તંત્રીલેખ / આપણી ગરવી અને ગૌરવશાળી સમાજની “આજ'પ એક દ્રષ્ટિપાત.. (તંત્રીલેખ, જૂન, ૨૦૧૭)


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

આ તંત્રીલેખમાં “પાટીદાર સંદેશ”ના કારોબારી સભ્ય અને કેન્દ્રિય સમાજના પૂર્વ મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ ભગતની કલમે, આપણા સમાજના વર્તમાન પ્રવાહો
વિશેના વિચારો/વિશ્લેષણ રજૂ કરતાં પહેલાં, આ સ્થાનેથી “પાટીદાર સંદેશ” વિશે થોડુંક કહેવું છે.

ગઈ તા. ૨૮મી મે, રવિવારે, ગુજરાતની ગરવી, હરિયાળી અને રળીયામણી રાજધાની ગાંધીનગર ખાતે “પાટીદાર સંદેશ”ની સંચાલક સંસ્થા ઓલ ઈન્ડિયા કચ્છ
કડવા પાટીદાર યુથ સોસાયટીની ૩૬મી વાર્ષિક કોન્ફરન્સ મળી ગઈ, જેમાં સતત ૩૬મા વર્ષે પણ સંસ્થાના ૭૨ સભ્યો (૨૦૦ જેટલાં પરિવારજનો)એ હાજરી આપીને
સંસ્થા સાથેની પોતાની નિષ્ઠાનાં દર્શન કરાવ્યાં, એટલું જ નહીં પરંતુ ફક્ત આઠ કલાકની, એક દિવસની મીટીંગ માટે છેક સતના, હૈદ્રાબાદ અને મહારાષ્ટ્રનાં
મુંબઈ સહિતના ૧૩ પ્રતિનિધિઓએ હાજરી આપીને ચર્ચામાં ભાગ લીધો, જેમાં “પાટીદાર સંદેશ”ના ભાવિ આયોજન વિશે તો ચર્ચા થઈ જ, સાથે સાથે કેન્દ્રિય
સમાજમાં ચાલતી હાલની વર્તમાન ગતિવિધિઓનો પણ આછડતો ઉલ્લેખ થયો. કારણ કે આખરે તો આ સંસ્થાના સભ્યો પણ સમાજના ટોચના બૌદ્ધિકો જ છે.
તેઓ જ્યાં પણ રહે છે ત્યાં પોતાની સ્થાનિક સમાજ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે. તેથી સ્વાભાવિક રીતે જ અમારા સભ્યોના હૈયે પણ સમાજની ચિંતા
હોય છે. પણ અમે તેમાં બહુ ઉંડા ઉતરવા માંગતા નથી. કારણ કે હાલમાં ઘણા બધા સક્ષમ અને સમર્થ ભાઈઓ કેન્દ્રિય સમાજ અને તેની સમસ્યાઓના
નિરાકરણનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.

અમારૂં કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે સમાજની મૂળભુત સમસ્યાઓના ઉકેલની સાથો સાથ નીચે વિગતે ઉલ્લેખ કર્યા મુજબ નખત્રાણા વિધાર્થી બોડીંગ
ભવનના આધુનિકરણની વાત હોય કે ગાંધીધામ ખાતે નવીન સમાજવાડીની શરૂઆત જેવા વિકાસના અન્ય મુદ્દાઓ ઉપર પણ હવે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું
પડશે.

આટલી પૂર્વ ભૂમિકા પછી આપણી રાષ્ટ્રીય/કેન્દ્રિય સમાજની વર્તમાન સ્થિતિ વિશે શ્રી ઈશ્વરભાઈ ભગતના વિચારો જોઈએ.

