હોય છે એટલે એની ઈચ્છા સમૂહ લગ્નમાં જોડાવાની હોય પણ ખરી, પરંતુ સોશીયલ મીડીયા કે અન્ય કોઈ માધ્યમથી પ્રેરાઈને લગ્ન પ્રસંગને અતિ ઝાકઝમાળ રીતે ઉજવવા માટે લાંબા સમયથી ઘુઘરા બાંધી સ્વપ્નમાં રાચતો મહિલા વર્ગ કે યુવા વર્ગ આગળ પરિવારના મોભીને લાચારીવશ ઝુકી જવું પડતું હોય છે. “લગ્ન પ્રસંગ એકવાર જ આવે, રૂપિયાની ગણતરી ના કરાય” એવું બિંબાઢાળ વાક્ય પરિવારને એવા બિનજરૂરી ખર્ચામાં નાખી દેતું હોય છે કે પ્રસંગના ખર્ચના કારણે ધંધાની મુડીમાં આવી જતો કાપ કે વ્યાજનું ભારણ બિઝનેશ જ પાછો પાડી દેતું હોય છે. માંદગી જેવા કારણોમાં સરકારની મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓ કે મેડીકલેઈમ જેવી સુવિધાઓ મદદરૂરપ થતી હોય છે પરંતુ માંગલિક પ્રસંગો ઉજ્જ્વણીમાં સહાયરૂપ કોઈ સ્કીમ હોતી નથી. એટલે મધ્યમવર્ગીય પરિવારોએ કોઈ ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના, કોણ જોડાય છે કે કોણ નથી જોડાતું તેની પરવા કર્યા વિના અમારા માટે આ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે એવું પોઝીટીવ વિચારવાની જરૂર છે. સમૂહ લગ્નનું ઉજળું પાસું છે કે સમાજના સંપન્ન વર્ગના એક નાનકડા સમર્પણથી સમાજના જરૂરિયાતમંદ વર્ગનો આર્થિક બોઝ સરળતાથી હળવો થઈ જાય છે. સમાજ દ્વારા દાયકાઓથી ચાલી રહેલા આ યજ્ઞમાં ઘટતી જતી સંખ્યાનું મુખ્ય કારણ જેના માટે આ પ્રથા ચાલુ કરાઈ હતી તે વર્ગની નબળી માનસિકતા છે.
કેન્દ્રિય સમાજ, મહિલા સંઘ, યુવાસંઘ અને તેની સાથે જોડાયેલ તમામ વિભાગીય અને ઘટક સમાજોએ છેલ્લા થોડાંક વર્ષોથી છવાઈ ગયેલા સાંપ્રદાયિક વિષયમાંથી બહાર નીકળી સમાજના આર્થિક રીતે નબળા પડતા જતા મધ્યમ વર્ગને બચાવવા, અને તેમની માનસિકતા અને વિચારસરણીમાં સુધારો આવે તેવું ઘનિષ્ઠ અભિયાન ઉપાડવાની જરૂરિયાત છે. સમાજનો બહુ મોટો હિસ્સો મધ્યમ વર્ગીય પરિવારોનો છે. વર્તમાન સમયમાં નબળા પડતા જતા ધંધા-રોજગાર અને જેટ ગતિએ વધતી જતી મોંઘવારીના સમયમાં જો આ મધ્યમ વર્ગને બચાવવો હશે તો ખર્ચાળ લગ્ન પ્રસંગોના બદલે સમૂહ લગ્નો જેવી સામાજિક પ્રથામાં વધુને વધુ જોડાય તેવા સક્રિય પ્રયત્નો વહેલામાં વહેલી તકે કરવાની આવશ્યકતા છે.
આ અંગે વાચકોના પ્રતિભાવો આવકાર્ય છે.