બ્રેકિંગ ન્યૂઝ / હૈદરાબાદ-સિકંદરાબાદ ખાતે તા.13-14-15 એપ્રિલે દક્ષિણ ભારતમાં સૌપ્રથમ નિર્મિત કચ્છ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્યતાથી ઉજવાશે.


પાટીદાર સંદેશના તંત્રીશ્રી શામજીભાઈ ની કલમે...


વ્હાલાં વાંચક ભાઈ બહેનો,

આગામી તા. 13, 14 અને 15 એપ્રિલે હૈદરાબાદ - સિકંદરાબાદ સમાજ દ્વારા દક્ષિણ ભારતમાં સૌ પ્રથમ નિર્મિત કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્યતાથી અને ભક્તિસભર ધાર્મિક માહોલમાં ઉજવવા જઈ રહ્યો છે. આ અગાઉ પાટીદાર સંદેશના અંકોમાં વિગતે જણાવી ગયા છીએ તે મુજબ છેલ્લા ઘણા સમયથી જેની તડામાર તૈયારીઓ ચાલતી હતી. તે ઉત્સવ હવે નજીકમાં આવી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેનું COUNT-DOWN શરૂ થઈ ગયું છે. આ કાર્યક્રમને સફળતા મળે તે માટે અને ભવ્યતાથી ઉજવાય તે માટે સમાજની ત્રણેય પાંખોના કાર્યકર ભાઈ બહેનો કામે લાગ્યા છે.

કાર્યક્રમના અંતિમ તબક્કામાં ગઈ તા. 5 એપ્રિલે સંતોની તપોભૂમિ એવા વાંઢાય ખાતે આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિરમાંથી અખંડ જ્યોત વિધિ વિધાન અનુસાર શ્રી ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી હંસરાજભાઈ ધોળું, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને સંસ્કાર ધામના પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણીની ટીમ દ્વારા વાજતે ગાજતે રથ દ્વારા ઊંઝા લાવવામાં આવેલ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સિકંદરાબાદ ખાતે નવનિર્મિત માતાજીના મંદિરમાં લઈ જવા માટે હૈદરાબાદ - સિકંદરાબાદ થી બે બસ, પાંચ કાર અને થોડા અગ્રણીઓ હવાઈ માર્ગે એમ કુલ 100 જેટલા ભાઈ બહેનોએ વાંઢાય થી આવેલ માતાજીની જ્યોતને ઊંઝા ખાતે સ્વીકારી હતી. આ સૌને ઊંઝા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. જેની વ્યવસ્થા ઊંઝા માતાજી સંસ્થાન દ્વારા કરવામાં આવેલ હતી. ઊંઝા સંસ્થાનના મહામંત્રી શ્રી દિલીપભાઈ નેતાજીએ જ્યોતની પૂજા કરી હતી. તા. 6 એપ્રિલે સવારે 8:00 થી 11:00 દરમિયાન ઊંઝામાં નીકળેલ ભવ્ય નગર યાત્રામાં 1200 કરતાં વધુ જન સંખ્યા જોડાયેલ.

ઊંઝા થી અખંડ જ્યોત લઈને પ્રથમ દિવસે બપોરે કલોલ સમાજમાં અને રાત્રિ રોકાણ આણંદ ખાતે કર્યુ હતું. ત્યાંથી કડોદરા, કિલ્લા પારડી, નાસિક, સંભાજીનગર, પરભવી, નાંદેડ, નિઝામાબાદ અને ત્યાંથી કરીમનગર થઈને R.K Puram ભવન થઈને મુસાપેટ સમાજ ભવન ખાતે તા. 11 એપ્રિલે રાત્રે અખંડ જ્યોત પહોંચશે તે મુજબનો કાર્યક્રમ છે.

તા. 12મી એપ્રિલે મુસાપેટ પાટીદાર ભવનથી સવારે અખંડ જ્યોત સાથે 1 હજાર કરોડ રામ મંત્ર લખેલી 700થી વધુ પોથીઓની યાત્રા મેડચલ ખાતે નવનિર્મિત માતાજીના ધામમાં પહોંચશે ત્યાં આરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 13 મી એપ્રિલે સવારે મહિલા શક્તિ દ્વારા 1008 કળશ સાથેની શોભાયાત્રા અને બપોર પછી સંતોના સામૈયા અને આશીર્વચન રાખેલ છે. જેમાં સર્વશ્રી મોહનદાસજી, સંત શ્રી વલ્લભકૃષ્ણજી, સુશ્રી ભારતી દીદી (બડવાહ) વિગેરે હાજરી આપશે.

તા. 14 મી એ સવારે સમાજનો હીરક જયંતિ મહોત્સવ અને બપોર પછી સામાજિક અને રાજકીય સભા નું આયોજન કરેલ છે. જેમાં કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રી આબજીભાઈ કાનાણી તથા હોદ્દેદારોનું વાંઢાય સંસ્થાના પ્રમુખશ્રી હંસરાજભાઈ ધોળું, સંસ્કારધામના પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી, કેન્દ્રીય મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી જશોદાબેન, પાટીદાર સંદેશના તંત્રી શ્રી શામજીભાઈ પટેલ અને અમદાવાદ ઝોનના પ્રમુખ શ્રી CA આર. એન પટેલ તેમજ ઊંઝા ઉમિયા સંસ્થાન સંસ્થા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અગ્રણીઓ પણ હાજરી આપનાર છે. તા. 15 મી એપ્રિલે સોમવારે વહેલી સવારે 04:30 કલાકે બ્રહ્મ મુહૂર્તમાં મૂર્તિ બિરાજમાન કરાશે, 7:45 કલાકે શિખર ઉપર ધ્વજારોહણ અને 8:21 કલાકે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર માહોલમાં ઉજવવામાં આવશે. તેનો આનંદ માત્ર સ્થાનિક સમાજને જ નહીં, પરંતુ સમગ્ર આંધ્ર અને તેલંગાના સમાજના ભાઈ બહેનોમાં પણ જોવા મળી રહ્યો છે.

હૈદરાબાદ - સિકંદરાબાદ ખાતે  તા. 13-14-15 એપ્રિલે દક્ષિણ ભારતમાં સૌપ્રથમ નિર્મિત કચ્છ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્યતાથી ઉજવાશે.