તંત્રીલેખ / સગપણ સમસ્યાના ઉકેલ તરફ પ્રથમ પગલું.., (તંત્રીલેખ, જુલાઈ, ૨૦૧૬)


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

“પાટીદાર સંદેશ”ની ૩૫-૩૫ વર્ષની આ લાંબી યાત્રામાં દર માસે આપણે આ
સ્થાનેથી આપણા સમાજને સ્પર્શતી સામાજિક સમસ્યાઓ વિશે અનેકવાર
ચર્ચાઓ કરી છે, જેમાં સગપણની સમસ્યા વિશે આપણે તંત્રીલેખો દ્વારા ઘણી
બધી વાર સમાજમાં વૈચારિક કાંતિ ઉભી કરવાના પ્રયાસો કર્યા છે. આ
વિષયમાં વાચકોના પ્રતિભાવો પણ પ્રસિદ્ધ કર્યા છે. જો કે એક અખબાર
તરીકે અમારું કામ સમાજને સ્પર્શતી સમસ્યાઓનું વિશ્લેષણ કરવાનું અને તે
સર્વાગી રીતે સમાજજનો સમક્ષ રજૂ કરવાનું છે.

અમે અવારનવાર આ સમસ્યાના ઉકેલ માટે આપણી ત્રણેય કેન્દ્રિય
સંસ્થાઓનું પણ ધ્યાન દોરેલ છે. તેમના તરફથી પણ આ દિશામાં નાના-મોટા
પ્રયાસો થયા છે. પરંતુ આ એક એવી સમસ્યા છે કે જે માત્ર કચ્છ કડવા
પાટીદાર સમાજની જ નહિ પરંતુ સમાજના તમામ વર્ગો, તમામ જાતિઓ/જ્ઞાતિઓને સ્પર્શે છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ થયો, જાગૃતિ આવી, શહેર/ગામડાંઓ
વિગેરેમાં તમામ સ્તરે લોકો વિચારતા થયા, તો સાથોસાથ લોકોની અપેક્ષાઓ પણ વધી છે. આવા વિવિધ કારણોસર હાલ સગપણની સમસ્યા જન્મી છે. એક વાત
નક્કી છે કે આ સમસ્યાનો ઉકેલ કંઈ રાતોરાત આવવો શક્ય નથી, સમય જ એનો ઉકેલ છે. પરંતુ આપણે સૌ આ મહાન અને ગંભીર સમસ્યાના ઉકેલ માટે
વ્યક્તિગત રીતે અને સામાજિક સંગઠનો દ્વારા તેના ઉકેલ માટે સક્રિય અને સંનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ, કરવાનું ચાલુ રાખવું જોઈએ.

ઉપરોક્ત પૂર્વભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં “પાટીદાર સંદેશ”ના કારોબારી સભ્ય અને કેન્દ્રિય સમાજના પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ ભગતના વિચારો પ્રસ્‍તુત કરેલ છે.
“આપણી જ્ઞાતિમાં જન્મથી મરણ સુધીના પ્રસંગોમાં એકરૂપતા આવે અને જ્ઞાતિ સંગઠન બને એ માટે જ્ઞાતિ રીત-રિવાજોની ૧ થી ૧૯ કલમો જ્ઞાતિ અધિવેશનોમાં
ચર્ચાય છે અને મંજુર કરવામાં આવે છે, જેના સારાં ફળ પણ સમગ્ર જ્ઞાતિને મળ્યાં છે, એ સ્પષ્ટ વર્તાય છે. જ્ઞાતિ રીત-રિવાજોની કલમમાં ઉંમરલાયક
દિકરા-દિકરીની સગપણ માટેની અને લગ્ન માટેની ઉંમર દર્શાવાયેલ છે. પરંતુ વર્તમાનમાં ઉંમરલાયક દિકરાને સગપણની જ સમસ્યા તડપાવી રહી છે ત્યારે
ધારા-ધોરણને નજર સમક્ષ રાખીને જ્ઞાતિના વિશાળ હિતમાં વિચારવાની અને સમજણ શક્તિ કેળવવાની ખાસ જરૂરિયાત દેખાઈ રહી છે.

