અન્ય સમાચાર / નવી દિલ્હીના પાટીદાર મહિલા મંડળ દ્વારા “સુવર્ણ શક્તિ પર્વ”ની ઉમંગભેર યાદગાર રીતે ભવ્ય ઉજવણી કરાઈ-વિવિધ કાર્યક્રમોનું આયોજન


નવી દિલ્હીના પાટીદાર મહિલા મંડળ દ્વારા “સુવર્ણ શક્તિ પર્વ”ની ઉમંગભેર યાદગાર રીતે ભવ્ય ઉજવણી કરાઈ : વિવિધ કાર્યક્રમોનું આયોજન : નવી દિલ્હીના પાટીદાર મહિલા મંડળ દ્વારા “સુવર્ણ શક્તિ પર્વ”ની ઉમંગભેર યાદગાર રીતે ભવ્ય ઉજવણી કરાઈ : વિવિધ કાર્યક્રમોનું આયોજન :

ગઈ તા. ૫-૪-૨૦૨૬, રવિવારના રોજ બપોર બાદ રાજધાની અત્રેના પ્રસિદ્ધ “શાહ સભાગાર” ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ (ન્યુદિલ્હી)ની સ્થાપનાની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત “સુવર્ણ શક્તિ પર્વ” નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા યોજવામાં આવેલ.

આ કાર્યક્રમના આરંભે કાર્યક્રમના દાતા પરિવાર સ્વ. કરસનભાઈ કાનજી સેંઘાણી પરિવારના સભ્યો આદરણીય રવજીભાઈ કરસનભાઈ સેંઘાણી (દિલ્હી સમાજના પ્રમુખશ્રી), શ્રીમતી રાધાબેન રવજીભાઈ સેંઘાણી (મહિલા મંડળનાં પ્રમુખશ્રી), ભાવેશભાઈ માવજીભાઈ સેંઘાણી, ધ્રુવ રવજીભાઈ સેંઘાણી તથા શ્રી દિલ્હી ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સચિનભાઈ શાહ, મહામંત્રી શ્રી હિતેષભાઈ અંબાણી, ગુજરાતી શાળા અધ્યક્ષ શ્રી રાજકુમાર રાવલ, પ્રસિદ્ધ સમાજ સેવક ભાઈલાલ પટેલ, જગદીપભાઈ રાણા તથા મહિલા મંડળ મહામંત્રી શ્રીમતી કલ્પનાબેન સાંખલા અને શ્રી દિલ્હી સમાજના મહામંત્રી જગદીશ કરસન ચૌહાણના વરદ હસ્તે કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવેલ.

આ પ્રસંગે દિલ્હી-રાજસ્થાન ઝોન સમાજના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ નાનજી ચૌહાણ, મહામંત્રી શ્રી કાંતિલાલ ડી. સાંખલા, શ્રી પટેલ તરુણ મિત્રમંડળ દિલ્હીના પ્રમુખ વિજય જેઠાભાઈ છાભૈયા, મહામંત્રી અજય કેશવલાલ સાંખલા, દિલ્હી-રાજસ્થાન ઝોન મહિલા સંગઠનનાં પ્રમુખ શ્રીમતી નર્મદાબેન શંકરલાલ રવાણી (જયપુર) તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

મહિલા શક્તિ દ્વારા અનોખી સાંસ્કૃતિક સંધ્યાનો આરંભ સનાતન સંસ્કૃતિના ભાવ સાથે દિપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવેલ. મહિલા મંડળનાં મહામંત્રી શ્રીમતી કલ્પના કાંતિલાલ સાંખલાએ સ્વાગત પ્રવચનથી કાર્યક્રમની ગૌરવપૂર્ણ શરૂઆત કરાવી હતી અને સૌને આવકાર્યા હતા.

આ કાર્યક્રમમાં કચ્છ કડવા પાટીદાર સમાજના ૫ વર્ષથી ૭૦ વર્ષ સુધીના લગભગ ૨૫૦ જેટલાં સભ્યો દ્વારા ૧૯ વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય, રમતગમત અને રાજકીય વિષયોનો સમાવેશ થયો હતો. તમામ પ્રસ્તુતિઓ ખૂબ જ સુંદર અને પ્રશંસનીય રહી હતી.

