સમયના વહેણ સાથે કયાંક-કયાંક, ધીમે-ધીમે આ સંસ્કારોમાં બાંધછોડ થવા લાગી. કહેવાય છે કે રૂપિયો કમાવા કરતાં રૂપિયો જીરવવો વધુ મુશ્કેલ છે. એવું પણ કહેવાય છે કે ધન-દોલત સાથે સાથે દૂષણો પણ ધીરે ધીરે પગ પેસારો કરતાં જાય છે. મહેનત કર્યા વિના વારસામાં જ્યારે બધું તૈયાર મળે છે ને ત્યારે આ કહેવત હકીકત બની જાય છે. બિઝનેસ ઉદ્યોગોને કારણે અન્ય સમાજો સાથેની વધતી જતી નિકટતા દૂષણોને આપણા સમાજમાં પ્રવેશ કરવામાં નિમિત્ત બનતી ગઈ. આ દૂષણો પૈકીનું એક દૂષણ એટલે દારૂનું વ્યસન. ગુજરાતમાં તો દારૂબંધી હતી પરંતુ ભૂતકાળમાં ગુજરાત બહાર અમુક રાજ્યોની અમુક સમાજોમાં દારૂના વ્યસન અંગે નાનું-મોટું સાંભળવા મળતું, કદાચે એ સાચું પણ હશે, પરંતુ છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી ગુજરાતમાં આ દૂષણ એટલું ફાલ્યું-ફુલ્યું છે કે કલ્પના પણ થઈ શકે તેમ નથી. ગુજરાતની નાની-મોટી સમાજો પૈકી ભાગ્યે જ કોઈ સમાજ બાકી હશે, જ્યાં આ દૂષણ પહોંચ્યું નથી. અમુક સમાજોમાં વ્યસનીઓની સંખ્યા એટલી બધી વધતી ગઈ છે કે દારૂ ન પીનારો યુવાવર્ગ લઘુમતીમાં આવી ગયો છે. કદાચ આ કડવી વાત ઘણાને નહીં પણ ગમે, પરંતુ વાસ્તવિક્તાને માનો કે ન માનો કોઈ ફરક પડતો નથી.
નવી ટેકનોલોજી, કાયદા અને ટેક્ષેસનના નવા અટપટા માળખાંને કારણે વડીલો આ નવા માહોલ સાથે સેટ થઈ શકતા નથી. એટલે બિઝનેસનું સુકાન યુવાનોને સમય કરતાં વહેલું સોંપી દેવું પડે છે. ઓછી ઉંમર અને જરૂરી પરિપકવતાનો અભાવ હોય અને વારસાથી મળી ગયેલ તૈયાર આર્થિક પરિસ્થિતિને કારણે યુવાન થોડો છકી જાય છે. વડીલો દ્વારા વારસામાં મળેલ ધંધાકીય કુનેહ અને સિદ્ધાંતો તેને વેદિયાગીરી લાગવા માંડે છે. બિઝનેશને કારણે અન્ય સમાજોના અલગ વિચારસરણી અને સંસ્કાર ધરાવતા બિઝનેશમેન સાથેના સંપર્ક વધતા જાય છે એટલે આપણો સમાજ એને જુનવાણી લાગે છે. સરવાળે ભાઈબંધી, મિત્રતા અને બેઠ-ઉઠનાં ઠેકાણાં બદલાતાં જાય છે અને ક્રમશ: આ માહોલ તેને સંસ્કાર અને નીતિમત્તાના માર્ગમાંથી ચલિત કરી નાખે છે. અને દારૂ જેવાં દૂષણોનો શિકાર બનતો જાય છે. ડ્રિંકસ લેવું, પાર્ટીઓમાં જવું તેના માટે સ્ટેટસ સિમ્બોલ બની જાય છે. આ રોગનો ભોગ એ યુવાન તો બને છે પરંતુ ધીરે ધીરે આપણી સમાજના અન્ય યુવાનો પણ બિઝનેસ સંબંધોને કારણે તેમાં લપેટાતા જાય છે અને દિવસો-દિવસે સમાજમાં વ્યસનનો ફેલાવો વધતો જાય છે.
