અન્ય સમાચાર / વિતેલા યુગના શેષ બચેલાં સ્વજનોની થઈ રહેલી ક્રમશઃ વસમી વિદાય


વિતેલા યુગના શેષ બચેલાં સ્વજનોની થઈ રહેલી ક્રમશઃ વસમી વિદાય

જેમનું જીવન એનું મૃત્યુ તો નિશ્ચિત છે જ. આવરવું સત્ય આપણે સૌ જાણીએ/અનુભવીએ છીએ પરંતુ કેટલાંક વ્યક્તિત્વની જ્યારે આપણે ખબર સાંભળીએ છીએ ત્યારે જાણે કે આ૫ણું પોતાનું કોઈ સ્વજન વિદાય લઈ ગયું તેવો હૃદયને આઘાત લાગે છે.

તા. ૨૫મી નવેમ્બરે સવારે જ્યારે ભારતનાં પ્રચાર-પ્રસાર માધ્યમોએ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનના દુઃખદ સમાચાર પ્રસારિત કર્યા ત્યારે કરોડો ભારતવાસીઓએ દુઃખની લાગણી અનુભવી હતી.

તો એ જ દિવસે મોડી સાંજે/રાત્રે આપણી કચ્છ કડવા પાટીદાર સમાજના મોભી, વડીલ અને વિદાય લઈ રહેલા યુગના, જાણે કે એક માત્ર પ્રતિનિધિ હોય તેવા વડીલ શ્રી કરશનબાપાના નિધનના સમાચારે પણ દેશ-વિદેશમાં વસવાટ કરતાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનાં ભાઈ-બહેનોના દિલમાં એક સ્વજને વિદાય લીધી હોય તેવો અહેસાસ કરાવ્યો.

શાર્પેક્ષ એન્જી. અને સિગ્નેચર લેમીનેટસના નામે વ્યવસાયથી સમગ્ર ભારત/ભારત બહાર જાણીતા શ્રી અરૂણભાઈ તથા નીતિનભાઈ ચૌધરીના પિતાશ્રી કરશનભાઈ માવજી ચૌધરી ( ભારત સો મીલ, ગીતામંદિર) તા. ૨૫-૧૧-૨૦૨૫ના રોજ તેમનું અવસાન થયું ત્યાં સુધી ઉમદા શારીરિક સ્વાસ્થ્ય ધરાવતા હતા અને ૯૦ વર્ષની વયે પણ દરરોજ તેમની લેમીનેટસ અને પાર્ટીકલ બોર્ડની ફેકટરીની મુલાકાતે આવતા હતા.

સદગત કરસનબાપાએ તેમના સમયમાં ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું હતું.

કચ્છમાં ખીરસરા (નેત્રા)ના વતની શ્રી કરશનભાઈ ચૌધરીને હું “પાટીદાર સંદેશ”ની શરૂઆત/તથા મારા વિધાર્થીકાળથી ઓળખું છું. ગીતામંદિર (અમદાવાદ), કેન્દ્રિય સમાજ ઉપરાંત ટીમ્બર મરચન્ટ ફેડરેશન સહિત અનેક નાની મોટી સામાજિક સંસ્થાઓમાં તેઓશ્રી સંકળાયેલા હતા. સંયમિત છતાં સ્પષ્ટ વાણી અને વિચારોની અભિવ્યક્તિ એ તેમની આગવી ઓળખ હતી.

આવું ઉમદા, સરળ અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા વડીલ હવે આપણી વચ્ચે નથી તે હકીકત/વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.

પ્રભુ સદગતના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ("પાટીદાર સંદેશ" પરિવાર)