નાશિક-વણી : ગત તા. ૭-૧૨-૨૦૨૫ના મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં આવેલ યાત્રાધામ સપ્તશૃંગી ગઢ-વણીમાં સાંજના ૫-૧૫ વાગે સજાયેલા ભયંકર અકસ્માતમાં છ જણના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત થયા હતા.
અકસ્માતની વિગતમાં સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા જતા ઘાટ રસ્તા પર સપ્તશ્રૃંગી ગઢથી પહેલા પીકનીકપોઈન્ટથી ૧/૨ કિ.મી.ના અંતરે MH 15 BN 0555 ઈનોવા કાર ૮૦૦ થી ૧૦૦૦ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતા આ દુર્ઘટના સજાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર છ વ્યક્તિઓ આપણી કડવા પાટીદાર સમાજના હતા, જેમાં પીપળગાંવ(બ)ના રહેવાસી અને મહાદેવ સૉ મીલ/કલ્યાણી સ્ટીલવાળા કીર્તિભાઈ હિંમતભાઈ (ગોપાલભાઈ) સાંખલા ઉ.વ. પર તથા તેમના ધર્મપત્ની રસિલાબેન ઉ.વ. ૫૦ (કચ્છમાં ઉખેડા) અને પરિવારના વેવાઈ હાલે રહેવાસી ગાંધીધામ વિઠ્ઠલભાઈ માવજીભાઈ લીંબાણી ઉ.વ. ૬૫ અને વેવાણ લતાબેન ઉ.વ. ૬૦ (કચ્છમાં રસલીયા) અને કીર્તિભાઈના સસરાહાલે રહેવાસી પૂના પચાણભાઈ કરમશીભાઈ લીંબાણી ઉ.વ. ૬૫ અને સાસુ મણીબેન ઉ.વ. ૬૦ (કચ્છમાં મથલ) મળતી માહિતી અનુસાર સાંખલા પરિવારમાં અકસ્માતનો ભોગ બનનાર સંબંધીઓ કીર્તિભાઈના નાનાપુત્ર ચિ. નયન અને તેમના ભાઈની પુત્રીચિ. કૃપાના લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગો પુરા થઈ ગયેલહોઈ સંબંધીઓને દેવદર્શનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, જેમાં ત્ર્યબકેશ્વર મહાદેવના દર્શન કરી ઈનોવા ગાડીમાં સપ્તશૃંગી માતાજી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. રવિવારનો દિવસ હોવાથી સપ્તશૃંગી ગઢ પર દર્શન માટે ભાવિકોની ભીડ ખૂબ જ મોટી હતી. કીર્તિભાઈ ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે ઘાટ રસ્તા પર ગાડી પરનો કાબુ ગુમાવતા કાર ઉડી ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી અને અચાનક દુર્ઘટના બની હતી, જેમાં કારમાં સવાર છ વ્યક્તિઓના સ્થળ ઉપર જ મોત થયા હતા.
આ બનેલી ઘટનાને રસ્તા ઉપર ચાલતા વાહનોના પ્રવાસી ભાવિકોએ નિહાળતા તેમણે પોલીસને જાણ કરેલ. નાંદુરી, સપ્તશ્રૃંગીગઢના ગ્રામજનો તથા પોલીસ અને આપાતકાલીન સેવા અને આપત્તિ વ્યવસ્થાપન પથક તાત્કાલિક મદદ કાર્ય માટે પહોંચી મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓછા પ્રકાશ અને કાંટાળા ઝાડને કારણે મૃતદેહોને બહાર કાઢવામાં મોટી મુશ્કેલી ઉભી થઈ હતી. વીજળી ન હોવાથી વાહનોની લાઈટમાં રાહત કાર્ય ચાલુ રાખવામાં આવેલ હતું. અકસ્માત થતાં આ માર્ગ ઉપર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં આપણી સમાજના ભાઈઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઘટનાની માહિતી મળતા જ ખાસદાર (સાંસદ) ભાસ્કર ભગરે, આમદાર (ધારાસભ્ય) નીતિન પવાર, આમદાર દિલીપ બનકરએ અધિકારીઓ સાથે સંપર્ક કરી જલ્દીથી રાહત કાર્ય પુરૂં કરવાની સુચના આપેલ. કડવણના પોલીસ ઉપઅધિક્ષક કિરણકુમાર સુર્યવંશી તથા ઉપવિભાગીય અધિકારી નરેશ અકુતુરી, તહસીલદાર રોહિદાસવારુડે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જિલ્લા અધિકારી આયુષ પ્રસાદ, નિવાસી ઉપજિલ્લા અધિકારી રાજપૂત, આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શ્રીકૃષ્ણ દેશપાંડે બચાવ ટુકડીના સંપર્કમાં હતા. અકસ્માતની જાણ થતાં ૬ થી ૭ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
આ અકસ્માતની ખબર સોશીયલ મીડીયા દ્વારા વાયુવેગે ફેલાતા સમગ્ર ભારતભરમાં રહેતા કડવા પાટીદાર સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મોડી રાત્રે સર્વે કાર્યવાહી પુરી કરી મૃતદેહોને પીપળગાંવ, પૂના અને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં જાન ગુમાવનાર સભ્યોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા સહાય કરવાની જાહેરાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કિર્તિભાઈ (પીપળગાંવ(બ) સમાજના ભાઈઓ સાથે સપ્તશ્રૃંગી માતાજીના દર્શન માટે આવતા યાત્રાળુઓ માટે નિયમિત ચા-નાસ્તાની વ્યવસ્થા કરતા અને અવારનવાર દર્શને આવતા તેથી તેઓ ઘાટ રસ્તાથી વાકેફ હતા અને તેમની પાસે ડ્રાઈવિંગનો બહોળો અનુભવ હતો. આ પરિવારની ગુજરાતી સમાજ તેમજ સ્થાનિક પીપળગાંવ (બ)માં પ્રતિષ્ઠિત વેપારી તરીકેની નામના હતી. સૌ વેપારીઓએ ધંધાકીય પ્રતિષ્ઠિન સ્વૈચ્છિક બંધ રાખી મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા. પરિવારના વેવાઈ વિઠ્ઠલભાઈ લીંબાણી અને વેવાણ લતાબેનના અંતિમ સંસ્કાર અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતા. કીર્તિભાઈના સસરા પચાણભાઈ લીંબાણી અને સાસુ મણીબેનના અંતિમ સંસ્કાર પૂના ખાતે કરવામાં આવેલ હતા. સદ્ગતોની પીપળગાંવ, પૂના અને અમદાવાદ ખાતે અંતિમ યાત્રામાં મોટી -સંખ્યામાં લોકો જોડાઈ દિવંગતોને ભારે હૃદયે અંતિમ વિદાય આપી હતી.