તંત્રીલેખ / આપણી કચ્છ કડવા પાટીદાર સમાજ કોઈની મોહતાજ નથી


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

 

  • આપણી કચ્છ કડવા પાટીદાર સમાજ કોઈની મોહતાજ નથી.
  • શરૂઆતથી જ એ ગૌરવશાળી અને ખમીરવંતી રહી છે અને રહેશે.
  • સૌ કોઈ આ હકીકત સમજે એમાં જ શાણપણ છે.

 

આપણી કચ્છ કડવા પાટીદાર સમાજ કોઈની મોહતાજ નથી.

 

સમાજનાં સુજ્ઞ વાચક ભાઈ-બહેનોને નૂતન વર્ષાભિનંદન.એકબાજુ હેમંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદ નદી-નાળાં છલકાવી, જગતનો તાત ખેડુતને નુકસાન કરી રહ્યો છે. જેમ મોસમના મિજાજનું અનુમાન કરવું મુશ્કેલ બની રહ્યું છે તેમ આપણી સમાજના હોદ્દેદારોના વલણને પારખવું પણ દિન-પ્રતિદિન મુશ્કેલ બનતું જાય છે. એક મીટીંગમાં લેવાયેલ નિર્ણય અંગે બીજી મીટીંગમાં ફેરવી તોળવાનું વલણ સામાન્ય થઈ ગયું છે.

 

કેન્દ્રિય સમાજના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીની સહીથી જ્ઞાતિજનોને ઉદ્દેશીને તા. ૨૭-૯-૨૦૨૫ના પત્રમાં ખાયેલ ઘણી બધી વિગતોથી સમાજના સામાન્ય જનોમાં નિરાશાજનક અને આક્રોશ ભર્યો માહોલ ઉભો થયો છે. કોઈ સંસ્થાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી દાન આપવાની અપીલ કરવામાં કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ પ્રથમ પાના પરના જે ૬ મુદ્દાઓ ટાંકીને “આપણી પાસે શુંવિકલ્પ છે” એવો સવાલ કરવામાં આવ્યો છે તે વાંચતાં-વિચારતાં આપણને એવું લાગે છે કે જાણે આપણી જ્ઞાતિ-સમાજ સાવ નિર્બળ અને માયકાંગલી છે અને હવે કોઈના શરણે ગયા વિના આપણે ટકી જ નહીં શકીએ. સમાન વિચારસરણી ધરાવતી અને વધારે સંખ્યાબળ કે સામર્થ્ય ધરાવતી સંસ્થા પાસેથી માર્ગદર્શન અને પીઠબળ મળતું રહે તે આવકારદાયક છે પરંતુ તે સંસ્થાનું મહત્વ વધારવા માટે આપણા કર્ણધારો આપણા જ્ઞાતિજનોને જ આટલી હદે ગુલામીની મનોદશા તરફ ધકેલે તે જરા પણ યોગ્ય નથી.

 

જ્ઞાતિજનોને ભ્રમિત કરી, ગભરાવીને કે બીક બતાવીને પોતાનું ધાર્યું કરાવવાની પદ્ધતિ જરાય યોગ્ય નથી. જે હોદ્દેદારોને પોતાના જ સમાજજનોની શક્તિ-સામર્થ્ય પર વિશ્વાસ ન હોય તે હોદ્દેદારો સમાજને શું પ્રેરણા આપી શકવાના એ પણ સવાલ છે.

 

આ ચાર પાનાંનો પત્ર લખવાનો આશય દાન માટે અપીલ કરવાનો હતો તો તમે સીધી રીતે આ અપીલ કરી શકતા જ હતા. આ હોદ્દેદારોને જાણ હશે જ કે તમે અપીલ કરો કે ના કરો આસ્થા ધરાવતાં સમાજનો જે તે સંસ્થાઓને દાન આપતાં જ હોય છે. આપની જાણ ખાતર જણાવવાનું કે આજથી ત્રીસેક વર્ષ પહેલાં ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા સોલા કેમ્પસ ખાતે અમદાવાદની તમામ ઘટક સમાજોના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ માટે મીટીંગ રાખી હતી ત્યારે ઊંઝા સંસ્થા દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે ઊંઝા માતાજીના મંદિર ખાતે દાન-ભેટ તરીકે જે આવક આવે છે તેમાં 60% હિસ્સો કચ્છી પાટીદારોનો હોય છે. જે તે વર્ષોમાં દાનની પાવતી પર નામ-સરનામું લખવામાં આવતું હતું એટલે ચોક્કસ આંકડાકીય માહિતી કાઢી શકાતી હતી. કમભાગ્યે ત્યાર પછી કોઈ અગમ્ય કારણસર પાવતી પર નામ-સરનામું લખવાનું બંધ કરી ફક્ત પ્રિન્ટેડ પાવતીની પ્રથા ચાલુ કરવામાં આવી તે આપણે સૌ જાણીએ છીએ. ઊંઝા અને VUF દ્વારા માતાજીનો રથ જ્યારે ગામેગામ (કચ્છમાં પણ) ફેરવવામાં આવ્યો ત્યારે પણ આપણા સમાજ્જનો દ્વારા ઉદારતાથી દાન-ભેટ આપવામાં આવી જ છે.