“વિશાળ રાષ્ટ્ર હોય, રાષ્ટ્રીય લેવલની સંસ્થા હોય કે સ્થાનિકની સમાજ કે પંચાયત હોય ત્યાં ઉદ્ભવતા પ્રશ્નો, વિઘ્નો અને વિકાસ કાર્યો માટે જ જવાબદાર
વ્યવસ્થાતંત્ર ઉભું કરવામાં આવતું હોય છે અને આ બધી જ જગ્યાઓ પર શોખ અને સેવા માટે આગળ આવતા લોકોને જબરદસ્તી વગર સ્વૈચ્છિક રીતે જ
હોદ્દાઓ આપવામાં આવતા હોય છે. સતત ચાલતી રહેતી પ્રક્રિયાના ભાગરૂપે જ સમયે સમયે ચૂંટણી કે સર્વાનુમતે નિમણૂંક પ્રક્રિયા હાથ ધરાતી હોય છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાની આગવી કાર્યશૈલીથી લોકહૃદયમાં વિશેષ સ્થાન પામે છે. તો આતંકવાદ, કાશ્મીર જેવા મુદ્દે સમસ્યાઓનો સામનો
પણ કરે છે. અને પ્રજાના આક્રોશનો જવાબ પણ તેમણે આપવો પડે છે. સંસ્થાકીય કે રાજકીય ચૂંટણી કે નિમણૂંક સમયે અપાતાં વચનોમાં નિષ્ફળતા મળતી હોય
ત્યારે કાર્યકાળ પૂર્ણ થવા સમયે આવા પ્રશ્નો અણીયાળા ભાલાની જેમ ખુંચતા હોય છે અને પરિવર્તન લાવતા હોય છે.

વર્તમાન સમયે જ્ઞાતિ માટે સનાતન મુદ્દો, માંડવી હોસ્ટેલ પ્રકરણ તેમજ ભૂજ માટેનું જમીન સંપાદન પ્રકરણ સતત ચર્ચાતું રહ્યું છે. મુખ્ય મુદ્દાઓ અત્યારે કોર્ટ મેટર
બનેલ હોવાથી તેમાં અમારે નથી પડવું કે ટીપ્પણી પણ નથી કરવી. પરંતુ આ બધા જ મુદ્દાઓમાં કોર્ટ બહારના સમાધાન માટે અનેક વખત પ્રયત્નો થયા પરંતુ
કોઈપણ કારણોસર આખરી ઉકેલના સ્ટેજ સુધી પહોંચી શક્યા નથી. સમાધાન માટે અગાઉ માંડવીના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા, કચ્છના તત્કાલીન
ક્લેકટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કડવા પાટીદારની સર્વોચ્ય સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા પણ સમાધાન માટેના પ્રયત્નો
થયા છે, જેમાં મુદ્દાઓ નક્કી થાય પરંતુ કોઈપણ કારણોસર અમલના સ્ટેજ સુધી પહોંચતા નથી. એટલે હવે જ્યારે પણ સમાધાનની વાત આવે ત્યારે અમલ થશે કે
કેમ ! એ પહેલી શંકા રહે છે. થોડા સમય પહેલાં સંસ્કારધામ ખાતે જ્ઞાતિના વિવિધ ક્ષેત્રના જવાબદાર આગેવાનો વચ્ચે નિરાકરણ લાવવા ચર્ચાનો માહોલ સર્જાયો
ત્યારે ઉકેલની આશા જન્મી હતી, પરંતુ જાણવા મળ્યા મુજબ હજુ સુધી તેમાં કોઈ જ પ્રગતિ થયેલ જણાતી નથી. તે દરમ્યાન બંને પક્ષે કોર્ટ નોટીસો તો ચાલુ
રહેવા પામેલ છે.

