તંત્રીલેખ / નોટબંધી અને આપણો સમાજ (તંત્રીલેખ, જાન્યુઆરી ૨૦૧૭)


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

ઈસુના ૨૦૧૭ના નવા વર્ષમાં પ્રથમવાર આપ સૌને મળતાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. “પાટીદાર સંદેશ”ની છેલ્લાં ૩૫ વર્ષની યાત્રામાં
આ સ્થાનેથી આપણે વિવિધ સામાજિક સમસ્યાઓ ઉપર વિચારો રજૂ કર્યા છે. પરંતુ આ વખતે, આ સ્થાનેથી, માત્ર આપણા સમાજને જ નહીં, પરંતુ સમગ્ર
ભારતભરના દેશવાસીઓને સ્પર્શતી અને હચમચાવી નાખતી ઘટના, નોટબંધી ઉપર વિચારો રજૂ કરી રહ્યો છું. કારણ કે આખરે આપણે સૌ સમાજજનો ભારત
વર્ષના જ નાગરિકો છીએ અને નોટબંધીની હકારાત્મક કે નકારાત્મક અસરથી આપણે સૌ અલિપ્ત રહી શકીએ નહીં.

હાલમાં લગ્નસરાની મોસમમાં એકાદ મહિનાનું વેકેશન પડ્યું છે. કારતક સુદ અગિયારસ તુલસી વિવાહથી શરૂઆત થયેલ લગ્નની મોસમ લગભગ એક મહિના
સુધી પુર-બહારમાં ખીલી ઉઠી હતી. પરંતુ આ લગ્નની મોસમમાં દર વર્ષ કરતાં કંઈક અલગ માહોલ જોવા મળ્યો. સામાન્ય રીતે જ્યારે આપણે લગ્ન પ્રસંગ નિમિત્તે
મળીએ છીએ ત્યારે મુખ્યત્વે વેપાર-ધંધાની કે સમાજની જ ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે આ ચર્ચામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને નોટબંધીનો
નિર્ણય જ છવાયેલ રહ્યો. સમાજજનો જાણે કે આર્થિક બાબતોના નિષ્ણાત હોય તે રીતે સરકારનાં આ પગલાં ઉપર પોતાનો એક્ષપર્ટ ઓપીનીયન આપતા રહ્યા અને
સરકારના ભવિષ્યના નિર્ણયો અંગે ભવિષ્યવાણી ઉચ્ચારવામાં પોતાનું જ્ઞાન દર્શાવતા રહ્યા.

સ્વાભાવિક છે કે નોટબંધીના નિર્ણયથી દેશના અર્થતંત્ર પર વ્યાપક અસર પડવાની છે ત્યારે આપણો સમાજ પણ એમાંથી બાકાત રહી શકે નહીં. આપણો સમાજ
મુખ્યત્વે લાકડું, પ્લાયવુડ, હાડવેર, પથ્થર-માર્બલ અને લેમીનેટ જેવા બિઝનેશ સાથે સંકળાયેલો છે. આપણા અનુભવ પ્રમાણે, આ બિઝનેશમાં અમુક અપવાદોને
બાદ કરતાં, વધુ પડતા રોકડ વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ પડતા ટેક્ષના ભારણના કારણે મજબુરી વશ વેપારી-વર્ગ પોતાના વ્યાપારનો મોટો ભાગ
રોકડના વ્યવહારથી કરતો હોય છે એ વાત નિર્વિવાદ છે, પરંતુ આ વાત કમનસીબે રાજનેતાઓને કે સરકારમાં બેઠેલા ઉચ્ય અધિકારીઓને કોણ જાણે કેમ
સમજાતી નથી એ આશ્ચર્યજનક લાગે છે. સામાન્‍ય રીતે મોટા ભાગે વેપારી ખોટું કરવા માગતો હોતો નથી પરંતુ અન્યાયી કર માળખું અને અતાર્કિક વેપાર
પદ્ધતિને કારણે વેપારીઓને બે નંબરના વેપારમાં જોડાવવું પડતું હોય તેમ લાગે છે. સરકાર દ્વારા બિનઉપયોગી બેફામ ખર્ચાઓ, ગરીબ કલ્યાણના નામે
બિનઉત્પાદકીય યોજનાઓ, નિરર્થક સબસીડીઓ અને ઉપરાંત રગેરગમાં વ્યાપી ગયેલ ભષ્ટ્રાચારને કારણે વધુ નાણાંની જરૂર પડતી હોય છે. પરંતુ તેનો ભોગ
સામાન્ય રીતે વેપારી વર્ગ બને છે. દર વર્ષે ટેક્ષના દરમાં વધારો અને ટેક્ષના માળખામાં ફીટ કરવા માટે નવા નવા નામથી કે નવી નવી પદ્ધતિથી ટેક્ષ લેવામાં
આવી રહ્યો છે. હાલ સમયમાં વધતી જતી હરિફાઈ ઉપરાંત વધુ પડતા આકરાં કર-માળખાને કારણે વેપાર-રોજગાર કરવા મુશ્કેલ બની રહ્યા છે, જેનો ભોગ
આપણો સમાજ પણ બનતો આવ્યો છે.