 

હોદ્દેદારોને કચ્છના પાટીદારોનો ઈતિહાસ સુવિદિત હશે કે સતત દશ-દશ કારમા દુષ્કાળને કારણે ખેતીમાં પાયમાલ થઈ ગયા છતાં કોઈ પણ જાતની ફરિયાદ કર્યા સિવાય ફક્ત નસીબને દોષ આપી પહેરેલ કપડે કચ્છ બહાર પ્રયાણ કરી સમગ્ર ભારતમાં આપબળે સ્થાયી થઈ, કડી મહેનત અને પ્રમાણિકતાથી ઉદ્યોગ-ધંધાનાં નિર્માણ કર્યાં, લાખો-કરોડોની મિલ્કત ઉભી કરી, ભવ્ય સમાજ ભવનો નિર્માણ કરનાર સમાજ નબળો હોઈ શકે ખરો? એટલું જ નહીં જે તે વિસ્તારમાં વર્ચસ્વ જમાવ્યું છે અને સ્થાનિક પ્રજાના હૃદયમાં અદકેરું સ્થાન પણ મેળવ્યું છે. સહનશીલતા અને સહિષ્ણુતા એ આપણા સમાજની તાકાત છે, જેને તમે નબળાઈ બતાવી રહ્યા છો. હા, રાજકીય દાવપેચ આપણા સમાજના સ્વભાવમાં નથી તેથી કદાચ આપણે રાજકીય રીતે પાછળ રહી ગયા છીએ. પરંતુ જ્યારે જરૂર પડી છે ત્યારે આપણી એકતાએ પોતાની તાકાત પણ બતાવી છે, એટલે આપણે ઉછીની લેવાની જરૂર નથી કે આપણે અન્ય કોઈ સંસ્થાની શરણાગતિ સ્વીકારવાની જરૂર નથી.

 

આ પત્રને કારણે સમાજનો સામાન્ય વર્ગ અજંપાની સ્થિતિમાં મુકાઈ ગયો છે. તેમને સમાજના ભવિષ્ય પર શંકા-કુશંકાઓ થવા લાગી છે. આ પત્રને કારણે સમાજ્જનોને જાણે-અજાણ્યે VUF સંસ્થા તરફ અભાવ ઉભો થઈ શકે છે. એટલે બંને સંસ્થા વચ્ચે નિર્માણ થયેલ સુમેળભર્યા સંબંધોમાં દરાર પણ પડી શકે છે. જે ન થાય એવું આપણે સૌ ઈચ્છીએ.

 

સૌ સમાજ્જનો સૌજન્યશીલ છે એટલે કદાચ આ રોષ સપાટી પર ખાસ નહીં આવે, પણ તેની અવગણના કરવા જેવું નથી. પરંતુ જે થયું છે એ યોગ્ય નથી એ હકીકત છે.

 

આપણા સમાજનો મુખ્ય પ્રશ્ન છે કે સમાજની ટોચની સંસ્થાઓ વચ્ચે ચાલી રહેલું વર્ચસ્વ સ્થાપિત કરવાનું ઠંડુ યુદ્ધ. આ શીત યુદ્ધને કારણે આપણી એકતા દિવસે દિવસે નબળી પડતી જાય છે. જ્યારે સમાજની ટોચની ત્રણેય સંસ્થાઓ એકબીજાની સ્પર્ધક નહીં પરંતુ એકબીજાની પૂરક બની સમાજમાં કામ કરશે ત્યારે એવા સમાજનું નિર્માણ થશે કે કોઈની તાકાત નથી કે આપણી સામે આંખ ઉઠાવી જોઈ પણ શકે. પ્રબુદ્ધ સમાજ્જનોએ આ અંગે સાથે બેસી ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવાની જરૂર છે.



આપણી કચ્છ કડવા પાટીદાર સમાજ કોઈની મોહતાજ નથી.