સમાજના કોઈપણ ક્ષેત્રની વાત હોય... વિરાણી હંમેશાં અગ્રેસર હોય છે. આ વાતને ફરી એકવાર શ્રી વિરાણી મોટી પાટીદાર સમાજે સાબિત કરી બતાવ્યું છે. ભારતભરની આપણી સમસ્ત સમાજોમાં આવું ભવ્ય, સુંદર અને આધુનિક ભવન કદાચ કયાંય જોવા નહિ મળે. શ્રી વિરાણી મોટી પાટીદાર સમાજ દ્વારા નિર્માણ પામેલ "શ્રી મનજી જીવરાજ તેજાણી ભવન" ના લોકાર્પણ કાર્યક્રમની ઉજવણી, ૧૦ થી ૧૩ ઓગસ્ટ એમ ચાર દિવસીય ઉદ્ઘાટન સમારોહનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયેલ.
આ કાર્યક્રમ મે મહિનામાં યોજવાનો હતો, પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થવાને કારણે પોતાની રાષ્ટ્રીય ફરજને ધ્યાનમાં રાખીને વિરાણી સમાજ દ્વારા આ મહોત્સવને મુલતવી રાખેલ.
માદરે વતન વિરાણી ખાતે આઠ વર્ષ પછી મોટો મહોત્સવ આવતાં લગભગ૪ હજાર જેટલાં વિરાણીવાસીઓએ દેશ-પરદેશથી આવીને આ સમારોહમાં ઉમંગભેર ભાગ લીધેલ.
પ્રથમ દિવસે યુવા મંડળ દ્વારા ખેલ મહોત્સવના આયોજનમાં બોકસ ક્રિકેટ, ચેસ તેમજ દેશી પૌરાણિક રમતોમાં અનેક જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. મેરેથોન રેસમાં ૧૫૫ જેટલાં દોડવીરો જોડાયા હતા. સાંજે કીર્તિસ્થંભની સ્થાપના કર્યા બાદ સમાજના પૂર્વ પ્રમુખો અને મહામંત્રીઓના સન્માનનો કાર્યક્રમ બાદ સમાજના ૮૦ વર્ષ ઉપરની ઉંમરના વડીલોને સમર્પિત એવા વડીલ વંદનાના કાર્યક્રમમાં ૧૧૭ જેટલા વડીલો પૈકી ૬૨ જેટલાં વડીલો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ વતી સૌ વડીલોને સ્ફટીકની માળા, શાલ અને સ્મૃતિ ભેટ સાથે આશીર્વાદ અપેક્ષિત “કૃતજ્ઞતા અર્પણ” પત્રક શ્રી સમાજ દ્વારા અર્પણ કરવામાં આવેલ. વડીલ વંદનાના આ લાગણીસભર કાર્યક્રમમાં અનેક દર્શકો ભાવવિભોર બની ગયા હતા અને માતા-પિતા પ્રત્યેનું કર્તવ્યનું ભાન કરાવતો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
આભવ્ય આયોજનના મંડપના પ્રવેશદ્વાર પર સૌની નજર કેન્દ્રિત કરે એવા કટ આઉટ મુકવામાં આવ્યા હતા, જેમાંએકબાજુ વિરાણી મોટીના પંચા રત્નો કહી શકાય એવા સર્વ શ્રી નારાયણ રામજી લીંબાણી, નારાયણ શિવજી નાકરાણી, રતનશી ખીમજી ખેતાણી, શિવદાસ કાનજી સોમજીયાણી અને કરશન શિવદાસ મુખીના આબેહુબા માનવકદના કટ આઉટ મુકયા હતા, તો બીજી બાજુ ગુજરાતનું ગૌરવ એવા નરસિંહ મહેતા. ઝવેરચંદ મેઘાણી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુંદર અને આકર્ષક કટ આઉટ મુકાયા હતા.
આ ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન સમાજન હોનહાર અને ઉત્કૃષ્ટ યુવા આર્ટીસ્ટને પોતાની આર્ટ અને પેઈન્ટીંગ કળાનું પ્રદર્શન કરવા હેતુ આર્ટ પ્રદર્શન ગેલેરી મુકવામાં આવેલ. ભારતભરમાંથી ૧૫ આર્ટીસ્ટ કલાકારો દ્વારા ગજબનું હુનર દર્શાવતી પોર્ટ્રેટ મુકાઈ હતી, જેમાં સ્કેચ આર્ટ, પેન્સિલ આર્ટ,વૉટર કલર એક્રેલિક પેઈન્ટીંગ, ટિકી ગ્લાસવર્ક, મડવર્ક, ભરતકામ વિગેરેનું અફલાતુન મટીરીયલ મુક્યુંહતું.
