વ્હાલાં વાચક ભાઈ-બહેનો,
આપણે સૌ જાણીએ છીએ કે સમૂહ લગ્ન પ્રથા સમાજનાં નબળાં અને મધ્યમ વર્ગનાં જરૂરિયાતમંદ કુટુંબો માટે આશીર્વાદરૂપ છે. આખા જીવનની કમાણી ખર્ચાળ લગ્ન-પ્રસંગોમાં ખર્ચાઈ જતાં, ઘણાં કુટુંબો આર્થિક પાયમાલ થઈ જતાં હોય છે. ધંધા-રોજગારની મુડી લગ્ન-પ્રસંગોમાં વપરાઈ જતાં, બિઝનેશ નાણાંભીડમાં આવી જવાથી પુરૂષ વર્ગ સતત ટેન્શનમાં જ જીવન ગુજારતો થઈ જાય છે. હાર્ટએટેકનું પ્રમાણ વધતું જાય છે તે આ પરિસ્થિતિની આડ અસર છે. સમાજની આર્થિક સદ્ધરતા જાળવી રાખવા સમૂહ લગ્ન પ્રથા ઉદ્દીપકની ભૂમિકા નિભાવે છે.
૯૦ના દાયકામાં મોટી સમાજો દ્વારા સમૂહ લગ્નોની શરૂઆત કરવામાં આવી અને આ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમાજ દ્વારા વિશેષ પ્રયત્નો થવાથી સમૂહ લગ્નની આયોજક સમાજો અને જોડાનાર નવયુગલોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થવા લાગ્યો. “પાટીદાર સંદેશ” મુખપત્ર દ્વારા સમૂહ લગ્નની સામાજિક ઝુંબેશના વ્યાપક પ્રચારનું મિશન ઉપાડવામાં આવ્યું. જ્ઞાતિજનોને સમૂહ લગ્નના આયોજનની આગોતરી માહિતી આપવી અને સમૂહ લગ્નનું આયોજન સંપન્ન થઈ ગયા પછી પાનાં ભરીને ફોટોગ્રાફ સાથે વિસ્તૃત અહેવાલો છાપીને આ પ્રવૃત્તિનો વ્યાપ વધારવા અવિરત પ્રયત્ન થતા રહ્યા. અમુક મોટી સમાજો દ્વારા થતાં સમૂહ લગ્ન આયોજન અંગે વિશેષ પૂર્તિઓ પ્રકાશિત કરીને આ પ્રવૃત્તિને એક ઉંચાઈ પર પહોંચાડવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવામાં આવ્યા. સમૂહ લગ્નોને પ્રેરણા આપતા તંત્રીલેખો ઉપરાંત સમાજ્જનોના મુક્ત અભિપ્રાયો પ્રસિદ્ધ કરીને સમૂહ લગ્નને એક જન આંદોલનનું સ્વરૂપ આપવામાં સક્રિય ભૂમિકા ભજવી.
સમાજ વિકાસ માટે સમૂહ લગ્ન પ્રથા કેટલી અસરકારક ભૂમિકા ભજવી શકે છે તેને ઉજાગર કરવા માટે થોડી પુષ્ઠ ભૂમિમાં જવાની જરૂર છે. ૮૦-૯૦ના દાયકામાં લખપત તાલુકામાંથી મોટાપાયે સ્થળાંતર થતું રહ્યું. દર વર્ષે સતત વરસાદના અભાવને કારણે નબળી પડતી ખેતીમાં ગુજરાન ચલાવવું અને વ્યવહાર સાચવવા મુશ્કેલ બનતા જતા ત્યારે આ જ્ઞાતિબંધુઓએ કચ્છ બહાર નીકળી ખાસ કરીને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં લાકડાંના ધંધા ઉજાગર કરવામાં લાગી ગયા. મુડીનો અભાવ હોવાથી ચાર-પાંચ સગાં-વ્હાલાં સાથે જોડાઈ ભાગીદારી ઉભી કરી, ઉછીના-પાછીના કે વ્યાજ ઉપર નાણાં લઈ જ્યાં સસ્તી જગ્યાઓ મળી કે ભાડે લઈને લાકડાંનાં કારખાનાંઓ ઉભાં કરવા લાગ્યા. આ પરિસ્થિતિમાં સ્ત્રીઓ પણ કચ્છમાં રોકાઈને નાની ખેતી