અન્ય સમાચાર / ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અકલ્પનીય સિદ્ધિ મેળવનારા ૧૨૨ દિકરા-દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ અપાયો


  • કડવા પાટીદાર સમાજના ગૌરવરૂપ સમાચાર
  • ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અકલ્પનીય સિદ્ધિ મેળવનારા ૧૨૨ દિકરા-દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ અપાયો
  • કચ્છ કડવા જ્ઞાતિના બે યુવાનો રાજ લીંબાણી અને હર્ષ પોકાર પણ ઉમિયા ચંદ્રકથી સન્માનિત થયા
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અકલ્પનીય સિદ્ધિ મેળવનારા ૧૨૨ દિકરા-દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ અપાયો

ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રવિવારે યોજાયેલા ૯મા શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં અદ્વિતીય અને અકલ્પનીય સિદ્ધિઓ હાંસલ કરી સમાજ માટે પ્રેરણારૂપ બનેલા સમસ્ત કડવા પાટીદાર સમાજનાં ૧૨૨ દિકરા-દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કહ્યું કે, ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઉમિયા યુનિવર્સિટી સ્થાપવાની જરૂરિયાત છે. સમાજ આધારિત વૈજ્ઞાનિક સંશોધનો કરવા જોઈએ. શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ પ્રાપ્ત કરનાર દિકરા-દિકરીઓ માટે ગૌરવની ક્ષણ છે, પણ ગૌરવ સાથે દાયિત્વ પણ આવે છે. તમને વિશેષ આનંદ ત્યારે જપ્રાપ્ત થશે જ્યારે તમે પારીવારિક કે વ્યક્તિગત સફળતામાંથી બહાર આવી સામાજિક સફળતા પ્રાપ્તિ કરો. વિસરાતી જતી આપણી ભવ્ય પરંપરાઓને ફરી જીવંત કરજો. દરેક પાટીદારે હવે આપણી આપવાની પરંપરાને જાળવી રાખવી જોઈએ.

આ પ્રસંગે ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું કે તમને મળેલું સન્માન અને મેડલ તમારા સુધી સીમિત ના રાખતા પણ તમે હાથ લાંબો કરીને અન્ય દિકરા-દિકરીઓને તમારી હરોળમાં લાવવા પ્રયત્નો કરજો. તમારી સફળતાથી તમારા માતા-પિતા ખુશ થાય, તમને જે હૂંફ મળે તે રીતે મા ઉમિયાજી આજે તમારી સફળતાથી ખુશ થઈ રહી છે. સમગ્ર કડવા પાટીદાર સમાજ તમને હૂંફ આપી રહ્યો છે. પાટીદાર સમાજ એકલો ખાતો નથી, અન્ય સમાજની મદદ કરે છે. આજે હજુ પણ ઘણા સમાજ પાટીદાર સમાજ પાસે અપેક્ષા રાખે છે. અગાઉ આસ્થા અને ધાર્મિક સંસ્થાઓને અવગણવાનું કામ થયું હતું પણ આજે ધર્મ સાથે રાષ્ટ્રચેતના જગાવવાનું કાર્ય કરે છે.

સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, માનદ્દમંત્રી જયંતિભાઈ પટેલ સહિત સમાજના હોદ્દેદારો અને આગેવાનો સહિતની હાજરીમાં ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ઈસરોના યુવા વૈજ્ઞાનિક દિક્ષ પટેલ, ગુજરાતની એક માત્ર આંતરરાષ્ટ્રીય બોકસીંગ ખેલાડી યાત્રી પટેલ, અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૧ વિકેટ લેનાર રાજ લીંબાણી તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડીવાયએસપી હરેશભાઈ પટેલ સહિત અનેક ગૌરવવંતા દિકરા-દિકરીઓને સન્માનિત કરાયા હતા. આ ૯મા કાર્યક્રમ સાથે અત્યાર સુધીમાં સંસ્થાન દ્વારા કુલ ૯૦૯ દિકરા-દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરાયાં છે