જ્ઞાતિ વહીવટના સુચારૂ સંચાલન માટે નીતિ અને નિયમો હોવા જરૂરી છે અને દરેક તેનું પાલન કરે એ પણ એટલું જ જરૂરી છે. પરંતુ અફસોસ એટલો જ કે
રાષ્ટ્રીય લેવલની આપણી સંસ્થા દ્વારા બહાર પડાયેલ શ્વેતપત્ર બાદ રાષ્ટ્રીય કે સ્થાનિક લેવલે મત-મતાંતર રહેતા આવ્યા છે. મુંબઈ ખાતેની સનાતન ધર્મ પત્રિકાનો
મુદ્દો હોય કે વિરાણી મોટી ખાતેના નારાયણજી રામજી લીંબાણીના નામ સાથે સંકળાયેલ સનાતની કાર્યક્રમ વચ્ચે રાજકીય મુદ્દા માટે અપનાવાયેલ બાંધછોડ હોય.
સામાન્ય જ્ઞાતિજનો આ બધું જ જાણે છે. તેઓ વાદ-વિવાદમાં નહીં પરંતુ જ્ઞાતિમાં શાંતિ ઈચ્છે છે અને એટલે જ શ્રાવણ માસમાં આવનાર સમાજની નવી ટીમ પાસે
ઉકેલની અપેક્ષા રાખે છે. આગામી સમયે જ્ઞાતિ અને એમાંય ખાસ નવયુવાઓની કલ્પનાની ટીમ બને અને જ્ઞાતિને કોરી ખાતી સમસ્યાઓને ઉકેલીને નવી ઉંચાઈ
સર કરે એવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.

જ્ઞાતિજનોને અકળાવતા મુદ્દાઓની વચ્ચે આ અંક આપના હાથમાં આવશે તે દરમ્યાન સમાજમાં આકાર લઈ રહેલ સારી ઘટનાઓની પણ નોંધ લેવી જ જોઈએ.
નખત્રાણા ખાતેનું પાટીદાર વિધાર્થી ભવન છેલ્લા ઘણા સમયથી બંધ પડેલ છે. જે અંગે “પાટીદાર સંદેશ”માં બોર્ડીંગની અવહેલના ના સમાચારો છપાયેલ અને
જ્ઞાતિજનોએ પણ વિરોધ વ્યક્ત કરેલ. કેન્દ્રિય કારોબારી અને બાદમાં સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ પાટીદાર વિધાર્થી ભવનનું રીનોવેશન કાર્ય પૂર્ણ
થયેલ છે. ઉપરના માળે ફર્નિચર સાથેના છ/ઝ રૂમો તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે સાથેના હોલને ટીચીંગ રૂમ તરીકે ફનિચર વીથ છ/ઝ તૈયાર કરવામાં
આવેલ છે. શોર્ટ ટર્મ કોર્ષ માટે તૈયાર થયેલ વિભાગનું ઉદ્ઘાટન તા. ૮-૬-૨૦૧૭ના કરવામાં આવશે. પ્રથમ બેચમાં ઈન્પોર્ટ/એક્ષપોર્ટ અંગેનો કોર્ષ આપવામાં
આવશે. પ્રિ. જીવરાજભાઈ લીંબાણી (ભરૂચ)ના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિકે પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત અધિક્ષક શ્રી શંકરભાઈ કાનાણી સંચાલન સંભાળી
રહ્યા છે. આશા અને અપેક્ષા છે કે જ્ઞાતિના તરવરીયા નવયુવાનો આ કોર્ષનો લાભ લેશે અને સફળ બિઝનેસમેન બનશે.

ગાંધીધામ ખાતેની કેન્દ્રિય સમાજની જગ્યા પર સ્થાનિક ગાંધીધામ સમાજના સહકાર સાથે આધુનિક ઓપ વાળા સમાજ ભવનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.
છ/ઝ, નોન છ/ઝ રૂમ અને હોલ સાથેના સંકુલ માટે લાકડાંના અને ઈમ્પોર્ટ/એક્ષપોર્ટના હબ બનેલ ગાંધીધામ શહેરમાં આવતા આપણા વેપારી મિત્રો માટે પોતાનું
વિશ્વાસપાત્ર સ્થળ ઉપલબ્ધ બનશે. જવાબદારી ઉપાડનાર સ્થાનિક સમાજના આગેવાનો તેમજ ઉદાર દિલે દાન આપનાર દાતાઓને હૃદયથી અભિનંદન પાઠવીએ
છીએ.