કે મજુર-મૂલ કે સરકારી રાહતના કામમાં મજુરી કરી ઘર ચલાવતી અને ભાઈઓ ધંધામાં સમય કાઢીને, હાથે રસોઈ કરીને કરકસરભર્યું જીવન જીવીને ધંધા-રોજગાર ચલાવતા રહ્યા. પરંતુ સંતાનની ઉંમર થાય ત્યારે તેનાં લગ્ન તો કરવાં જ પડે ને ? લગ્ન એ ખર્ચાળ પ્રસંગ છે અને આ પરિસ્થિતિમાં આ ખર્ચાઓ કોઈને પણ પોષાય એમ નહોતા. આ વિકટ પરિસ્થિતિમાં દૂરંદેશી દૃષ્ટિ ધરાવતા વડીલ આગેવાનોએ તાલુકાના જ્ઞાતિજનોમાં એક મત લાવી સમૂહ લગ્નની શરૂઆત કરી અને કુનેહપૂર્વક નિર્ણય લેવડાવ્યો કે તાલુકાની સમાજ માટે આ સમૂહ લગ્ન ફરજિયાત છે અને કોઈ પણ મા-બાપ છુટક લગ્ન કરી શકશે નહિ. સમાજના આ સામુહિક નિર્ણયથી લગ્ન જેવા મોટા ખર્ચામાંથી રાહત મળી અને બચત થતાં દરેક ધંધા રોજગારમાં પગભર થવા લાગ્યા અને આ પગલું આર્થિક વિકાસ માટે પ્રેરક બળ બની ગયું.
સમૂહ લગ્નનું એક ઉજળું એ પાસું છે કે સમાજના સંપન્ન વર્ગ દ્વારા દાન સ્વરૂપે મળતા ફંડમાંથી નબળા અને જરૂરિયાતમંદ કુટુંબોનો બોજ સરળતાથી હળવો થઈ જાય છે. સંપન્ન વર્ગને સમાજ માટે કંઈક કર્યાનો સંતોષ મળે છે.જ્યારે જરૂરિયાતમંદ કુટુંબનો પ્રાણ પ્રશ્ન ઉકેલાઈ જાય છે. વિચારો, કેટલી સુંદર વ્યવસ્થા છે ? સમાજ માધ્યમ હોવાથી આપનારને ગુરુતા ગ્રંથિ પણ નથી આવતી અને લાભલેનાર લઘુતા ગ્રંથિથી દબાઈ નથી જતો. કેટલું ઉચ્ચ કક્ષાનું અધ્યાત્મિક અર્થશાસ્ત્ર આ પ્રથામાં જોડાયેલ છે અને આ જ તો ભારતીય સંસ્કૃતિની મહાનતા છે.
બે-ત્રણ દાયકાઓથી આ યજ્ઞ સતત ચાલતો રહ્યો છે. કોઈ થાકતું જ નથી. સમાજના હોદ્દેદરો આયોજન કરવામાં નથી થાક્યા કે નથી થાક્યા આ યજ્ઞમાં દાનરૂપી આહુતિ આપનાર દાતાશ્રીઓ. નથી થાક્યા શ્રમદાન કરનાર સ્વયંસેવકો. સમૂહ લગ્નોમાં દિકરીને કરિયાવરમાં આપવાની વસ્તુઓની યાદી પણ દર વર્ષે મોટી થતી જાય છે. ક્યાંક તો દિકરીઓને સોનાનાં દાન પણ અપાયાં છે. મંડપોની ભવ્યતા પણ દર વર્ષે ઉમેરાતી જાય છે. પરંતુ અફસોસની વાત એ છે કે હવે લગ્નોમાં જોડાનાર નવયુગલોની સંખ્યામાં કયાંક કયાંક ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
શું સમાજ એટલો બધો આર્થિક મજબુત બની ગયો છે કે સમૂહ લગ્નોની જરૂરિયાત ઘટવા માંડી છે ? શું એવાં જરૂરિયાતમંદ કુટુંબો ઘટતાં જાય છે ? જો જવાબ હા હોય તો આનંદની વાત છે. પરંતુ હકીકત કંઈક અલગ છે.
શ્રી સમાજ અને ઝોન સમાજો દ્વારા ફરી એકવાર એક બુલંદ ઝુંબેશ ઉપાડવામાં આવે, જેના કારણે સમાજજનોની માનસિક્તામાં મોટો બદલાવ આવે અને સમૂહ લગ્નની જ્યોત વધુને વધુ પ્રજવલિત થાય એવી અભ્યર્થના.