પશ્ચિમ બંગાળ / કલંકિત હત્યાકાંડ: જ્ઞાતિના ઈતિહાસમાં બનેલી આ પ્રકારની પ્રથમ કલંકિત ઘટનાનો અહેવાલ...


કલંકિત હત્યાકાંડ: સો-મીલમાં ભાગ આપવાની ના પાડતાં સગા ફુઆ સહિત પરિવારના ચાર સભ્યોની કાતિલ હત્યા કરતો નરાધમ ભત્રીજો યોગેશ ભાવાણી... પશ્ચિમ બંગાળના શ્રીરામપુર સમાજના કાનાણી પરિવારની કરૂણ ઘટના...

કલંકિત હત્યાકાંડ: સો-મીલમાં ભાગ આપવાની ના પાડતાં સગા ફુઆ સહિત પરિવારના ચાર સભ્યોની કાતિલ હત્યા કરતો નરાધમ ભત્રીજો યોગેશ ભાવાણી... પશ્ચિમ બંગાળના શ્રીરામપુર સમાજના કાનાણી પરિવારની કરૂણ ઘટના

પશ્ચિમ બંગાળમાં કચ્છ કડવા પાટીદાર સમાજ માં બનેલ એક ચોંકાવનારી ઘટનામાં સો-મીલ ના ધંધામાં ભાગ આપવાની ના પાડતા ગિન્નાયેલા ભત્રીજાએ તેના ફુઆ સહિત એક જ પરિવારના ચાર સભ્યોની ક્રુર હત્યા કરી નાંખતા કલકત્તા સહિત ભારતભરની કેકેપી સમાજમાં સનસનાટી મચી ગઇ છે.

 

મૂળ ઘડુલી ના ભત્રીજા યોગેશ ભાવાણીએ ફુઆ સહિત ચારના ઢીમ ઢાળી દીધા...

હત્યાની આ કમકમાટી ભરી ઘટના કલકત્તા થી ૭૦ કિ.મી દૂર સિંગુર પાસે આવેલ નદાન ગામમાં બની હતી. જેમાં આરોપી મનાતા યોગ્ય ભાવાણીએ તેના ફુઆ માવજી હંસરાજ કાનાણી (દિવાણી) ઉં.વ. ૭૫, દિનેશ માવજી કાનાણી ઉં.વ. ૫૦, અનસુયાબેન દિનેશ કાનાણી ઉં.વ. ૪૬ અને ભાવિક દિનેશ કાનાણી ઉં.વ. ૨૩ ના તેમના ઘરમાં જ ઢીમ ઢાળી દીધા હતા.

 

વિરાણી મોટી ના કાનાણી (દિવાણી) પરિવારમાં ખૂનની હોળી...

મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામના માવજી હંસરાજ કાનાણી છેલ્લા ૨૦ વર્ષથી નદાન ગામે ઉમિયા ટિમ્બર ના નામે સો-મીલ ચલાવે છે. તેમના સાળા ના દિકરા એવા કચ્છમાં લખપત તાલુકાના ઘડુલી ગામ ના યોગેશ જયંતીલાલ ભાવાણી અને બીજા બે ભાઈ રસિક અને વિનુ ની આર્થિક સ્થિતિ સારી ન હોય, સગાના નાતે માવજીભાઈએ તેમને આશરો આપ્યો હતો અને છેલ્લા આઠ-નવ વર્ષથી આ ત્રણ ભાઈઓ તેમની સો-મીલમાં જ કામ કરતા હતા અને તેમના મકાન ની નીચે જ રહેતા હતા.

 

સોમીલ માં ભાગ ન આપતા યોગેશે આ કાળું કારનામું કર્યું?