નોટબંધી અંગે સરકારનો આશય છે કાળાં નાણાંને ખુલ્લાં પાડી, ભ્રષ્ટાચાર તથા સંગ્રહખોરી દૂર કરવાનો. સરકારનો આ આશય ફળીભૂત થશે કે કેમ તે તો
આવનારો સમય જ કહેશે, પરંતુ અમુક માણસોની તિજોરીઓમાં ભરાઈ રહેલાં નાણાં બહાર આવે, અર્થતંત્રમાં આવે અને દેશના વિકાસમાં આ નાણું ઉપયોગમાં
આવે તો જરૂરથી દેશનું અર્થતંત્ર મજબૂત બને. દેશના મુઠ્ઠીભર માણસો કે નાનકડા વર્ગમાં જ કેન્દ્રિત થયેલો મની પાવર વિકેન્દ્રિત થઈ દેશના છેવાડાના વર્ગ સુધી
ફેલાય તે માટે સરકારે આ એતિહાસિક પગલું ભર્યું છે. સરકારના નોટબંધીના નિર્ણયને કારણે ઘણા બધા રાજકારણીઓ અને રાજકીય પક્ષોના પેટમાં તેલ રેડાયું
છે અને પોતાની જાતને બચાવવા માટે લાઈનમાં ઉભેલાં લોકો માટે મગરનાં આંસુ પાડીને ખોટી સહાનુભૂતિ બતાવી રહ્યા છે એ વાત સૌ કોઈ સમજી રહ્યા છે. જો કે
તેની સાથો સાથ સાચા નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે સરકારે સમયસર અને અસરકારક પગલાં પણ જરૂરથી લેવાં જ રહયાં.

આ ક્રાંતિકારી પગલાં દ્વારા દેશના વિકાસની કાયાપલટ થવાનાં એંધાણ દેખાય છે ત્યારે દેશના સામાન્ય નાગરિક તરીકે આપણે સૌએ પણ નાનું-મોટું
બલિદાન/યોગદાન આપવું જ પડે તે સ્વાભાવિક છે. સરકારના આ નિર્ણયને કારણે ટુંકાગાળા માટે પડનારી રોકડની અછતથી ઉભી થયેલી મુશ્કેલી કે
વેપાર-ધંધામાં આવનાર ટેમ્પરરી મંદીને આપણે સૌ અનુભવી ચુકયા છીએ. સરકાર દ્વારા અને ખાસ કરીને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ વિશ્વાસ અનુસાર
લાંબા ગાળે આપણા સૌના માટે ઉજજવળ ભવિષ્યની દિશામાં દોરી જશે એવું હાલમાં જણાય છે.

સરકાર દ્વારા “કેશલેસ” બિઝનેશ અને વ્યવહારો ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે જે આવકારદાયક છે. રોકડના બદલે આપણા દરેક વ્યવહાર જો બેંક
દ્વારા અથવા તો પ્લાસ્ટીક કરન્સી દ્વારા થવા લાગે તો થોડોક સમય મુશ્કેલી પડશે પરંતુ લાંબે સરવાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપણને
ગળથૂંથીમાં મળ્યું છે કે વેપારના ચોપડા નાના-હલકા રાખવા. જુના મહેતાજીઓએ આપણને હંમેશાં ડર બતાવ્યા જ કર્યો છે કે જો આટલું ટર્ન ઓવર બતાવશું તો
આટલો ટેક્ષ ભરવો પડશે અને જો ચોપડા ભારે થતા રહેશે તો સરકાર આમ કરશે/તેમ કરશે. મારા યુવાન ઉધોગપતિઓને/વેપારી મિત્રોને વિનંતી છે કે તમો આ
નબળી માનસિક્તામાંથી બહાર આવો. ટેક્ષ ચોરી એ ગુન્હો છે પરંતુ ટેક્ષ પ્લાનીંગ કરવું એ કાયદેસર છે. ટેક્ષ નિષ્ણાતોનું યોગ્ય માર્ગદર્શન મેળવી, તમારા તમામ
બિઝનેશને સંપૂર્ણ કાયદેસર કરી ખૂબ જ સારું કમાઓ અને નિયમાનુસારનો ટેક્ષ ભરી ટેન્શન મુક્ત થાવ અને દેશના અર્થતંત્રને મજબુત બનાવો, કારણ કે
આપણે સૌ આખરે તો આ મહાન રાષ્ટ્ૂની ધરોહર છીએ.

આપણે ઘણી બધી પેઢીઓને જોઈએ છીએ તો તેમનો મોટાભાગનો વેપાર રોકડાનો હોય છે, જેના કારણે ચોપડા એટલા બધા નબળા બનતા હોય છે કે તે પેઢીની
ગુડવીલ બની શકતી નથી. કરોડોની સંપત્તિ ધરાવનારને પણ બેંક નાની લોન આપતાં પણ ખચકાય છે, તેના કારણે જ્યારે બિઝનેશમાં વિકાસ માટે વધારાની
મૂડીની જરૂરિયાત ઉભી થાય ત્યારે બેંકનાં ઓછા ટકાનાં નાણાંને બદલે ઉંચા વ્યાજદરથી ડિપોઝીટ/કરજ લેવું પડે છે. જો આ ડિફરન્સની ગણતરી કરવામાં આવે
તો ખ્યાલ આવે કે ટેક્ષની જે રકમ બચાવવામાં આવી છે તેનાં કરતાં વધુ રકમથી વ્યાજ ચુકવવું પડેલ છે.

સરકાર દ્વારા લેવાયેલ નોટબંધીના નિર્ણયને આફત નહીં સમજતાં, એક અવસર સમજીને આપણા વેપાર-ઉધોગનું પ્લાનીંગ કરીશું તો નિશ્ચિતપણે ટેન્શન મુક્ત
જીવન દ્વારા આપણા કુટુંબ-પરિવાર, સમાજ અને દેશ માટે સુવર્ણ ભવિષ્ય નિર્માણ કરી શકીશું એ નિશ્ચિત છે. સૌ સમાજજનોને અપીલ છે કે આપણે સૌ
સરકારના નિર્ણયને હદયથી ૪હ ઈટ જીં) સ્વીકારીએ અને દેશના નવનિર્માણમાં સહભાગી બનીએ.