વ્હાલા વાચક ભાઈ-બહેનો,
ભારતીય સંસ્કૃતિ અનુસાર માનવ જન્મથી જ સુસંસ્કૃત નથી હોતો. હિન્દુ શાસ્ત્રો અનુસાર તેને જન્મથી મૃત્યુ દરમ્યાન સોળ સંસ્કારો ધારણ કરવા પડે છે. લગન-સંસ્કાર એ આ સોળ સંસ્કાર પૈકીનો મહત્વનો સંસ્કાર છે. હિન્દુ ધર્મના અધ્યાત્મ મુજબ લગ્ન એ બે દેશનું નહીં પણ બે આત્માનું પવિત્ર મિલન છે. પરસ્પરના અસ્તિત્વને એકબીજામાં ઓગાળીને સહઅસ્તિત્વનું નિર્માણ કરી દ્વૈત માંથી અદ્વૈત તરફ લઈ જતો સંસ્કાર એટલે લગ્ન-સંરકાર
બ્રાહ્મણો દ્વારા બોલાતા શ્લોક અને મંગલાષ્ટકના પવિત્ર ઉચ્ચારણ, ઢોલ-શરણાઈના સૂરો સાથે વર-કન્યાને શિવ-પાર્વતી કે રામ-સીતાનો ઉપમા આપીને બહેનો દ્વારા ગવાતાં મધુર લગ્ન-ગીતો હૃદયને ઝકૃત કરી નવદંપતિને ધર્મનિષ્ઠ દાંપત્યજીવનના પંથે ચાલવાની પ્રેરણા પુરી પાડે છે. અગ્નિ દેવતાની સાક્ષીથી અપવિત્રતા બળીને ખાખ થઈ જાય છે તો સપ્તપદી દ્વારા એકમેકને અપાતા વચનો દ્વારા લગ્નજીવનની ગરિમા અને ગંભીરતાના વણલખ્યા કરાર થઈ જાય છે.
જે દિકરીએ વીસ-વીસ વર્ષ જે ઘરમાં બચપણ અને મુગ્ધાવસ્થા બિન્દાસ્ત રીતે વિતાવી હોય એ ઘર... એ પરિવાર... એ સ્નેહીજનો... એ સખીઓને પળવારમાં એક ઝાટકે છોડી દઈને એક પરાયા ઘરમાં... અજાણ્યા-નવો સ્નેહીજનો સાથે શેપ જીવન જીવવા માટે પિયર ની બધી જ મોહ-માયાને ત્યાગ કરી ચાલી નીકળવાની તાકાત તો ફક્ત જ્ઞાતિના રીત-રિવાજો રૂપી સંસ્કાર જ આપી શકે.
લગ્ન-સંસ્કારની મુળભુત ભાવનાઓને કેન્દ્રમાં રાખીને અને સંસ્કૃતિની તમામ ગરિમાણો-મર્યાદાઓને ધ્યાનમાં લઈ દરેક જ્ઞાતિ-સમાજ દ્વારા લગ્ન-સંસ્કાર પ્રસંગ અંગેના રીત-રિવાજોનું ઘડતર કરવામાં આવે છે. આજથી ચાર-પાંચ દાયકા પહેલાં સમાજમાં દરેક લગ્નન સ્થાપિય રીત-રિવાજો અને પરંપરા પ્રમાણે જ થતાં.
ચાલો... આપણે એ જમાનાના લગ્ન-પ્રસંગ ઉપર થોડીક નજર કરી લઈએ....
આપણો જ્ઞાતિ-સમાજ મહદ્અંશે કચ્છમાં જ સ્થાઈ હતો અને પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ હતો. સમાજનો અમુક પુરૂષ વર્ગ દેશ-દેશાવર કમાવા માટે જતો. પરંતુ વૈશાખ મહિને યોજાતાં લગ્નો વખતે કે ચોમાસામાં સાતમ-આઠમના તહેવાર ઉજવવા તો કચ્છમાં અચૂક આવી જતો.