લગભગ પાંચ કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં પ્રેક્ષકોના તાળીઓના ગડગડાટ સાથે એક પછી એક પ્રસ્તુતિને ઉમંગભેર વધાવવામાં આવી હતી. વિશેષ બાબત એ રહી હતી કે કોઈ પણ બહારના પ્રોફેશનલની મદદ લીધા વગર, સમાજના સભ્યો દ્વારા જ કોરિયોગ્રાફી, ડ્રેસ ડિઝાઈન, સંગીત અને મેકઅપ જેવા તમામ કાર્યો સફળતાપૂર્વક નિભાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન સમાજના સભ્યો દ્વારા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહક ભેટો આપીને તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવેલ.

પ્રસંગોચિત પ્રવચનોમાં સર્વશ્રી રવજીભાઈ સેંઘાણી, શ્રીમતી રાધાબેન સેંઘાણી, હિતેષભાઈ અંબાણી તથા ભાઈલાલભાઈ પટેલે મહિલા મંડળ અને તમામ કલાકારોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમની અધ્યક્ષતા મહિલા મંડળનાં પ્રમુખ શ્રીમતી રાધાબેન રવજીભાઈ સેંઘાણી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સંચાલન મહિલા મંડળ મહામંત્રી શ્રીમતી કલ્પના કાંતિલાલ સાંખલા તથા સાંસ્કૃતિક સમિતિની બહેનો, શ્રીમતી મીનાબેન હરીશભાઈ સેંઘાણી, શ્રીમતી જ્યોતિબેન ભરતભાઈ લીંબાણી, શ્રીમતી તમન્ના અરવિંદ દિવાણી અને શ્રીમતી ગાયત્રી સુનિલભાઈ ચૌહાણ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

આ સુવર્ણ શક્તિ પર્વના ૫૦ વર્ષની ઉજવણીના અવસરે મહિલા અને દિકરીઓ દ્વારા સનાતન ગર્વ અને ગૌરવને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ દ્વારા સમાજમાં એકતા, સંસ્કાર અને વ્યક્તિત્વ નિર્માણના સંદેશને મજબુત બનાવવામાં આવ્યો હતો.

દિલ્હીમાં વસેલા કચ્છનાં પરિવારો દ્વારા રચાયેલ આ સંગઠિત સમાજમાં મહિલા શક્તિઓએ વિશેષ યોગદાન આપી પરિવાર અને સમાજ વિકાસમાં અનોખી ભૂમિકા ભજવી છે. કેન્દ્રિય મહિલા સંઘનાં પ્રમુખપદે સદગત ઝવેરબેન ગંગારામ સાંખલાની સેવા, સમર્પણ અને સદભાવના દ્વારા સમાજમાં જ્ઞાન, એકતા, સમૃદ્ધિ અને સુરક્ષાના મુલ્યો પ્રસ્થાપિત થયાં છે. સ્ત્રીને શક્તિ સ્વરૂપે સ્વીકારી તેના ત્યાગ, સમર્પણ અને વ્યક્તિત્વને “મધર ઈન્ડિયા” તરીકે માન્યતા આપતા વકતાઓએ મહિલા શક્તિઓને બીરદાવ્યા હતા.

આભારવિધિ બાદ રાત્રે સ્વરૂચિ ભોજન સાથે કાર્યક્રમનો સમાપન થયો અને સૌએ આ અવિસ્મરણીય ક્ષણો સાથે વિદાય લીધી.

(પાટનગર દિલ્હીમાં વસતાં આપણી સમાજનાં ભાઈ-બહેનો સાથે મારો વર્ષો જુનો ઘરોબો છે. અહીંના વાતાવરણમાં માત્ર પશ્ચિમી સંસ્કૃતિની જ નહિ સમગ્ર વિશ્વની સારી-નરસી અસરો સૌ પહેલાં જોવા મળતી હોય છે. તેવા સંજોગોમાં પણ આપણા સમાજનાં ભાઈ-બહેનોએ, વતનથી એક હજાર કિ.મી. દૂર હોવા છતાં પણ આપણી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ અને સંસ્કારોનો વારસો જાળવી રાખ્યો છે. એટલું જ નહીં તેને જીવંત રાખ્યો છે ત્યારે સમાજની ત્રણેય પાંખો સમાજ, તરૂણ મિત્રમંડળ અને મહિલા મંડળને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે.

આ પ્રસંગે મહિલા મંડળની ૫૦મી વર્ષગાંઠે તેમને શુભેચ્છાઓ અને આજ રીતે સંસ્કારોની જ્યોત આપણાં પરિવારોમાં જ પ્રજ્વલિત રાખે તેવી અપેક્ષા સાથે દિલથી શુભકામનાઓ પાઠવું છું.

- શામજીભાઈ પોકાર, તંત્રી ("પાટીદાર સંદેશ”)