પ્રથમ દિવસે રાત્રે પ્રાદેશિક સાંસ્કૃતિક ઝાંકી વિરાણી મોટીના વિવિધ પ્રદેશોમાં વસતા યુવાઓ દ્વારા રજૂકરાયેલ, જે ખરેખર વિશેષ અને યાદગાર કહી શકાય એવો કાર્યક્રમ બની રહ્યો હતો, જેમાં તામિલનાડુથી ગણેશ વંદના, તેલંગાણાથી મહાભારત, ગુજરાતથી સંબંધોની મધુરતા, કચ્છથી નવરાત્રી ઉત્સવ, મહારાષ્ટ્રથી શ્રીરામ ચરિત્ર અને કર્ણાટકથી રાષ્ટ્ર ભક્તિ જેવી વિવિધ સંસ્કૃતિને છાજે એવી થીમો પર LED સ્કીનની સંગાથે યુવાઓએ જબરદસ્ત પરફોમેન્સ આપેલ.
બીજા દિવસે, સવારે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સંત શ્રી શાંતિદાસજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય શોભયાત્રામાં લઘુ મહંત પૂ. શ્રી સુરેશદાસ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતશ્રીઓને, દાતાશ્રીઓને તેમજ સમાજ અગ્રણીઓને રથ પર બીરાજિત કરી ઉત્સવનો સહર્ષ ઉમળકો વ્યક્ત કરતા સંગીતને સથવારે જ્ઞાતિજનો નાચતા-ઝુમતા શોભાયાત્રામાં જોડાયા હતા. વિવિધ પ્રદેશોથી પધારેલ દિકરીઓએ ગોતિડા-કળશ માથે ઉપાડી શોભાયાત્રાને જાજરમાન સ્વરૂપ આપ્યું હતું.
સાથે સાથે નૂતન સમાજ ભવનનું વાસ્તુપૂજન અને હોમ-હવન સમાજવાડીના પ્રાંગણમાં યજમાનશ્રી પરિવારના વરદ હસ્તે યજ્ઞાચાર્ય કમલેશ આર. રાવલ દ્વારા યજ્ઞ આદિ કરવામાં આવ્યું હતું. વેદો અને શ્લોકોના ઉચ્ચારણથી અહીંનું વાતાવરણ ઔલોકિક બની ગયું હતું.
શોભાયાત્રાના ગંતવ્ય સ્થાન ઉદ્ઘાટન સમારોહન મંડપમાં દિપ પ્રાગટ્ય કર્યાબાદ ઉપસ્થિત સંતોના આશીર્વચનોનો લાભ જ્ઞાતિ જનોએ લીધો હતો, જેમાં શ્રી માવજીબાપા આશ્રમ (નાની અરલ)થી શ્રી કાંતિરામ ભગત, જેઓ વિરાણી મોટીના પાચાણી પરિવરના સંત છે, તેઓએ યુવાઓને વ્યસન મુક્ત રહી, આધ્યાત્મને કેન્દ્રમાં રાખી જીવન નિર્વાહની સલાહ આપેલ હતી. શ્રી વિરાણી મોટીના રવિભાણ આશ્રમ ના લઘુ મહંત પૂ. શ્રી સુરેશદાસ બાપુ એ પોતે વિરાણી ગામમાં રહી ધન્યતા અનુભવતાં સર્વે વિરાણી વાસીઓને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. શ્રી શાંતિદાસ મહારાજે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર હિત માટે યુવાઓને શૌર્ય, સાહસ અને સંગઠન થકી ઉંચા શિખર પર લઈ જવા સંદેશ આપેલ. તેઓશ્રીએ ભવ્ય સમાજ ભવનમાં તેજાણી પરિવારના યોગદાનને બીરદાવ્યું હતું અને દાતાશ્રીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
બીજા દિવસે બપોર પછીના સેશનમાં નૂતન સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં જેમાં દાતાશ્રીઓ દ્વારા લેવામાં આવેલ જે તે ચડાવાઓ પ્રમાણે તેમના પરિવારના વરદ હસ્તે સંકુલના ગેટથી લઈ અન્નપૂર્ણા હોલ, વૃંદાવન હોલ, કોન્ફરન્સ રૂમ, લીફટ, રસોડું, ૨૩ રૂમો અને સ્ટોર રૂમ, મેનેજર રૂમ વિગેરેનું રીબીન ખોલી લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મંત્રોચ્ચાર સાથે દાતા પરિવારના સદસ્યોને તિલક કરાવી, વિરાણી મોટી સમાજના અગ્રણી હોદ્દેદારો દ્વારા મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને વાજતે ગાજતે દરેક પરિવારે આપ્રસંગ ઢોલના સથવારે હર્ષોલ્લાસ સાથે નાચતા ગાતા આ લોકાર્પણ કાર્યક્રમ ઉજવ્યો હતો.
