જીવન સંઘર્ષમાંથી સેવા સુધીની સફરમાં આમતેમ ફરતાં મુળ કચ્છ જિલ્લાના લક્ષ્મીપર (મંજલ)ના વતની પ્રદીપકુમાર મોહનભાઈ પોકારનો જન્મ ૧૯૮૭ માં કચ્છના મોટીખાખર ગામે માતા સવિતાબેન ના કુખે થયો હતો. તે સમયે કચ્છમાં પડેલા ભયંકર દુષ્કાળના કારણે પરિવારને વતન છોડવું પડ્યું અને તેઓ જીવન સંઘર્ષમાંથી સેવા સુધીની સફરમાં આમતેમ ફરતાં ફરતાં કચ્છ થી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સ્થાયી થયાં. ત્યાં આવીને ડાયમંડ ઉદ્યોગ સાથે જીવન નિર્વાહ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જીવન નિર્વાહનો સંઘર્ષ યથાવત રહ્યો. અને ડાયમંડ ઉદ્યોગ ના વ્યવસાય માં કુદરત નો સાથ ના મળતાં પાલનપુર થી સ્થળાંતર કરવાનો વિચાર કર્યો અને વર્ષ ૧૯૯૯ માં પરિવારને લઈને સાબરકાંઠા જિલ્લાની વાટ પકડી અને ઈડર તાલુકાના ગોરલ ગામે આવી વસવાટ કર્યો.
સમય જતાં જીવન નિર્વાહ ચલાવવા માટે ધંધામાં નાનકડી કચ્છી દાબેલીની લારીથી પુનઃ જીવનની નવી શરૂઆત થઈ અને ત્યારબાદ ધીમે ધીમે સમય ની સાથે ધંધામાં કુદરત નો સાથ મળ્યો. અને "અડગ મનના માનવી ને હિમાલય નડતો નથી". તેમ આ વિચાર ને સાર્થક કરવા ગોરલ ગામમાં વિકાસ ના પંથે નવા સોપાન તરીકે "આઈસ કેન્ડી પ્લાન્ટ"નો વ્યવસાય શરૂ કર્યો. અને સમય જતાં આ ધંધામાં સફળતા મેળવી. સાથે સાથે બાળપણથી જ પિતાને સાપોને પકડતાં અને બચાવતા જોઈ પ્રદીપ પોકારના મનમાં પણ જીવદયા અને પ્રકૃતિ પ્રત્યે અનોખી લાગણી અને પ્રેમ જન્મ્યો.
માત્ર ૧૫ વર્ષની ઉંમરથી પ્રદીપ પટેલે સાપોને બચાવવાનું કાર્ય શરૂ કર્યું. શરૂઆતના સમયમાં લગભગ ૧૫ વખત સાપ કરડવાના બનાવો બન્યાં, પરંતુ મનમાં બીક રાખ્યાં વગર અને દરેક અનુભવ સાથે તેમનો આત્મવિશ્વાસ વધતો ગયો. આજે તેઓએ ૩૫૦૦ થી પણ વધુ ઝેરી તેમજ બિનઝેરી સાપો અને અન્ય વન્યજીવોને જીવ ના જોખમે સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને તેમના કુદરતી વસવાટમાં મુક્ત કરી ચૂક્યાં છે. તેમના આ સેવાભાવી કાર્યની સુગંધ ધીરે ધીરે ચોમેર પ્રસરાવવા માંડી અને તેના કારણે લોકો તેમને પ્રેમથી "સર્પમિત્ર પ્રદીપ પટેલ" ના હુલામણા નામ તરીકે ઓળખવા લાગ્યાં.
Facebook, YouTube અને Instagram જેવા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા તેમણે લાખો લોકો સુધી એક જ સંદેશ પહોંચાડ્યો—"સાપને મારશો નહીં, તેને બચાવો." તેમના જાગૃતિ અભિયાન અને સેવાકીય કાર્ય બદલ 'સર્પમિત્ર' એવા પ્રદિપ પોકાર ને સર્પ બચાવ સંરક્ષણ હેઠળ સાબરકાંઠા જિલ્લા પ્રજાસત્તાક દિન ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ તેમને જિલ્લા કક્ષાએ કેબિનેટ મંત્રીશ્રી પ્રધુમનવાજા ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
કાર્યની શરૂઆતમાં પ્રદીપ પટેલ નિઃશુલ્ક સર્પ બચાવ સેવા આપતાં હતાં. પણ બાદમાં તેમને મળતી સહાય અને ફંડને તેમણે વ્યક્તિગત ઉપયોગમાં લેવાને બદલે સારા વિચારોથી જરૂરિયાતમંદ પરિવારો સુધી રાશન કિટ પહોંચાડવા સહિત અનેક સેવાકીય કાર્યોમાં વાપર્યો છે. સમય જતાં નિરાધાર બાળકોને સહાય, વિધવા સહાય માટે માર્ગદર્શન, શિયાળામાં ધાબળા વિતરણ, હોસ્પિટલમાં ફળ વિતરણ, શાળાના બાળકોને સ્ટેશનરી અને અબોલ જીવો પ્રાણીઓ ને ફ્રુટ ખવડાવવાની સેવા જેવા અનેક માનવતાભર્યા કાર્યો સાથે તેમનું કાર્ય વિસ્તરતું ગયું. આજે સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારમાં તેઓ માત્ર સર્પમિત્ર તરીકે નહીં, પરંતુ એક સંવેદનશીલ સમાજસેવક તરીકે પણ ઓળખાય છે. Instagram પર એક લાખથી વધુ ફોલોઅર્સનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યા બાદ પણ તેમણે ઉજવણી જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ અર્પણ કરીને કરી હતી.
પ્રદીપ પટેલ ની સાથે માતા પિતા નો અતૂટ પ્રેમ અને તેમના ધર્મ પત્ની નો દુઃખ સુખમાં હમેશાં સાથ મળ્યો અને નાનકડા ચાર વર્ષ અને ચૌદ વર્ષના બે દીકરા ઓ સાથેની જીવનયાત્રામાં એ સંદેશ આપે છે કે " સાચી સફળતા પ્રસિદ્ધિમાં નહીં, પરંતુ નિઃસ્વાર્થ સેવા, જીવદયા અને સમાજ માટે જીવવામાં છે." આવા યુવાનો કોઈપણ સમાજ માટે ગૌરવ સમાન છે. એટલે જ કહેવાય છે કે પરિશ્રમ એજ પારસમણિ. અને કરેલું કાર્ય ફોગટ જતું નથી.