પ્લાયવુડ, લેમિનેટ, ટાઈલ્સ, કલર, હાર્ડવેર જેવાં ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદકો અને સપ્લાયર્સ દ્વારા બિઝનેસ પ્રમોશન માટે ટુરની લલચામણી ઓફરો આપવામાં આવે છે. આવી ટુરો સામાન્ય રીતે દારૂની છુટછાટ ધરાવતાં સ્થળો ઉપર ડ્રિંકસની સુવિધા સાથેની હોય છે. આપણાં ધંધાકીય સંગઠનો કે એસોસિએશનો પણ આવી બે-ત્રણ દિવસની ટુર ગોઠવવા લાગ્યાં છે. જે આવાં દૂષણો ફેલાવવામાં બહુ ખરાબ ભૂમિકા ભજવે છે. દુઃખદ વાત તો એ છે કે અમુક સમાજોમાં યુવક મંડળ દ્વારા યોજાતા પ્રવાસ પણ દારૂના વ્યસનમાં જોડાવા માટેનું પ્રથમ પગથિયું બની જાય છે. એકવાર આ આદત શરૂ થઈ ગયા પછી તેનો કોઈ છોછ રહેતો નથી. ધીરે ધીરે આ વ્યસને બહુ મોટા પ્રમાણમાં યુવા વર્ગને પોતાના ભરડામાં લઈ લીધું છે. સમાજમાં એવા પણ યુવાન બિઝનેસમેન છે કે તેઓ સામેથી જાહેર કરી દે છે કે મને સાંજે ૬-૦૦ વાગ્યા પછી ફોન કરવો નહીં.
આશ્ચર્ય થાય એવી વાત એ છે કે ઘણી જગ્યાએ લગ્ન જેવા માંગલિક પ્રસંગો કે રીસેપ્શન જેવા કાર્યક્રમમાં પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. છટકબારી એવી બતાવવામાં આવે છે કે વ્યાપારી સંબંધો ધરાવતા બહારથી પધારતા મહેમાનો માટે આ વ્યવસ્થા તો કરવી જ પડે. એવું નથી કે કુટુંબના વડીલો આ વાતથી અજાણ હોય પરંતુ સામાન્ય રીતે આંખ આડા કાન કરી દેવા સિવાય આ વડીલો માટે છુટકો હોતો નથી.
આરોગ્યનો નિયમ છે કે ઉપચાર કરતાં અટકાવ ભલો પણ ઘણી વખત આ અટકાવવાની જેની જવાબદારી છે તે યોગ્ય સમયે અટકાવવામાં નિષ્ફળ નીવડે છે. અમુક વડીલોને જ્યારે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કહેવામાં આવે છે કે તમારો દિકરો કે નાનો ભાઈ દારૂ પીવે છે ત્યારે તે વડીલ એમ કહીને છટકી જાય છે કે ભલે ઈ પીતો પણ કમાય પણ ઘણું રયો. અમુક માતાઓને તેના સંતાનના વ્યસન અંગે કોઈ માહિતી આપે ત્યારે તમે મારા દિકરાને ખોટો બદનામ કરો છો... એમ કહી માહિતી આપનારને જ ખરું-ખોટું સંભળાવી દે છે. વ્યસની પતિના ત્રાસથી કંટાળેલ લાચાર પુત્રવધૂ જ્યારે કુટુંબના વડીલો આગળ પોતાની વ્યથા ઠાલવે છે ત્યારે “રોયલ કુટુંબમાં આ બધું તો ચાલ્યા જ કરે...” કહી તેણીને ચૂપ કરી દેવામાં આવે છે. એવા પણ દાખલા છે. વડીલો ધારે તો શરૂઆતના તબક્કે આ દૂષણને અટકાવી શકે છે, પણ લાલય કહો તો લાલચ, ડર કહો તો ડર અને લાચારી કહો તો લાચારીવશ મૌન સેવી દે છે, એટલે યુવકને મોકળું મેદાન મળી જાય છે.
