અન્ય સમાચાર / તા. ૨૭-૨૮ ડિસેમ્બરે નાના અંગીયા ખાતે ભવ્યતાપૂર્વક જીવરાજદાદા ગોત્ર કૃતુ ૠષિ સ્થાનકનો રજત જ્યંતિ મહોત્સવ યોજાયો


તા. ૨૭-૨૮ ડિસેમ્બરે નાના અંગીયા ખાતે ભવ્યતાપૂર્વક જીવરાજદાદા ગોત્ર કૃતુ ૠષિ સ્થાનકનો રજત જ્યંતિ મહોત્સવ યોજાયો

માત્ર ૧૦૩ ચુલા અને ૬૬૦ જેટલી જનસંખ્યા ધરાવતા નાના અંગીયા ચોપડા પરિવાર દ્વારા અત્રે ગઈ તા. ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ પરિવારના સુરધન જીવરાજદાદા ગોત્ર કૃતુ ઋષિ સ્થાનકનો રજત જયંતિ મહોત્સવ ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક, અતિ ભવ્ય આયોજન સાથે ઉજવવામાં આવેલ, જેમાં સમગ્ર દેશભરમાંથી ૭૫૦ કરતાં વધુ પરિવારજનો અને તેમની દિકરી-જમાઈઓએ હાજરી આપીને પ્રસંગને દિવ્યતા આપી હતી.

બે દિવસીય મહોત્સવના મુખ્ય આકર્ષણ સમા નિયાણી સન્માનમાં પરિવારની નાની મોટી ૩૦૮ દિકરીઓ અને જમાઈના અત્યંત શિસ્તબદ્ધ રીતે આદર સાથે સન્માન કરાયાં હતાં. તમામ દિકરી-જમાઈઓને બે શણગારેલ ગાડીમાં બેસાડીને... આગળતેમનાં પરિવારજનો સભા સ્થાને લઈ આવ્યા હતા... સભા મંચ ઉપર દિકરી-જમાઈઓને બેસાડીને તેમના પરિવારજનો દ્વારા શાલ અને રોકડ રકમ આપીને ચોપડા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ.

એ જ રીતે બીજા દિવસે સવારના સત્રમાં ૪૫ વડીલોનું પણ ભાવસભર સન્માન કરવામાં આવ્યું ત્યારે સન્માન કરનાર અને સન્માન મેળવનાર વડીલોની આંખોમાં હર્ષનાં આંસુ જોવા મળ્યાં હતાં. આપણી જ કચ્છ કડવા પાટીદાર સમાજના ગાયકો ભાઈ શ્રી રમેશ વેલાણી (વિથોણ) અને રીટાબેન છાભૈયા (દેવીસર/મુંદ્રા) દ્વારા પ્રસંગોચિત ગીતો/ભજનો/લોકગીતો દ્વારા બંને દિવસ ભાવસભર માહોલ ઉભો કરીને વાતાવરણને હળવું બનાવેલ તો દિકરીઓ અને વડીલોનાં સન્માન સમયે સૌની આંખો ભીની કરાવી દીધી હતી.

સામાન્ય રીતે આયોજન મોટું હોય, નિયાણી અને વડીલોની સંખ્યા મોટી હોય ત્યારે આયોજકોએ ઉતાવળ કરવી પડે... સન્માન થોડી ઝડપથી કરવાં પડતાં હોય છે પણ અહીં સંખ્યા મર્યાદિત હતી અને અન્ય કોઈ કાર્યક્રમ ના હોવાથી... સૌએ કાર્યક્રમને માણ્યો હતો. બે દિવસીય કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી મનિષ જેઠાભાઈ ચોપડા (મુંબઈ)એ કરીને સૌને જકડી રાખ્યાહતા અને સમગ્ર કાર્યક્રમ સમયબદ્ધ રીતે પુરો કરાવેલ.

૨૭મીએ સવારે દાદાના સ્થાનકેથી શોભાયાત્રા નીકળી હતી. સભાસ્થાને, મુખ્યદ્વારે દિકરીઓ અને જમાઈના સ્વાગત/સન્માન કરાયા હતા. કુલ ૧૭પારીવારિક ગ્રુપમાં ૩૦૮ દિકરીઓ અને જમાઈના સન્માન કરાયેલ.

પ્રથમ દિવસે જીયાપર સુરધનદાદા ચોપડા પરિવારના અગ્રણીઓ સર્વ શ્રી બાબુભાઈ ચોપડા, પ્રવિણભાઈ ચોપડા તથા તેમની સાથે આવેલ અગ્રણીઓના ચોપડા પરિવાર દ્વારા સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત "પાટીદાર સંદેશ" ના તંત્રી શ્રી શામજીભાઈનું જમાઈ તરીકે નહિ પણ વિશેષ અતિથિ અને ચોપડા પરિવારના ગૌરવ તરીકે સજોડે સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી શામજીભાઈએ આ સન્માનને તેમના જીવનની અમૂલ્ય અને યાદગાર પળ ગણાવી હતી.

આ કાર્યક્રમના આયોજન માટે જુદી જુદી ૧૦ જેટલી સમિતિના સ્વયંસેવકોએ તનતોડ મહેનત કરીને આયોજનને સફળતા અપાવી હતી.

મહોત્સવમાં નિયાણી ફંડના મુખ્ય દાતા રૂા. ૧૧.૧૧ લાખના સહયોગ સાથે સ્વ. માતૃશ્રી રામબાઈ લધાભાઈ ચોપડા પરિવાર (રાજપર/ભીટારા) રહ્યાં હતા, જ્યારે મહોત્સવના દાતાઓ પૈકી મુખ્ય યજમાન સ્વ. મનજીભાઈ માનણ ચોપડા (નાના અંગીયા) રૂા. ૨.૫૧ લાખના સહયોગી હતા.

બંને દિવસ સવારે દાદાના સ્થાનકે હવનવિધિ રાખવામાં આવી હતી. રાત્રે દાંડીયા-રાસના કાર્યક્રમને સૌ પરિવારજનોએ મન મુકીને માણ્યો હતો. પરિવારના ભીષ્મ પિતામહ સમાન વડીલ શ્રી જેઠાબાપાએ તેમના લાગણીસભર વકતવ્યમાં પરિવારની સ્થાપનાથી આજ સુધીની વિગતોનો ઉલ્લેખ કરીને પરિવારની એકતા જાળવવા, ઘરમાં વડીલોને આદર આપવા શીખ આપીને આશીર્વાદ પાઠવેલ.

પ્રમુખ શ્રી મોહનભાઈ અને મહામંત્રી શ્રી સુરેશભાઈએ બે દિવસીય આયોજનમાં દૂર દૂરથી હાજરી આપીને કાર્યક્રમને સફળતા અપાવવા માટે પરિવારજનો ઉપરાંત દિકરી-જમાઈઓનો સવિશેષ આભાર માન્યો હતો. અંગીયા ગામના સ્થાનિક, રાજકીય અગ્રણીઓ, સરપંચ વિગેરેના પણ સહયોગની નોંધ સાથે સન્માન કરવામાં આવેલ.

બંને દિવસ અંગીયા ગામ બહારથી આવેલ ચોપડા પરિવારજનો અને દિકરી-જમાઈઓની મોટી સંખ્યામાં હાજરીથી ધમધમી ઉઠયું હતું.