ત્રણ ભાઈઓમાં વચેટ યોગેશ ભાવાણી લાંબા સમયથી સોમીલ માં ભાગ આપવા માગણી કરતો હતો અને આ બાબતે લઈને અવારનવાર તકરાર પણ કરતો હતો પણ તેના ફુઆઇ ભાઈ દિનેશ કાનાણી એ ભાગ આપવાની ના પાડી દેતાં તે ગિન્નાયેલો રહેતો હતો અને આખરે તેના મનમાં ખુન્નસ સવાર થઈ જતા ફુઆના સમગ્ર પરિવાર ની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ગઈકાલે ગોઝારા દિવસે તેને અંજામ આપ્યો હતો.

 

હત્યા માટે સો-મીલ માંથી લોખંડ નું સાધન લઈ આવ્યો..

આ ચોંકાવનારા હત્યાકાંડ વિશે બહાર આવેલા અહેવાલો મુજબ યોગેશ ભાવાણી ગઇ કાલે વહેલી સવારના ૫:૩૦ કલાકે તેના ફુઆ માવજીભાઈ ના ઘરે આવ્યો હતો અને માવજીભાઈની ઘરની અગાસી પર પૂજા કરી રહ્યા હતા ત્યારે જ તેમના માથા પર લોખંડના સાધન વડે પ્રહાર કરતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ કારનામાને અંજામ આપ્યા બાદ યોગેશે નીચે આવી ફુઆના ઘરનું બારણું ખખડાવતા જેવું અનસુયાબેન બારણું ખોલ્યું કે કાળ બની આવેલા યોગેશે તેમના માથા પર પણ ઘા ઝીંકી પાડી દીધા હતા. ઘરની અંદર સૂતેલા દિનેશભાઈ અને તેમનો પુત્ર આ ગોકીરો સાંભળી જાગે તે પહેલા જ માથા પર કાળ સવાર થયો હોય તેમ યોગેશે આ બંનેને પણ ઊંઘમાં જ પતાવી દીધા હતા.

 

ચારે જણાના માથામાં જોરદાર પ્રહાર થી મોત થયા...

અનસુયાબેન અને દિનેશભાઇએ તો સિંગુરની હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. જ્યારે માવજીભાઈ અને પૌત્ર ભાવિકને કલકત્તા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પણ બચી શક્યા નહોતા. હત્યાકાંડ બાદ આરોપી યોગેશ ભાવાણી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારના રાડારાડ સાંભળી અડોશપડોશમાંથી લોકો દોડી આવ્યા હતા. પણ ત્યાં સુધી તમામ ખેલ ખતમ થઈ ગયો હતો.

 

શ્રીરામપુર સમાજ સ્તબ્ધ!

આ ઘટનાની ખબર પડતાં જ શ્રીરામપુર સમાજના ભાઈઓ ત્યાં દોડી ગયા હતા. ઘટના સ્થળેથી શ્રીરામપુર સમાજના મંત્રી નાગલપરના વસંતભાઈ રામાણીએ આપેલી વિગતો મુજબ સ્થળ પર નું દ્રશ્ય કાળજું કંપાવે તેવું અરેરાટીભર્યું હતું અને હત્યાની આ ઘટનાની સ્થાનિક સમાજના ભાઈઓ પણ હેબતાઈ ગયા હતા અને શું કરવું તે જ કોઇને સૂઝતું ન હતું... જાન ગુમાવનારા કાનાણી પરિવારના ચાર સભ્યોની અંતિમયાત્રા આજે સવારના યોજાશે. કચ્છ કડવા પાટીદાર સમાજમાં આ રીતે ધંધાકીય બાબતમાં ચાર-ચાર ખૂન થયા હોય તેવી પહેલી ઘટના છે. સમગ્ર ભારતમાં જ્ઞાતિના ભાઈઓમાં આ કલંકિત હત્યાકાંડની ખબર પડતાં જ ખળભળાટ મચી ગયો છે અને લોકો એ કાતિલ હત્યારો યોગેશ ભાવાણી પર ફીટકાર વરસાવી રહ્યા છે...

સિંગુર પોલીસ સમગ્ર હત્યાકાંડની ઝીણવટ ભરી તપાસ કરી રહી છે અને હત્યારા હાથવેંતમાં હોવાનું એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું.