તંત્રીલેખ / પ્રાકૃતિક આહાર-વિહારને બદલે પશ્ચિમી ખાધ પદ્ધતિનું અનુકરણ કરવાથી બાળકો અને યુવાનોમાં મેદસ્વિતા ની વધતું જતું પ્રમાણ મોટી સમસ્યા બની રહી છે


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

ભૂતકાળમાં આપણી સમાજની જીવનશૈલી બહુ જ સાદી અને સરળ હતી. આપણા આહાર-વિહાર, આપણી રોજિંદી દિનચર્યા સંપૂર્ણપણે પ્રાકૃતિક હતી. આપણી ભોજન પદ્ધતિ વ્યક્તિની વય અને રોજિદ્દી કામગીરી સાથે સુસંગત હતી. વૈજ્ઞાનિક કારણોસર માણસની પાચનશક્તિ તેની દિવસભરની શારીરિક મહેનત આધારિત હોય છે. દિવસભર શારીરિક મહેનત-મજુરી કરનાર વર્ગની પાચનશક્તિ પ્રમાણમાં વધુ હોવાથી તેમજ શારીરિક શક્તિને દિવસભર ટકાવી રાખવા માટે પચવામાં થોડોક અઘરો એવો બરછટ ધાન્ય અને ચરબીયુક્ત ખોરાક લેવો જરૂરી છે. જ્યારે ઓછી શારીરિક મહેનત કે બેઠાડુ જીવન જીવનાર કે વૃદ્ધ અને બાળકો માટે ઓછી કેલેરીવાળા સુપાચ્ય ખોરાક્ની આવશ્યક્તા હોય છે. ભૂતકાળમાં ભલે શિક્ષણ મર્યાદિત હતું પરંતુ ઘરની ગૃહિણી આ બધું જ નજર સમક્ષ રાખી કુટુંબના તમામ સભ્યોને માફક આવે એવી રસોઈ લાગણીથી બનાવતી હતી.

કમભાગ્યે વર્તમાન સમયમાં આ બધાં સમીકરણ ભુલાવા લાગ્યાં છે. ભૂતકાળમાં ખેતી અને લાકડાના ઉદ્યોગ સાથે જોડાયેલ પુરૂષ વર્ગ આખો દિવસ કડી શારીરિક મહેનત કરતો. સ્ત્રીઓ પણ ઘરકામની સાથે-સાથે ખેતીકામમાં મદદરૂપ પણ થતી અને પશુપાલન પણ સંભાળતી એટલે એમને પણ શરીરને જરૂરી શક્તિ પુરી પાડી શકે એવા “સાચા ખોરાક”ની જરૂરિયાત રહેતી. બાજરાનો રોટલો, ઘી-ગોળ, આખા મગ-ચોખાની ખીચડી એ આપણા મુખ્ય ખોરાક હતા. સુપાચ્ય રાબ અને ડુંગળીનો વચલો વારો એટલે કે નાસ્તો હતો. ગમે તેટલું ખવાઈ જતું પરંતુ મહેનતને કારણે પચી પણ જતું. બહેનો વહેલી સવારે ઉઠી ઘરકામ, છાણ-વાસીદાં, છાશ-વલોણાં કરી બપોર માટે ભાતું તૈયાર કરી પતિની સાથે ગાડામાં બેસી ખેતરે જઈ ખોળો વાળી કામે લાગી જ્તી. સવારમાં વલોણાનું નેતરું ખેંચીને છાશ વલોવવામાં અને ગામના કુવેથી પાણી ભરી માથે હેલ લઈ ચાલવાથી જે કુદરતી કસરત મળતી તેનો અંદાજ બે-ત્રણ કામવાળીઓ રાખી આખો દિવસ ટીક-ટોક કે સોશીયલ મીડીયામાં રચી-પચી રહેતી આજની મોડર્ન સ્ત્રીઓને કયાંથી આવે ? છાશ વલોવવામાં અને માથે પાણીની હેલ લઈ ચાલવાથી બહેનોનું પ્રાકૃતિક શરીર-સૌષ્ઠવ સુડોળ બની જે સૌંદર્ય વિકસતું તેની સામે આજના એક પણ મેકઅપ કે ફિઝીયોથેરાપીનું કામ નથી.

મેદસ્વિતાનો રોગ ઉંમર સાથે સાથે ગંભીર બનતો જાય છે. મેદસ્વિતા પોતાની સાથે ઘણા બધા રોગોને લઈ આવે છે. ડાયાબીટીસ જેવો રાજ રોગ મેદસ્વિતાની સાથે બોનસમાં આવે છે. બ્લડ પ્રેશર, હૃદયરોગ અને પેટના રોગો ધીમે-ધીમે પગ પેસારો કરે છે અને લાંબે સરવાળે હૃદય, લીવર અને કિડનીને ખૂબ નુક્સાન થાય છે.

