રતડીયા (તા. નખત્રાણા) : (અમારા પ્રતિનિધિ શ્રી પુર્ષોત્તમભાઈ કે. પટેલ, પેટલાદ દ્વારા)
ગત તા. ૨૯-૪-૧૬ થી તા. ૬-૫-૧૬ સુધી “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવેલ. વકતા સંત શ્રી આશિષભાઈ વ્યાસ (ધરમપુરવાળા)
હતા. બહેનોએ ગોતીડા માથા ઉપર મુકી ભક્તિ ગીતો ગાતા ગાતા શિવગણભાઈ વેલજી રામાણી પરિવાર દ્વારા સંત શ્રી આશિષભાઈ વ્યાસને તિલક કરી ફુલહાર
દ્વારા સ્વાગત કરવામાં આવેલ. તા. ૨૯-૪-૧૬ના સવારે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરેથી પોથીજીની શોભાયાત્રા કાઢવામાં આવેલ. રતડીયા ગામની શેરીઓમાંથી
ગામના પાદર ઉપર આવેલ કથા સ્થળ “નૈમિષારણ્ય ધામ”માં પોથીજીને વ્યાસપીઠ પર બીરાજમાન કરવામાં આવેલ. સ્થાપિત દેવ લક્ષ્મીનારાયણ, કુળદેવી શ્રી
ઉમિયા માતાજી તથા પિતૃઓની પ્રતિમાને સ્થાપિત કરી આચાર્ય મહેશભાઈ હરિશંકર જોશી દ્વારા મંત્રોચ્ચાર કરી રામાણી પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવેલ.
દિપ પ્રાગટ્ય બાદ મુખ્ય યજમાન પરિવાર દ્વારા પોથીજીની પૂજા કરી આરતી ઉતારવામાં આવેલ.
વ્યાસપીઠ પર પ.પૂ. શ્રી આશિષભાઈ વ્યાસ (ધરમપુરવાળા)એ બીરાજી પોતાની આગવી સુમધુર સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવેલ. સમાજના ભાવિક
ભાઈ-બહેનો, બહારથી પધારેલ રતડીયાવાસીઓ તથા આજુબાજુના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધેલ. ભાગવત કથા સાથે
સાથે ધર્મના ભાવથી પરિવાર, સમાજ, દેશ સાથે આદર્શ વ્યવહાર વિશે તથા વ્યસન અને દિકરી બચાવો વિશે વિશેષ ભાર મુકી પ્રસંગોચિત સુંદર ઉદાહરણો આપી
સાત દિવસ સુધી ભજન અને ભક્તિભાવ સાથે સત્સંગનો મહિમા સમજાવ્યો હતો. શ્રી શરદભાઈ વ્યાસએ લક્ષ્મીનારાયણ મંદિરના ખાતમુહુર્તમાં પધારેલ ભક્તજનોને
શીખ આપી કે મંદિરો બનાવવા તે પુણ્યનું કામ છે પણ મંદિરોને જીવંત રાખજો, મંદિરોને મૃત કરશો નહિ. સવાર-સાંજ મંદિરમાં દર્શન કરવા જઈ મંદિરને જીવતા
રાખજો. મંદિરમાં જશો નહિ તો મંદિર મૃત થઈ જશે.
ભાગવત સપ્તાહ દરમ્યાન રાત્રે યજમાન રામાણી પરિવાર તથા ગામજનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવેલ. બીજી રાત્રીએ
દાંડીયા-રાસ અને ગરબાનો કાર્યક્રમ રાખેલ. ક્સુંબલ ડાયરાનું આયોજન કરેલ. લોકગીતો તથા હાસ્યરસના રમૂજી પ્રસંગો રજૂ કરીને સૌને મોહિત કરી દીધેલ.
સાથે સાથે કૃષ્ણ જન્મ મહોત્સવ, મટકીફોડ અને રૂક્ષ્મણી વિવાહ રાખેલ, જેમાં વાલજીભાઈ કરસનભાઈ સાંખલાની પુત્રીને રૂક્ષ્મણી સ્વરૂપે ભાગવત સપ્તાહમાં
પરણાવી, ઉપસ્થિત ભક્તજનોએ આશીવાદ અને કન્યાદાન આપી વિદાય આપેલ. સપ્તાહ દરમ્યાન આવેલ ભેટ તથા ડાયરામાં થયેલ ગોળ લક્ષ્મીનારાયણ મંદિરના
નવનિર્માણ માટે અર્પણ કરવામાં આવેલ.
શ્રી શિવગણભાઈ વેલજીભાઈ રામાણી પરિવાર દ્વારા આવેલ સંતો, મહેમાનો, વડીલો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓને શાલ ઓઢાડી ખેસ પહેરાવી સૌને સન્માનિત
કરવામાં આવેલ. ભાગવત સપ્તાહ દરમ્યાન સવાર, બપોર અને સાંજના ત્રણે ટાઈમ યજમાન રામાણી પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ, જેમાં
નાતજાતના ભેદભાવ વગર દરેક સમાજના જનો એક સાથે ભોજન લેતા હતા. છેલ્લે દિવસે ધુઆ બંધ ગામ જમાડવામાં આવેલ. સાત દિવસ ગાયોને લીલો ચારો
આપવામાં આવેલ.