આદિવસે રાત્રે મ્યુઝીકલ નાઈટમાં દિલ્હીથી “સાધો દબેન્ડ” નામે સંગીતનો કાર્યક્રમ કચ્છમાં સૌ પ્રથમ વખત આયોજિત હતો. જેમાં આપણા જુના ભજન, ગઝલ અને સંસ્કૃતિને છાજે એવા ગીતો આજની પેઢીને ગમે એવા તાલ સાથે રજૂ કરાયા હતા. પાંચ હજારથી વધુ મેદની વચ્ચે આ કાર્યક્રમે ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી.
ત્રીજા દિવસની સવારમાં સામાજિક અને રાજકીય મંચમાં સામાજિક સંગઠનને મજબુત બનાવવા માટેની અનેક વાતો કેન્દ્રિય સમાજના પ્રમુખશ્રીએ પોતાના વકતવ્યમાં વણી લીધી હતી. સાથે સાથે સમાજના ઉત્થાનમાં સૌ જ્ઞાતિજનોને સહકાર આપવા અપીલ કરેલ અને વિરાણી મોટી સામાજિક વિકાસના દરેક કાર્યમાં હંમેશાં પહેલ કરતું આવ્યું છે, જેમાંથી પંથકની દરેક સમાજો શિખ લેતી રહી છે. લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના પ્રમુખ શ્રી ગંગારામબાપાએ ઈતિહાસ વાગોળતાં જણાવેલ કે વિરાણી મોટીમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું સર્વપ્રથમ મંદિર બન્યું હતું. ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી હંસરાજભાઈ ધોળુએ જણાવેલ કે હવે વાંઢાય શ્રી ઉમિયા માતાજી સંસ્થાનને વિશ્વસ્તરીય કક્ષાનું બનાવવાનું લક્ષ્ય છે, જેમાં સર્વે જ્ઞાતિજનોને સહયોગ આપવા અપીલ કરેલ.

રાજકીય મહાનુભાવોમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવેલ કે સમાજનું કોઈપણ કાર્ય હોય જ્યાં રાજકીય સહાયતાની જરૂર ઉભી થાય તો, આપ સીધા મારી પાસે આવજો, જાહેર સભાઓમાં માગણી કરવા કરતાં સીધો સંવાદ વધુ અસરકાર રહેશે. હું પાટીદારનોદિકરો છું, એટલે સમાજ સાથે મારી પણ લાગણી જોડાયેલ છે. શ્રી પ્રધુમ્નસિંહ જાડેજાએ જણાવેલ કે વિરાણી મોટીમાં જ્યારે ખાનું બંધ કરવાની ઝુંબેશ ચાલતી હતી ત્યારે તેમના પિતાજી પણ એ કાર્યમાં પાટીદાર સમાજની સાથે ખડેપગે ઉભા રહ્યા હતા. અને વિરાણી ગામને સનાતની બનાવવામાં સાથ આપ્યો હતો.
સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વિરાણીવાસીઓની હૈદ્રાબાદથી ભૂજ માટે રેલની માગણી પર ધ્યાન આપ્યું હતું અને કચ્છ સાથે રેલ યાતાયાતની કનેકટĩવીર્ટી વધશે તો લોકો કચ્છમાં આવવા પ્રેરાશે, માટે તેમણે વિરાણીવાસીઓના સમૂહને આ માટે આમંત્રિત કર્યા હતા.
