કચ્છજા વાવડ / નાના અંગીયામાં અષાઢી બીજના પરિવાર ભાવનાનાં દર્શન


નાના અંગીયા : (અમારા તંત્રી શ્રી કરમશીભાઈ એન. પટેલ, ભૂજ દ્વારા)

નાના અંગીયા - નખત્રાણા તાલુકાના આ ગામે કચ્છમાં સૌથી વધુ ગ્રામજનો સ્થાયી રહે છે. આ ગામે દર વર્ષની પ્રણાલી મુજબ રાષ્ટ્રીય સ્તરના પરિવારો પૈકી
પારસીયા, ભગત, નાકરાણી, ચોપડા અને ઘોઘારી પરિવારના પિતૃદેવના બેસણા છે. સમગ્ર કચ્છ તેમજ કચ્છ બહારથી અનેક પરિવારો પોત-પોતાના પિતૃદેવને
નાળીયેર, સુખડી અર્પણ કરી પૂજન-અર્ચન અને ખૂબ જ શ્રદ્ધાથી માથું ટેક્વવા પોતાના વાહનો સાથે ઉમટી પડ્યા હતા.

અત્રે ચોપડા, નાકરાણી તથા ભગત પરિવારની અલાયદી સમાજવાડીઓમાં સમૂહ ભોજન થાય છે. જ્યારે નાના અંગીયા સ્થાનિકે પારસીયા પરિવારની બહોળી
જનસંખ્યા હોતાં શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજની વાડીમાં સૌ સમૂહ પ્રસાદને ન્યાય આપે છે. જ્યાંથી સવારે પારસીયા પરિવારનાં ભાઈ-બહેનો વાજતે-ગાજતે
દાદાના સ્થાનકે જઈ પૂજન-અર્ચન કરે છે અને પરિવારની નિયાણીઓને દાન-દક્ષિણા ભાવ અને શ્રદ્ધાપૂર્વક ભેટ સ્વરૂપે અપાય છે. આમ તમામ પરિવારોની
અવરજવરથી નાના અંગીયા ગામ દાદાના જયનાદોથી ગુંજી ઉઠે છે. ઉલ્લેખનીય છે કે આ ગામમાં અર્ધું ગામ રૂડાણી પરિવારનું હોતાં તેઓ તેમના સ્થાનક
નખત્રાણા જાય છે. ગામની વહુઓનાં માવિત્રો વિથોણ ગામનાં વધુ હોવાથી સૌ બપોર પછી વિથોણની અનોખી અષાઢી બીજનો આસ્વાદ પણ માણે છે.

કચ્છમાં આ પ્રમાણે નખત્રાણા ખાતે રામાણી, રૂડાણી, લુડવામાં વાડીયા પરિવાર, દેશલપરમાં માવાણી પરિવાર, ગઢશીશામાં પરવાડીયા પરિવાર, ખેડોઈમાં
ઉકાણી-ખીમાણી વિગેરે પરિવાર, દમણકામાં ચિકાણી પરિવાર, મોટી વિરાણી ખાતે દિવાણી (કાનાણી-ખેતાણી), ખોંભડી ખાતે ચૌહાણ, ઘડાણી ખાતે
લીંબાણી-પોકાર, ખેડોઈ ખાતે ધોળુ, નાની અરલ ખાતે છાભૈયા, ધાવડા તથા જીયાપર ખાતે પોકાર, કુરબઈ ખાતે રામજીયાણી, ઉગેડી ખાતે સાંખલા, કોટડા (ચ.)
ખાતે માકાણી, દુજાપર ખાતે વાસાણી અને જીયાપર ધ્રબુવા તળેટીમાં વેલાણી-વાસાણી, નાગલપર ખાતે નાકરાણી (મોખાત), મમાયમોરા-ગઢશીશા ખાતે સેંઘાણી
પરિવાર અને જબુવાણી પરિવાર વિગેરે એ જ પ્રકારે પિતૃદેવનો ઉત્સવ ઉજવે છે.