યુવાનની પત્ની ધારે તો ચોક્કસ આમાં સુધારો લાવી શકે છે. કારણ કે સ્ત્રી શક્તિ-સ્વરૂપા છે. પતિના વ્યસન અંગે પત્નીને માહિતી ન હોય એ તો શક્ય જ નથી. પરંતુ વ્યસનમાં લપટાયેલો યુવાન બહુ જ હોંશિયાર હોય છે. તે પત્નીને મોંઘીદાટ ગીફટ, ઈમ્પોર્ટેડ પરફ્યુમ નિયમિત રીતે આપતો રહે છે અને વર્ષના એકાદ-બે વાર હિલ સ્ટેશનની ટુર કરાવી રાજી રાખતો હોય છે. તે પત્ની પિયર પક્ષ કે સાસરી પક્ષમાં કે ગૃપમાં પણ ફરિયાદ ન કરે. આવા યુવાનોને સમાજનો ડર તો હવે રહ્યો છે કયાં ?
આ વ્યસન વ્યક્તિને એટલી હદે વિવશ બનાવી દે છે કે એનું નિયમિત સેવન કર્યા વગર ચાલતું જ નથી. એટલે વ્યસની શારીરિક રીતે પણ કોઈને કોઈ રોગનો ભોગ બની જાય છે. વ્યસનના ખર્ચા અને વ્યસનના કારણે બિઝનેસમાં ઓછા થતા જતા ધ્યાનના કારણે ધંધા-રોજગાર પણ સરવાળે નબળા પડતા જાય છે, અને આર્થિક કંગાલિયાત તરફ ધકેલાઈ જાય છે. ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકો પોતાના પિતાથી દૂર થતાં જાય છે. પત્ની સાથેના સંબંધો તંગ બનતા જાય છે. આપણા સમાજમાં હાલના લગ્નના દશ-પંદર વર્ષ પછી થતા છુટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ વ્યસન અને તેના કારણે નબળી પડતી જતી આર્થિક સ્થિતિ છે.
કચ્છમાં પણ સ્થિતિ સારી નથી. એક વખતનું શુદ્ધ-અણિશુદ્ધ કચ્છ પણ વ્યસન અને ઘણી બધી બદીઓની આગમાં લપેટાઈ ગયું છે. જુના સમયમાં યુવાનો વાડીએ ભેગા થઈ “ખારી ભાત” બનાવીને પીકનીક માણતા તેના બદલે અમુક ગામોમાં આ મહેફીલમાં શું રંધાય છે કે પિવાય છે તે કહેતાં પણ શરમ આવે તેમ છે. કચ્છમાં થતા સામાજિક મેળાવડામાં પણ બહારથી આવતા વ્યસન ચાહકોને દેશી/વિલાયતી કયાં મળે છે તેની માહિતી મળી જાય છે.
વ્હાલાં વાચક ભાઈ-બહેનો,
હવે વેળાસર ચેતી જવાની જરૂર છે. વડીલોએ ખૂનપસીનો એક કરીને ઉભાં કરેલ બિઝનેસ એસ્ટેટ અને પ્રતિષ્ઠા બચાવવી હશે તો આ દૂષણને અટકાવવું જ પડશે. આપણાં સામાજિક સંગઠનો, યુવા સંઘ, યુવા મંડળો, મહિલા મંડળોએ આ પ્રશ્નને ગંભીરતાથી લઈ તેને અટકાવવા માટે વિશેષ પગલાં ભરવાની તાતી જરૂર છે. નહિતર પછી પસ્તાવાનો વારો આવશે. ઉત્સવ-ઉજવણી કરતા રહેવું અને સમાજની મુળભુત સમસ્યાઓ અંગે શાહમૃગી નીતિ રાખી, ફુલ-ગુલાબી ચિત્રો રજૂ કરવાથી સમાજને ફાયદા કરતાં નુકસાન વધારે થતું જશે અને જો આજનું યુવાધન આર્થિક અને સંસ્કારોથી ખતમ થઈ જશે તો સમાજની આવતી કાલ કેવી અંધકારમય હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આમાં બહુ મોડું થાય તે પહેલાં જેટલા વહેલા જાગીએ તેટલું આપણા સૌના - કુટુંબના અને સમાજના હિતમાં છે.