કચ્છજા વાવડ / પાણી વાળતા પાટીદાર પુત્રને પાઠશાળા ખોલવાનો વિચાર આવ્યોપ ૩૦ વર્ષની ઉંમરે સ્વપ્નું સાકાર થયું..


વિથોણ (કચ્છ) : (અમારા પ્રતિનિધિ શ્રી શાંતિલાલ અબજી લીંબાણી દ્વારા)

સાહસ અને સમર્પણનો સમન્વય ઉભો થાય તો વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકે છે. ગામડામાં અંગ્રેજી અને ગુજરાતી મીડીયમના કલાસો ચાલુ કરવા
એટલે હિમાલયમાં બરફની ફેકટરી નાખવા જેવું હોય છે. પરંતુ વિથોણના ખેડૂત પુત્ર ધીરજલાલ ચંદુભાઈ માનાણીએ એકલ હાથે ગામની વચ્ચે ૨૦૧૦માં શાળા
સંકુલ ચાલુ કર્યું ત્યારે પ્રશંસકો ઓછા અને આલોચકો વધુ હતા.

ધીરજભાઈએ બાલ્યાવસ્થામાં જ જનેતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમની માતાનું અવસાન થયું ત્યારે ધીરજભાઈ માંડ ૧૮ માસના હતા. કૃષ્ણ ભગવાનની જેમ
બીજી માતા જશોદાબેન ખરેખર જશોદાના સ્વરૂપમાં આવ્યા અને ધીરજભાઈ ઉપર પુત્રભાવનું ઝરણું વહેવડાવ્યું. પેટના જણેલાથી વધુ પ્રેમ આપી વાત્સલ્ય
વહેવડાવ્યું. જશોદાબેનના પુત્ર પ્રેમની લાગણીએ ધીરૂભાઈને યુવાન બનાવી દીધા.

ધીરજભાઈ મા-બાપની છત્રછાયા હેઠળ ફાર્મસી સુધી અભ્યાસ કર્યો અને પોતાના સ્વપ્નને સાકાર કરવા ૨૦૧૦માં વિથોણમાં સ્કૂલનો પ્રારંભ કર્યો ત્યારે કોઈને
કલ્પના ના હતી કે ખેડૂતનો દિકરો સફળ થશે. પણ અધિકારીઓથી આત્મીયતા અને ધગશને પ્રોત્સાહન મળ્યું અને પ્રગતિના સોપાન સફળતાની સીડી ઉપર
દોડવા લાગ્યા અને છ વર્ષમાં ઉપાસના વિધાલય નામ ગામડે ગામડે ગુંજતું થયું.

મર્યાદિત ફી, અલાયદુ સુવિધાઓ, એજ્યુકેશનની ગુણવત્તાએ શાળા અને ધીરજભાઈને જ્વલંત સફળતા અપાવી. આજે શાળામાં એક પ્રિન્સિપાલ (પ્રધાન આચાર્ય) ,
૩૨ શિક્ષકો અને ૫૦૦થી વધુ વિધાર્થીઓની સંખ્યાએ સફળ શિક્ષણની બુનિયાદ ઉભી કરી તેમની સફળતાએ આલોચકોને પણ અચંબિત કરી દીધા.

વિથોણ માટે ઉપાસના વિધાલય ઘર આંગણે અંગ્રેજી માધ્યમનો ઉપકાર છે. કોર્મશીયલ છતાં શિક્ષણનું નજરાણું ગામની વચ્ચે જ છે. ૧૫ થી ૨૦ ગામના ધો. કે.જી.
૧ થી ધો. ૧૦ સુધી અભ્યાસ કરવા વિથોણ આવે છે. પાટીદારનો દિકરો કોઈના પણ સાથ-સહકાર વગર વિશાળ શાળા સંકુલનું નિર્માણ કર્યું છે. મિત્રોની હૂંક
અને માતા-પિતાના આશીર્વાદ તેમની પ્રગતિનું સુત્ર છે. વિથોણના હિતેશ વાલાણી શાળાના પ્રધાન આચાર્ય છે. હિતેશભાઈ “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ નરેશભાઈ
(નખત્રાણા)ના જમાઈ છે. હિંમત અને ઉત્સાહ હોય તો કોઈ કાર્ય મુશ્કેલ નથી તે ધીરજભાઈએ સાર્થક કરી બતાવ્યું છે.