ઘણાં પરિવારોમાં હોટેલ-રેસ્ટોરન્ટમાં વારંવાર જમવા જવાની પદ્ધતિ ઘર કરી ગઈ છે. એવું કહેવાય છે કે રેસ્ટોરન્ટોમાં આઈટમોને સ્વાદિષ્ટ બનાવવા માટે વાસી ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં વપરાતું પનીર, ચીઝ કે બટર પણ કેમિકલના ઉપયોગ કરી બનાવેલું નકલી હોય છે. ઘણા રેસ્ટોરન્ટમાં ફુડમાં વપરાતા કાજુ જેવો કિમંતી સુકામેવો પણ મગફળીમાંથી બનાવેલો નક્લી હોય છે. કચ્છમાં નક્લી કાજુ બનાવવા માટે વપરાતી અલગ પ્રકારની મગફળી ખરીદવા છેક તામિલનાડુથી વેપારીઓ આવે છે એ હકિક્ત છે. અયોગ્ય રેસીપી, નક્લી પદાર્થો અને ટેસ્ટી બનાવવા માટે વપરાતા મસાલાઓ અને એસેન્સ પચાવવાં અઘરાં હોય છે એટલે નાનપણથી જ મોટાપાના રોગના શિકાર બનેલ બાળકો ઉંમર સાથે વધુને વધુ જાડાં અને બેડોળ બનતાં જાય છે. રોગનાં ઘર તો બને જ છે પરંતુ તેમની દૈનિક જીવનચર્યા અને શિક્ષણ, વ્યવસાય કે અન્ય સામાજિક પ્રસંગો માટે બહાર જઈ એડજસ્ટ થવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. મેદસ્વિતાનો ભોગ બનેલ યુવાન-યુવતી માટે સગપણ પણ એક સમસ્યા બની જાય છે. દિવસે અને દિવસે મોટાપા અને મેદસ્વી બાળકો-યુવાનોની સંખ્યા વધતી જ જાય છે. તે અંગે જાગૃતિ કેળવવાની તાતી જરૂરિયાત છે.

અને છેલ્લે :-

હાલમાં લગ્ન સિઝનનો પ્રથમ રાઉન્ડ પુરો થયો છે. આપને ક્યાંને ક્યાંક પ્રસંગમાં જવાનો મોકો મળ્યો જ હશે. તમે જોયું હશે કે ભોજન સમારંભમાં સુપ થી માંડીને આઈસ્ક્રીમ-મુખવાસ સુધી ૪૦-૫૦ કરતાં પણ વધુ આઈટમો રાખવાનો રિવાજ થઈ ગયો છે. સુપ અને સ્ટાર્ટરની આઈટમોમાં આપણે એટલા તૃપ્ત થઈ જઈએ છીએ કે મેઈન કોર્સ સુધી ૫૦% મહેમાનો પણ પહોંચતા નથી. મેનુનો અભ્યાસ કરશો તો માલુમ પડશે કે કેટલીક વાનગીઓ કુદરતી રીતે પરસ્પર વિરુદ્ધ આહાર છે છતાં પસંદ કરવામાં આવે છે, જે ખાવાથી શરીરના પાચન તંત્રને ખૂબ નુકસાન થાય છે. વાનગીઓને વધુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાતા રંગ-રસાયણ કેમિકલમાંથી બનતાં હોઈ આરોગ્યને ખૂબ જ નુકસાન કરે છે. આપણા શરીરની તાસીર પ્રમાણે માફક આવે તેવી આઈટમો ખાવાને બદલે વધુ પડતી વિરુદ્ધ આહાર ધરાવતી આઈટમો આરોગીને આપણું આરોગ્ય બગાડતા હોઈએ છીએ.

મોટાપા કે મેદસ્વિતાની સમસ્યાને દૂર રાખવા માટે આપણે આપણા દૈનિક આહાર-વિહારમાં બદલાવ લાવવો જરૂરી છે. શુભ પ્રસંગોના ભોજન સમારંભોમાં આઈટમની ઝાક-ઝમાળને બદલે ભૂતકાળની જેમ જરૂરી અને યોગ્ય વ્યંજનો સાથેનું મેનુ બનાવી પ્રસંગ કરનાર યજમાને બિનજરૂરી ખર્ચ અને મહેમાનોના આરોગ્યને બગડતું અટકાવવાની જરૂર છે.

પ્રાકૃતિક આહાર-વિહારને બદલે પશ્ચિમી ખાધ પદ્ધતિનું અનુકરણ કરવાથી બાળકો અને યુવાનોમાં
મેદસ્વિતા ની વધતું જતું પ્રમાણ મોટી સમસ્યા બની રહી છે