અન્ય સમાચાર / નવી દિલ્હી ખાતે અત્યંત દુઃખદ ઘટનામાં બેંગ્લોર (રામનગર) સમાજના યુવાનનું નિધન


નવી દિલ્હી ખાતે અત્યંત દુઃખદ ઘટનામાં બેંગ્લોર (રામનગર) સમાજના યુવાનનું નિધન

અત્રેની સનાતન સમાજના ત્રણ ભાઈઓ (કચ્છમાં જીંજાય) અને પાંચ મારવાડી મિત્રો તા. ૨૩-૧-૨૦૨૬ના (૪૫ કિ.મી.) બેંગ્લોરથી પ્લેન દ્વારા પવિત્ર સ્થાનોનાં દર્શન કરવા વારાણસી ગયેલ. ત્યાંથી અયોધ્યા, પ્રયાગરાજ અને જૈન મંદિરોનાં દર્શન કરી ટ્રેન દ્વારા તા. ૨૮-૧-૨૦૨૬ના સવારે ન્યુ દિલ્હીમાં પહાડગંજ સ્થિત હોટલ "પલ્લવી પેલેસ"માં ત્રીજા ફલોરમાં એક જ રૂમમાં ત્રણે સગા કાકાઈ ભાઈઓ ઃ (૧) હિતેશ વિશ્રામ ભાવાણી (૩૮) (૨) વસંત વીરજી ભાવાણી (૩૭) અને (૩) વિનોદ ધનજી ભાવાણી રોકાયેલ, જ્યારે મારવાડી ભાઈઓ અન્ય રૂમમાં રોકાણા હતા.

બીજા દિવસે તા. ૨૯ના દિલ્હીથી પરત બેંગ્લોર પ્લેનથી જવાના હતા, પણ...! તા. ૨૮ની હોટલની રાત્રી ગોજારી સાબિત થવાની હતી તે કોણ જાણી શકે....."દિવસ દરમ્યાન દિલ્હીમાં હરીફરીને રાત્રે હોટલમાં આવીને સુઈને આરામ કરતા હતા. ત્યારે બન્યું એવું કે તેમના રૂમની નીચેના બીજા ફલોર ઉપર એક હીટર વધારે ગરમ થઈ જવાથી ફાટી જતાં આગ અને ધુમાડો પ્રસરવા લાગેલ. આ અંગે રાત્રીના ૨-૩૦ વાગ્યે સચેત કરવા રીસેપ્શન કાઉન્ટર દ્વારા ફોનથી જાણ કરવામાં આવેલ. આગ અને ધુમાડો તેમના રૂમમાં પણ આવી ગયેલ. રૂમથી બહાર નીકળવું મુશ્કેલ સમજી તાબડતોબ બાથરૂમમાં ત્રણે દાખલ થયા. અંદરની બારીના ગ્લાસ તોડવા જતાં હિતેશભાઈની ધોરીનસ કપાઈ જવાથી લોહી લુહાણ થઈ જતાં બાથરૂમથી બહાર આવેલ, પણ આગ અને ધુમાડાના ગોટે ગોટાના કારણે વસંતભાઈના હાથ-પગ વધારે દાઝી ગયા અનેવિનોદભાઈ થોટાઈ જવાથી બેહોશ થઈને પડી ગવા અને ૬૦% જેટલું શરીર દાઝી જવા પામેલ. ઘણી મહેનત બાદ બે ભાઈઓ હિતેશ અને વસંત ગંભીર હાલતમાં પગથીયાં માર્ગે માંડ ટેરેસ (છત) ઉપર પહોંચ્યા. ત્યાં ખબર પડી કે વિનોદભાઈ રહી ગયો છે, તેથી ફરી નીચે આવી ગંભીર હાલતમાં વિનોદને ટેરેસ ઉપર લઈ આવેલ.

આવી હાલતમાં પણ ૩-૦૦ વાગે રામનગર પરિવારને હકીકતની જાણ કરી અને દિલ્હીના એક સ્નેહી ભાવેશ દિનેશભાઈ ભગત (ખોબડી)એ જાણ કરેલ. દરમ્યાન હોટલ પ્રશાસન દ્વારા પોલીસ અને ફાયર ખાતામાં ફરિયાદ નોંધાવતાં, તેઓએ આવીને તેમની પ્રક્રિયા કર્યા બાદ સર્વે ઈજાગ્રસ્તોને AIIMS હોસ્પિટલમાં દાખલ કરેલ

દિલ્હીના શ્રી ભાવેશભાઈએ રાત્રે જદિલ્હીના તરૂણ મિત્ર મંડળના પ્રમુખ વિજયભાઈ જેઠાભાઈ છાભૈયાનો સંપર્ક કરવાથી દિલ્હીના અને ફરીદાબાદના યુવક ભાઈઓ સવારના હોસ્પિટલમાં પહોંચી આવી સહયોગ આપી ખૂબ હૈયાધારણ આપેલ અને રામનગરના દિલ્હી રહેતા MP ડૉ. મંજુનાથ C.N.ને પણ હકીકત જણાવતાં મંજૂનાથ સાહેબ પણ દિલ્હીના BJPના વાઈસ પ્રેસીડેન્ટ સતીન્દ્ર શીંગ સાથે તાબડતોબ હોસ્પિટલ પહોંચી આવ્યા અને હોસ્પિટલ મેનેજમેન્ટને સારવારમાં કાળજી રાખવાની ભલામણ કરેલ. દરમ્યાનમાં બપોર બાદ રામનગરથી પરિવારજનો પણ હોસ્પિટલમાં પહોંચી આવેલ. આમ બધી રીતે તરત સહાય સમય ઉપર મળી ગયેલ. પણ 'પાયું પણીનું થાય છે" તેમ તા. ૨-૨-૨૦૨૬ સુધીની સારવારથી હિતેશભાઈ અને વસંતભાઈને વધારે સારૂં થઈ ગયેલ, પણ વિનોદભાઈ ૬૦% દાઝી ગયેલ હોવાથી ડૉક્ટરો તેમનો બચાવ કરી શકેલ નહિ અને તા. રના રાત્રે ૧૧-૦૦ વાગ્યેવિનોદભાઈ પરમધામ વિદાય લઈ ગયા. તા. ૩ના પુરો દિવસ સમાજના ભાઈઓ અને પરિવાર સભ્યોએ રૂટીન પ્રોસેસ પુરી કરેલ અને તા. ૪ના વહેલી સવારના ન્યુદિલ્હીથી બેંગ્લોર પ્લેનથી રામનગરવાળા સર્વે પરત થયા અને ભારે હૈયે તા. ૪ના ૧૦-૦૦ વાગ્યે વિનોદભાઈની અંતિમ યાત્રા કરવામાં આવેલ.

આસર્વે બનાવમાં આખર તો “કુદરતને મંજુર હોય તેમ જ થાય છે...!' પણ સમય ઉપર દોડી આવીને દિલ્હીના અને ફરીદાબાદના યુવકોએ જે સહયોગ આપેલ, સેવા આપેલ, ભોજન અને પરત જવા ટીકીટની સગવડ કરી આપી એરોડ્રોમ સુધી પહોંચવામાં સહયોગ આપેલ. તેમની સેવા અંગે રામનગરના ભાવાણી પરિવારે જણાવેલ કે તેમનો સહયોગ ચિર સમય સુધી યાદ રહેશે. એજ...!!

(અમારી સંવેદનાઓ સદગતના પરિવારની સાથે જ છે-તંત્રીઓ)