કેન્દ્રિય સમાજ માંથી સર્વશ્રી પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભાવાણી, ટ્રસ્ટી શ્રી અરૂણભાઈ ચૌધરી, ટ્રસ્ટી શ્રી ડો. શાંતિલાલ સેંઘાણી, ટ્રસ્ટી શ્રી કાંતિલાલ લીંબાણી, ટ્રસ્ટી શ્રી ભાણજીભાઈ પોકાર, ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પારસીયા, કાર્ય સમિતિ શ્રી જયંતિભાઈ રામાણી, મહામંત્રી શ્રી અશોકભાઈ ભાવાણી, મંત્રી અને પ્રવક્તા શ્રી અમૃતભાઈ નાકરાણી, યુવાસંઘ પ્રમુખ શ્રી જગદીશભાઈ લીંબાણી અને મહિલા સંઘ પ્રમુખ શ્રીમતી રમિલાબેન રવાણી ઉતરાંત શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી અને ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયથી પધારેલ શ્રી હંસરાજભાઈ ધોળુ.
રાજકીય મહાનુભાવોમાં કચ્છ જિલ્લા સાંસદ શ્રી વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ, અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રધુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત સદસ્ય નૈનાબેન પટેલ અને જયાબેન પટેલ, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશ કેસરાણી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ સોમજીયાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી રમેશભાઈ વાલજીયાણી, ગામ ઉપસરપંચ શ્રી રતિલાલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગોરધનભાઈ રૂડાણી અને ભાજપ કાર્યકર્તા શ્રી જયેશભાઈ કાનાણીની ઉપસ્થિતિ હતી.
ત્રીજા દિવસે બપોર પછીના સેશનમાં મુખ્ય ભામાશાઓના ઢોલ અને શરણાઈ સાથે ધમાકેદાર સંગીતમય વાતાવરણમાં ધામધૂમથી શાહી સ્વાગત કરવામાં આવ્યાં હતાં. વિશાળ અને ભવ્ય સભામંડપમાં માનવ મેદની વચ્ચે લાઈનબદ્ધ પધારી રહેલા દાતાશ્રીઓના પરિવારોનો ઠાઠમાઠ જોઈને લાગી રહ્યું હતું કે જાણે વિરાણી મોટીના દરબારમાં સાક્ષાત કુબેરો પધારી રહ્યા હોય... એવા જાજરમાન અને અદ્ભુત દૃશ્યો સર્જાયાં હતાં. સ્વાગત બાદ મુખ્ય દાતાશ્રીઓના ડિઝીટલી પરિવાર દર્શન એ આજનું મુખ્ય આકર્ષણ હતું. આમાં દાતાશ્રીઓના વરદ્ હસ્તે બઝર દબાવતાં શંખનાદ સાથે વિશાળ LED પર મુખ્ય સાત દાતા પરિવારની છ સાત મિનિટની સચિત્ર ફિલ્મ બતાવવામાં આવી હતી, જેમાં તકતીઓના ડિઝીટલ અનાવરણ બાદ મુખ્ય દાતા પરિવારની સવારથી લઈને સાંજ સુધીની દિનચર્યા, ધંધાકીય ક્ષેત્રેની હરણફાળ તથા પારીવારિક દૃશ્યો જોઈને સૌ ભાવવિભોર થઈ ગયા હતા. ફિલ્મ બાદ દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા. દાતાશ્રીઓના આવા ભવ્ય સ્વાગત અને વિશિષ્ટ સન્માન કદાચ આખા પંથકમાં પ્રથમવાર જોવા મળ્યા હતા.
ત્રીજા દિવસે સાંજે ૬-૩૦ વાગ્યે વિશાળ માનવ મેદની વચ્ચે પ્રખર રાષ્ટ્રવાદી વક્તા શ્રી આત્માનંદ સરસ્વતીએ પોતાના વકતવ્યમાં બે થી વધુ બાળકો દ્વારા સમાજને મોટા પરિવાર તરફ વળવા સંદેશ આપતાં જણાવેલ કે વિરાણીએ જ્ઞાતિનું ધાર્મિક જાગૃતિનું કેન્દ્રબિંદુ છે એટલે વિરાણી મોટીની જવાબદારી વધી જાય છે. તેમણે સંત શ્રી ઓધવરામજીને ભુલ્યા વિના સનાતનની જ્યોતને જલતી રાખજો તેમ જણાવેલ.