કચ્છમાં લગ્ન પ્રસંગ અઠવાડિયા જેટલો લાંબો ચાલતો. જેની શરૂઆત વાનેલા જમવાથી થતો. જેના લગ્ન થવાના છે એ દિકરો કે દિકરી ગામમાં દરરોજ અલગ-અલગ સંબંધીને ત્યાં જમવા પધારતા અને ત્યાં પરિવારોનો ભાભીઓ મશ્કરી કરતી કરતી જમાડતી પણ ખરી અને લગ્ન-જીવનના પાઠ પણ શિખવાડતી. દિકરીનાં લગ્ન હોય તો ગામના ગોર મહારાજને શુભ મુહૂર્ત ઘરે બોલાવી કુટુંબ પરિવારની હાજરીમાં લગ્ન લખાતાં અને વિધિપૂર્વક લગ્નનો પ્રારંભ થતો. વિઘ્ન હર્તા ગણેશજીની સ્થાપના કરીને સવાર-સાંજ ગણેશજીની આરતી કરવામાં આવતી. વહેલી સવારે પરિવારોની બહેનો સુમધુર અવાજમાં પ્રભાતિયાં ગાઈ વાતાવરણને પવિત્રતાથી ભરી દેતી. દરરોજ સાંજે ગામમાં આવેલ સંબંધીઓને ઘેર વારાફરતી "પશ" ભરવા જવામાં આવતા. ગામના વાળંદે ઉપાડેલી ગેસબત્તી (પેટ્રોમેક્સ)ના અજવાળે બહેનો ગીત ગાતી-ગાતી વરરાજાને સંબંધીને ઘરે લઈ જતી અને સંબંધીના ઘરના ઉંબરે વરરાજાને હાથમાં સવા-રૂપિયો આપી વધાવવામાં આવતો એને "પશ" ભર્યા કહેવાય, દેવદર્શન કરતાં કરતાં પરત ઘરે આવ્યા બાદ બહેનો ઢોલે રમતી કે બેસીને મંગળ ગીતો ગાતી અને સૌને મગફળીને પતાસાં પ્રસાદ રૂપે વહેંચાતા.
વરરાજા હોય કે કન્યા, પીઠી ચોળાતી. વરરાજાને ગામનો વાળંદ અને ભાભીઓ મશ્કરી-મજાક સાથે હળદરની પીઠી ચોળી સ્નાન કરાવતી. આ વિધિ કન્યાને ઘેર પણ ઉજવાતી. મહેદી ખાંડીને-વાટીને હાથમાં ગોલબીલ કે મુઠ્ઠી ભરીને મહેંદી મુકાતી. ક્યારેક વરરાજાને પણ હોંશીલી ભાભીઓ એક હાથે મહેંદી મુકાવતી,
શુભ મુહૂર્તે ભૂદેવની શાસ્ત્રોક્ત વિધિ સાથે માંડવા રોપાતા. પરિવારજનો દ્વારા માણેકસ્તંભનું સ્થાપન થતું. સીમમાંથી કાપીને લાવેલા લીલા વાંસના ચાર થાંભલા ઉભા કરી, ચાર આડા વાંસે બાંધી ઉપર ભાતીગળ ચંદરવો બંધાતો. ચક વધાવવો, ઉકરડી પૂજન, ઘડી ભરવા જેવા રળિયામણા રિવાજોમાં પરિવાર-સ્નેહીજનો હરખભેર જોડાતાં.