સગપણ સમસ્યાના મુળમાં ઉતરશું તો જણાશે કે આ સમસ્યાએ કેટલું વિકરાળ સ્વરૂપ પકડ્યું છે અને હજુ આગળ શું પરિસ્થિતિ ઉભી થશે. કેન્દ્ર સરકારની
વસ્તી ગણતરી હોય કે જ્ઞાતિની સમાજો, પરિવારોની વસ્તી ગણતરી બુકો હોય દરેક જગ્યાએ પુરૃષ-સ્ત્રી વચ્ચેનો મોટો લીંગ ભેદ નજરે ચડી રહ્યો છે. એક હજાર
દિકરાના જન્મ સામે એવરેજ નવસો દિકરીઓનો જ જન્મ થઈ રહ્યો છે. જાગૃત જ્ઞાતિઓમાં થોડો સુધારો છે એ જુદી વાત છે. આ અસમતુલન ઉભું કરવામાં
હોસ્પિટલોનાં સોનોગ્રાફી મશીનોએ શરૂઆતમાં બાળકી ભ્રૂણ હત્યામાં મોટો ભાગ ભજવ્યો છે, જેનાથી બેલેન્સ બગડવા લાગ્યું. એની સજા વર્તમાન યુવા પેઢી
ભોગવી રહી છે. અત્યારે સોનોગ્રાફી મશીનો ઉપર અનેક નિયંત્રણ આવ્યાં, સંસ્થાઓ જાગૃત બની. ત્યારબાદ થોડો સુધારો જણાઈ રહ્યો છે. પરંતુ વચ્ચેની ઉભી
થયેલ ખાધ પુરવા ફરજિયાત પણે અન્ય પ્રયત્નો કરવા જ પડે.

જન્મ દરની વિસંગતતાએ એક હજાર યુવામાંથી માત્ર નવસોનાં જ સગપણ થઈ શકે એટલે કે એકસોના ભાગે તકલીફ થવાની જ છે. આ એક કડવી વાસ્તવિકતા
છે. આંકડાઓથી અજાણ આપણામાંના કયારેક કહેતા હોય છે કે ગામડાંના કારણે સગપણમાં તકલીફ પડી રહી છે. તો કચ્છનાં ગામડાં કે સાબરકાંઠાના કંપાઓ
ઉપરાંત ગુજરાત બહાર અર્ધ શહેરી વિસ્તારોમાં પણ આજ સમસ્યા સતાવી રહી છે, જે આપ ઉપરોક્ત આંકડાઓથી સમજી શકશો.

છેલ્લાં થોડાં વર્ષોથી સગપણની ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા જ્ઞાતિની ગરિમાને ધક્કો લાગતો હોવા છતાં વલસાડી વહુ કે એવી અન્ય જ્ઞાતિની
દિકરીઓ આવવાનું શરૂ થયેલ છે, જે મા-બાપની મજબુરી દર્શાવે છે. એમને આપણી જ્ઞાતિમાંથી યોગ્ય પાત્ર મળતું નથી ત્યારે મજબુરીમાં અન્ય જ્ઞાતિ તરફ નજર
દોડાવે છે.

છેલ્લાં થોડા સમયથી મજબુર મા-બાપની આંતર વેદનાને વાચા આપવા અને ઉપાય શોધવા જ્ઞાતિના યુવાસંઘ-મહિલાસંઘના કેટલાક આગેવાનો આગળ આવ્યા છે.
એ સારી વાત છે. જેના કારણે જરૂરિયાતવાળા યુવાઓમાં આશાનું કિરણ પણ દેખાવા લાગ્યું છે. વલસાડી વહુના બદલે મા ઉમિયાના સંતાન અન્ય હિન્દીભાષી
પાટીદાર જ્ઞાતિમાંથી કન્યાઓ શોધવાની શરૂઆત કરેલ છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વિસ્તારમાં મા ઉમિયાને માનતા પાટીદારોની મોટી સંખ્યા છે. પરંતુ દહેજ પ્રથાના
કારણે ત્યાં દિકરીને સગપણની સમસ્યા નડી રહી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના પાટીદારોની દિકરીઓનાં સગપણ-લગ્ન આપણા દિકરાઓ સાથે જોડવાનું શરૂ
થયેલ છે. દિકરીના પાલક માતા-પિતા બનીને યુવાનો અને મહિલાઓ દ્વારા સ્થાનિક કુટુંબની હૂંફ આપવામાં આવે છે. આમ જોઈએ તો અન્ય જ્ઞાતિમાંથી આવતી
દિકરી કરતાં તો આ ઉત્તમ જ છેને ?

શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે આપણી જ્ઞાતિના ધારા-ધોરણ મુજબ સમાજના જવાબદાર આગેવાનો જાહેરમાં નવી શરૂઆતને સમર્થન ન આપી શકે તે સ્વાભાવિક છે
એ એમની સામાજિક જવાબદારી છે. એ આપણે સમજવું પડશે. આપણી જ્ઞાતિ બહારથી આવતી અન્ય પાટીદાર જ્ઞાતિની દિકરી બાબતે કેન્દ્રિય સમાજ, યુવાસંઘ કે
મહિલાસંઘ વચ્ચે વિવાદનો મુદ્દો બનાવવાની બિલકુલ જરૂર જ નથી. માત્ર સમજણથી જ આગળ વધવાની જરૂર છે અને ઉપસ્થિત થયેલ વર્તમાન આઠથી દસ
ટકાની ઘટ પુરવાની જરૂર છે.

આ સંજોગોમાં નવા સંબંધો/સગપણ જોડતાં પહેલાં, જરૂરી હોય તેટલી તમામ કાળજી, દરકાર અને ખરાઈ કરી લેવી જોઈએ, તો, સારા વિચારો સાથે શરૂ થયેલ
સગપણ જોડાણમાં કયાંક વચેટીયાઓ દ્વારા નાણાંકીય ગેરરીતિનો ભોગ જ્ઞાતિજનો ન બને એ માટે પણ જાગૃતિ રાખવાની જરૂર છે. આશા રાખીએ વર્તમાનમાં
કામ કરનારી યુવાઓ-મહિલાઓની ટીમ આ ટકોરને ધ્યાને રાખી જાગૃત રહેશે અને ખરા દિલથી લગ્ન વાંચ્છુક યુવાઓનાં અરમાન પુરાં કરવામાં મદદરૂપ બનશે.
આવનારા સમયને સુધારવા, બાળકી ભ્રૂણ હત્યા રોકવા અને દિકરીનો જન્મદર વધારવા માટે જ્ઞાતિમાં સંયુક્ત ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. જ્ઞાતિમાં યોજાતાં
પરિવાર મિલનો, ભાગવત સપ્તાહ કે યુવા-મહિલા સંમેલનોમાં સતત બાળકી ભ્રૂણ હત્યા પ્રત્યે જાગૃતિ લાવતા રહેશું તો જ સફળતા મળશે. કેન્દ્રિય મહિલા સંઘ
દ્વારા ત્રણ દિકરીની માતાને સન્માનવાનો કાર્યક્રમ જાહેર કરેલ છે એ અભિનંદનને પાત્ર છે અને સમયસરનું કદમ છે. એ જ રીતે સુરતના મોટા ગજાના અને
સમસ્ત પાટીદાર અગ્રણી દાતા (બાદશાહ) દ્વારા બાળકીના જન્મદરને પ્રોત્સાહિત કરવા કરોડો રૂપિયાનું દાન જાહેર કરેલ છે અને દિકરીના નામે બોન્ડ આપી
રહ્યા છે. આપણી જ્ઞાતિમાં જે સ્થાનિક સમાજમાં સ્ત્રી જન્મદર ઉંચો હોય એ સમાજનું જાહેરમાં અભિવાદન કરવું જોઈએ. જેથી અન્ય સમાજો પણ પ્રેરણારૂપ દાખલો
અપનાવે અને ઝુંબેશમાં સહભાગી થાય. દુર્ગાપુરમાં દિકરી જન્મ ઉપર બોન્ડ જાહેર થયેલ છે, જે આવકાર્ય કદમ છે.”

- ઈશ્વરભાઈ ભગત

(નખત્રાણા)

આવો આપણે સૌ જ્ઞાતિજનો સાથે મળી સગપણ સમસ્યાને ઠેલમઠેલ કરવાના બદલે તેને ઉકેલવાના નક્કર કાર્યમાં અડચણરૂપ ન બનતાં સહભાગી બનીએ અને
જ્ઞાતિના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ બનીએ.