ત્રીજા દિવસે રાત્રે ગુજરાતનાં લોકપ્રિય કલાકારો દ્વારા ગુજરાતી નાટક "દિકરી મારી લાજવાબ" પ્રસ્તુત કરવામાં આવેલ. લાડકોડથી ઉછરેલીદિકરી જ્યારે સાસરે જાય ત્યારે સાંસારિક જીવનમાં દિકરીનું સમર્પણ કેવું હોવું જોઈએ એ શીખવતું નાટક આજની આપણી સામાજિક પરિસ્થિતિમાં આપણી દિકરીઓને ચેતવણી સાથે ખાસ સંદેશ આપી ગયો. કયારેક હસાવતો, ક્યારેક આંખોને ભીની કરવા મજબુર કરતું આનાટક સૌને ખૂબજ ગમી ગયો હતો.
ચોથા દિવસે પ્રથમ સેશનમાં દાતાઓનાં સન્માન સાથે ડૉ. અંકિતાબેન મુલાણીનું પારીવારિક મુલ્ય સમજાવતું હૃદયસ્પર્શી વક્તવ્ય ખૂબ જ પ્રભાવશાળી રહ્યું હતું. તેણીએ મોટા પરિવારની તરફેણ કરીને પરિવારના દરેક પાત્રો વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ એનું શાબ્દિક ચિત્રણ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પારીવારિક પાત્રોને સ્ટેજ ઉપર બોલાવીને પારીવારિક પ્રેમની પરિભાષા સમજાવતા ડૉ. અંકિતાબેને જ્ઞાતિ સમુદાયની દરેક આંખોમાંથી વહેતા આંસુઓને ઝરણામાં પરિવર્તિત કરી દીધું હતું.
ચોથા દિવસે બપોર પછી સમારોહના દાતાશ્રીઓના સન્માન કરીને સમાજે કૃતજ્ઞતા અર્પણ કરી હતી. ત્યાબાદ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરનાર દરેક સમિતિઓના અભિવાદન કરીને દરેક સમિતિઓનું ફોટોસેશન કરવામાં આવેલ. સ્પોર્ટસની વિજેતા ટીમોને પણ ટ્રોફીઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. આર્ટ ગેલેરીમાં ભાગ લીધેલ યુવાઓને પ્રોત્સાહિત કરતા શાબ્દિક ઉદ્ધોષણા કરેલ.
અને છેલ્લે... દાંડીયા મહારાસ...વિરાણી મોટીના અમદાવાદ વસતા શ્રી જયંતિભાઈ અબજીભાઈ ખીમાણીનાં બંને સંતાનો એટલે કે વિરાણીના સંતાનો... ભાઈ બહેન બંસી-ઉમંગ અને એમની વિશાળ મ્યુઝીકલ ટીમ દ્વારા દાંડીયા-રાસની જોરદાર રમઝટ બોલાવી હતી. છેલ્લી રાત્રે વિરાણી મોટીના સૌ આબાલવૃદ્ધ સંગીતના સુરે ઝુમીને મહોત્સવને પુર્ણ કર્યો હતો.
વિરાણીના આંગણે આવો ભવ્ય પ્રસંગ વર્ષો પછી આવ્યો હતો. માતૃભૂમિના આંગણે વર્ષો પછી મળેલા મિત્રો અને સ્વજનો સાથે આવા અદ્ભુત પ્રસંગને માણવો એ જીવનની લાહવો હતો. જેને સૌએ અંતરમનથી માણ્યા હતા.
આ સફળ ઉદ્ઘાટન સમારોહનું આયોજન મુખ્ય આયોજન સમિતિના ચેરમેન શ્રી વાલજીભાઈ માનાણી, વાઈસ ચેરમેન શ્રી સુરેશભાઈ કાનજીયાણી અને શ્રી પ્રભુદાસભાઈ કાનાણીના નેતૃત્વમાં યોજાયો હતો, કુલ ૪૦ જેટલી સમિતિઓ આ સમારોહને સફળ બનાવવામાં સહયોગી બની હતી. દરેક સમર્પિત કાર્યકર્તાની મહેનત રંગ લાવી હતી.
(-સંકલન : અમૃત ભાવાણી- જયંતિ દિવાણી)