ત્યાંતો મામેરા આવવાનો સમય આવી જતો. ડોકે ઘુઘરીવાળા ઝુમખાં, પીઠ ઉપર રંગીન ઝુલ, મોઢા ઉપર ભરત ભરેલા મોયડાથી શોભિત બળદોથી જોતરાયેલ પાંચ-સાત ગાડામાં મામેરા આવતાં મામેરાનું સામૈયું કરવા સૌ માંડવિયા વાજતે-ગાજતે ગોટીડા સાથે ગામના વથાણમાં હરબભેર પહોંચી જતાં. હરખઘેલી બહેન ભાઈને તિલક કરીને ઓવારણાં લઈ, મો મીઠું કરાવી ભાઈનું સ્વાગત કરતી, સાથે સાથે ભાઈના ભેરુ બાળદિયાને નાળ ભરી-ઘી પીવડાવી અને ગોળ ખવરાવી તેમનું પણ સ્વાગત કરતી.
માંડવા નીચે મામેરું લેવાઈ ગયા બાદ મામેરાને જમણમાં ચોખ્ખા ઘીનો શીરો કે લાપસી સાથે મગ-ચોખાની બકડિયામાં રાંધેલી ખીચડી પીરસાતી. કાંસાના ઉંચા કાંઠાવાળી થાળીમાં ખીચડી પીરસાય ઉપર ઘી પીરસવાના નિષ્ણાત વડીલ ઘીની વાઢી લઈ આગ્રહ કરી-કરીને ઘી પીરસતા બાજરાના ડાંડરના ટુકડા ખીચડી હલાવવા માટેચમચીની ગરજ સારતા.
જાન જવાના આગળની રાત્રે વરરાજાનું ફુલેકું નીકળતું. બે-ચાર મેટ્રોમેકસના અજવાળે, આંટીયાળી પાઘડી કે સાફો, સાફામાં કલંગી અને કલંગીમાં શેલ (પાવર) થી ઝબુકતો નાનકડો બલ્બ, પીઠ પાછળથી ખભામા ત્રિકોણકાર રૂમાલ, હાથમાં શ્રીફળ, ભાભીએ પાવડરલી ઉજળો કરેલ ચહેરો, આંખે કાજળ અને હાથના અંગુકે ભામીએ કરેલ ના-પોલીશ, ગાલે કાજળનાં બે-ચાર ટપકાં, હાથે ઘડિયાળ અને કંઠે સોનાના હાર સાથે ખંભે તલવાર ધારણ કરેલ વરરાજા નગરની પરિક્રમાએ નીકળતો અને તેને નીરખવા આખું ગામ હિલોળે ચડતું.
ગામમાં આવેલી જાનનું સામૈયું ગામના ઉગમણા વથાણે તોરણ બાંધી કરાતું. તોરણે તલવાર અડકાવી વરરાજા નગરમાં પ્રવેશ કરતા. કુટુંબ પરિવારના ઘરે ઉતારા દેવાતા. લગનનું મુહૂર્ત પ્રમાણે જાન મંડપમાં પધારતી, સાસુ પોખણાંથી વરરાજાને પોખતી. સાડીઓથી શણગારેલ લગ્ન-મંડપમાં વરરાજાની પધરામણી થતી. કન્યાના માતા-પિતા દ્વારા ભૂદેવની સુચના પ્રમાણે વિધિ-વિધાન થતાં રહેતાં. ભૂદેવ દ્વારા "કન્યા પધરાવો સાવધાન" ની સુચના થતાં મામા પરિવારનું પાનેતર અને સસરા પરિવારનું ઘરચોળું પહેરીને લજ્જાના ભારથી ઢળેલી પાંપણો અને મર્યાદાસભર હળવી ચાલથી કન્યાને મામા-મામી લગ્ન મંડપમાં લઈ આવતાં. વરપક્ષ તરફથી મોયડો અને કંકણ કન્સાને પહેરાવવામાં આવતાં. પ્રસંગ અનુરૂપ બંને પક્ષની બહેનો લગ્ન-ગીતો ગાતી-ફટાણાં પણ આવતા. સંપૂર્ણ વિધિ અનુસાર ગરિમાપૂર્ણ વાતાવરણમાં ચાર ફેરા ફરાતા, સપ્તપદીના સાત-પગલાં ભરાતાં, લગ્ન પત્રિકાનું જાહેરમાં વાંચન કરવામાં આવતું... લગ્ન-વિધિ પૂર્ણ થતાં બંને પક્ષ દ્વારા વર - વધુને માથે હાથ ફેરી આશીર્વાદ અપાતા.
જાનને પંગતમાં બેસાડીને જમાડવામાં આવતી. જાનના જમણમાં લાડુ. દાળ-ભાત અને એક શાક... એટલે પૂર્ણ ભોજન ગણાતું. ક્યારેક લાડુ કઠણ બની જતા થારે ભેંઠ બાંધેલા સહાયકો મદદે આવતા. જ્યારે આ ભોજનમાં ડુંગળીનાં ભજીયાં ઉમેરાતા ત્યારે આ ભોજન ૩૨ વાનગીઓનો થાળ બની જતો. આખા ગામનાં ઘરમાંથી છાશ ભેગી કરી પીરસવામાં આવતી.
... અને, આવી જતી કન્યા વિદાયની ઘડી ... કન્યાની માતા જે ગાડામાં દિકરી બેસવાની હોય તે ગાડાની પાછળ લામણ દિવડો લટકાવી દિકરી ને સંદેશો આપતી કે બેટા, તું તો આપણા ઘરનો દિવો, સાસરીયામાં જઈ અજવાળું ફેલાવવાની શીખ તને દેવાની ન હોય. કન્યાનો બાપ રુદન રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરવા જતો પણ જ્યાં દિકરીને ભેટે છે ને ચોધાર આંસુએ રડી પડતો. ઘરની દિવાલો ઉપર દિકીની સ્મૃતિને સાચવવા કંકુ થાપા લેવાતા ત્યારે તો ઘરની દિવાલો પણ રડી પડતી. કન્યા વિદાયના પ્રસંગને વર્ણવાતો દુનિયાની કોઈપણ ભાષાના શબ્દો પણ ઓછા પડે....
આજની નવી પેઢીને આવાં લગ્નોનું વર્ણન ફક્ત કાલ્પનિક વાર્તા જ લાગશે. એક વાત સાચી છે કે સમય બદલાયો છે ત્યારે એ જમાના પ્રમાણેનાં લગ્નો હાલમાં શક્ય પણ નથી. ઝડપી યુગમાં કોઈની પાસે સમય પણ નથી અને વર્તમાન યુગમાં પહેલાં જેવો માહોલ ઊભો કરવો પણ લગભગ અશક્ય છે. પરંતુ સૌએ વિચારવાનું એ છે કે લાખો રૂપિયા ખર્ચી ને પ્રસંગ માટે ભૌતિક સુવિધાઓ ઉભી કરવાના ટેન્શનમાં આપણે પ્રસંગોની પરંપરાગત આનંદ કે સંતોષ મેળવી શકીએ છીએ ખરા?
- ગરિમાપૂર્ણ સાદાઈ સાથે ચોળાતી પીઠીની વિધિમાં જે સૌંદર્ય હતું તે આજની હલ્દી રસમના પ્રોગ્રામમાં ખોવાઈ ગયું છે. વેસ્ટર્ન મ્યુઝીકની ધૂન સાથે ઉંમર કે સંબંધની મર્યાદા ભુલીને નાચતા-નાચતા સ્ટેજ ઉપર જઈ પરણનાર પાત્રના ચહેરા ઉપર કેમીકલના લપેડા ચોડવામાં આપણને અવિવેક કેમ નથી દેખાતો?
- નજરને નીચી રાખીને મર્યાદાપૂર્ણ હળવી ચાલથી લગ્ન - મંડપ તરફ આવતી કન્યા તરફ આપાણ ને જે પૂજ્યભાવ કે લાગણી જન્મતી તે ભાવ કૃત્રિમ રોશનીના અંબાર વચ્ચે ફિલ્મી એકશન સાથે, કયાંક આપણને ન ગમે તેવી ચાલે ચાલી આવતી કન્યા માટે ઉદ્ભવે છે ખરો?
- લગત-વિધિને મનભરીને માણવા અને એક ગૌરવશાળી પ્રસંગના સાક્ષી બનવા માટે પધારેલ સહુ સાજન-મહાજન-મહેમાનોને લગ્નવિધિના બદલે ફોટો ગ્રાફર કે વિડીયો ગ્રાફી ફોજની ફક્ત પીઠ જોઈને સંતોષ માનવો પડે તે યોગ્ય છે ખરું ?
- લગ્ન ના ફેરા દરમ્યાન વર-વધૂને ફુલડાં વડે વધાવવાના બદલે કાગડાના ટુકડા અને રંગીન ઝેરી કેમિકલ ભરેલા ફટાકડા ફોડી વાતાવરણ દુષિત કરનારને કોઈ વડીલ અટકાવતું કેમ નથી?
- આનંદ અને સંતોષપૂર્વક જમી શકાય એટલી મર્યાદિત વાનગીઓના બદલે બીનજરૂરી અને આરોગ્યને નુકસાનકારક વાનગીઓના ભરમાર સાથેની મોંઘી ડીશ જમવા માં મહેમાનોને સંતોષ થાય કે નહીં પરંતુ કેટરર્સ માટે મબલખ કમાણીનું સાધન બની જાય છે એ હકીકત પણ વિચારવાનો સમય આવી ગયો છે.
- પરણનાર વર કે કન્યાને રૂપાળાં બનાવવાની જવાબદારી જે મોંઘાભાવનીબ્યુટી પાર્લરવાળીએ જ ઉપાડવાની હોય તો મહેંદી રસમ કે હલ્દી રસમના પ્રોગ્રામ ની જરૂર જ કર્યા છે ?
આવી અનેક બાબતો અંગે મનોમંથન કરવાનો સમય આવી ગયો છે. ભલે આપણે જુની પરંપરાઓ પ્રમાણે લગ્ન-પ્રસંગો ન કરી શકીએ પરંતુ હાલમાં જે રીતે આયોજન થાય છે તેમાં ઘુસી ગયેલી બદીઓને દૂર કરી દરેક પ્રસંગને વધુ સાત્વિક અને પવિત્ર તો બનાવી શકીએ તોય ધણું છે. પરંપરાગત નિખાલસ પરંપરાઓ ભરેલા ઉજળા રિવાજો ને દૂર હડસેલીને માત્ર દેખાડ કરી કે કોઈનું આંધળું અનુકરણ કરીને આપાણે શું સિદ્ધ કરવા જઈ રહ્ય છીએ એ એ જ સમજાવું નથી. વર્તમાન સમયમાં જે પ્રસંગો લાખો રૂપિયાના ખર્ચે ઉજવવામાં આવે છે તે જ પ્રસંગો સાદાઈ થી ઓછા ખર્ચે હૃદયના પુરા ઉમળકાથી ઉજવીને જીવન નો અમુલ્ય આનંદ અને સંતોષ મેળવી શકાય છે. જો કે આ રીતે સાદગીથી પરંતુ પ્રસંગનો પૂરો આનંદ માણીને પણ પ્રસંગો આપણી જ્ઞાતિમાં ઉજવાય છે પરંતુ તેની સંખ્યા બહુ જ સીમીત છે.
ઉપર વિગતે જણાવ્યા મુજબની પરિસ્થિતિ, પછી તે મજબુરીથી હોય કે દેખાદેખીથી કરાતી હોય, પણ જો આપણે પાછા નહીં વળીએ તો ભવિષ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે એના જવાબદાર આપી સૌ પોતે જ હોઈશું.
આપણી ગૌરવશાળી સમાજના સમાજજનોને પણમાત્મા આ સંદભમાં લોગ્ય માર્ગે લાલણવાની વિચારશક્તિ આપે તેવી પ્રાર્થના. અસ્તુ...