મિત્રો, જ્ઞાતિની આજની કડવી-મીઠી યાદોને વાગોળતા, આવો આપણે સૌ ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ ભરવા માટે, અક્કડ વલણ અને અહમને ત્યાગીએ અને
આપણે નહીં, પરંતુ જ્ઞાતિ મહાન છે એ મંત્રને સાર્થક કરીએ.”

- ઈશ્વરભાઈ ભગત (નખત્રાણા)

વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

ભાઈશ્રી ઈશ્વરભાઈએ “પાટીદાર સંદેશ”ના ગયા માસના અંકમાં અને આજના ઉપરના લેખમાં એકાદ બે ઉદાહરણો આપીને તે પ્રતિ અંગુલી નિર્દેશ કર્યો છે, તેના
વિશે સંત તુલસીદાસજીની એક જાહેર ઉક્તિ “જીક્ત્રદકટૂક ગૈંક્રશ્વ ક ઘ્કશ્ચ ટકળ્ધ્જીક્રક્રશ્નષ્ટ ન” એટલે કે આપણી રાષ્ટ્રીય સમાજનું સંચાલન હોદ્દેદારો અને
કારોબારી કરે છે જ, પરંતુ બહારથી એવું ચિત્ર ભાસે છે કે આંગળીઓના વેઢામાં સમાઈ શકે તેટલા જ મિત્રો સમાજનું સંચાલન કરે છે અને તેથી તેઓને જે
ઉચિત લાગે તેવું નિયમોનું અર્થઘટન પોતાની રીતે જ કરે છે. વળી, આ બધું બિચારા આમ “સમાજજનો”ના નામે થાય છે. જ્યારે હકીકતમાં આમ સમાજજન તો
પોતે કાંઈ જાણતો હોતો નથી. હાલમાં સમાજના સ્વયંભુ બની બેઠેલા અને પોતાને સમાજના અગ્રણી કહેવરાવતા મિત્રો/સજ્જનો સમાજ હિતના નામે પોતાને ફાવે
તેવું હકારાત્મક કે નકારાત્મક લખ્યા કરે છે. તેમના આ સંદેશાઓ કેટલા લોકો વાંચે છે કે ખોલ્યા પહેલાં જ કીકી કરી નાખે છે, તેનો તેમને ખ્યાલ પણ હોતો
નથી. “વાણી સ્વાતંત્ર્ય”ના હક્ક તથા સોશીયલ મીડીયાના ઉપયોગ/ગેર ઉપયોગના કારણે સમાજમાં ઘણું બધું ગમતું/અણગમતું ચાલી રહ્યું છે. આ બધામાં સમાજનો
છેવાડાનો સમાજજન તો મુક બનીને નિહાળતો રહે છે, કેમ કે, તેના સિવાય બીજું તે કરી પણ શું શકવાનો હતો ? સમાજના ટોચના અધિકૃત હોદ્દેદારો પણ આ
બધું મુક પ્રેક્ષક બનીને નિહાળ્યા કરે છે તેના આપણે સૌ સાક્ષી છીએ.

એનાથી એક પગલું આગળ વધીએ તો ભારતના વિવિધ વિસ્તારોમાં આવેલી આપણી નાની મોટી સમાજોમાં અનેક વિચારશીલ અને સમાજનું હિત, ખરેખર, જેમના
હૈયે વસેલું છે તેવા સુજ્ઞ નાગરિકો મોટી સંખ્યામાં છે. આ બધા પણ, અન્યોની જેમ, સમાજમાં બનતી ઘટનાઓને મૂક રીતે નિહાળી રહ્યા છે અને કોણ જાણે કેમ,
તેમના હોઠ કેમ સીવાઈ ગયા છે તેની સમજ પડતી નથી..!! વ્હાલાં વાચક ભાઈ-બહેનો, જો આપને પડતી હોય અમને જણાવજો.

જીકખ્કઝોક્રશ્વ જીકર્બિંદક્બ્ભ ઘશ્વ ક્ટક્રક્ર..